હઠયોગ (લક્ષણ અને પરિભાષા)

February, 2009

હઠયોગ (લક્ષણ અને પરિભાષા) : યોગનો એક કષ્ટસાધ્ય પ્રકાર. ‘હઠ’નો પ્રચલિત અર્થ પરાણે, બળજબરીપૂર્વક એવો થાય છે. પરાણે ચિત્તવૃત્તિને એકાગ્ર, સ્થિર કરવી તે ‘હઠયોગ’ છે. જ્યાં કષ્ટદાયક પદ્ધતિ દ્વારા શરીરને નિયમનમાં લેવામાં આવે તે ‘હઠયોગ’, યમ અને નિયમ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવાય તે ‘હઠયોગ’.

સ્વાત્મારામ યોગીન્દ્ર (15મી સદી) વિરચિત ‘હઠયોગપ્રદીપિકા’ ઉપર બ્રહ્માનંદે ‘જ્યોત્સ્ના’ નામની સંસ્કૃત ટીકા લખી છે. તેમાં ‘હઠયોગ’ શબ્દને આ રીતે સમજાવ્યો છે – ‘‘हश्च ठश्च हंठौ सूर्यचन्द्रौ तयोर्योगो हठयोग: । एतेन शब्दवाच्ययो: सूर्यचन्राख्यो: प्राणापानयोरैक्यलक्षण: प्राणायामो हठयोग इति हठयोगस्य लक्षणं सिद्धम् ।’’ આનો ભાવાર્થ એ છે કે ‘હ’ એટલે ‘સૂર્ય’ અને ‘ઠ’ એટલે ‘ચન્દ્ર’. આ બંનેનું ઐક્ય કરી આપનાર પ્રાણાયામને ‘હઠયોગ’ કહે છે. એ જ રીતે ‘હ’ એટલે ‘પ્રાણ’ અને ‘ઠ’ એટલે ‘અપાન’. આ બંનેનું સમાયોજન કરી, તેમની ગતિ રોકી, તે દ્વારા ચિત્તને સ્થિર કરવું તે પણ ‘હઠયોગ’ કહેવાય છે.

ગોરક્ષનાથે પણ ‘સિદ્ધસિદ્ધાંતપદ્ધતિ’ નામના ગ્રંથમાં ‘હઠયોગ’નું લક્ષણ એક શ્લોકમાં આપ્યું છે. જો કે તેનો ભાવ તો ઉપર મુજબનો જ છે. જેમ કે –

‘‘हकार: कीर्तित: सूर्यष्ठकारश्चन्द्र उच्यते ।

सूर्याचन्द्रमसोर्योद्धठयोगो    निगद्यते ।।’’

પ્રાણાયામ અને મુદ્રા વગેરેના અભ્યાસથી કુંડલિનીનું ઉત્થાન થાય છે, તેમ થવાથી સૂર્યચંદ્ર નાડીનો પ્રવાહ શિથિલ થતાં પ્રાણવાયુનો સુષુમ્ણામાં પ્રવેશ શક્ય બને છે. આ પ્રમાણે સૂર્યચંદ્ર નાડીને એક સ્થળે એકત્ર કરવાની કલાને ‘હઠયોગ’ કહે છે. નાસિકાના ડાબા ભાગમાં વહન કરાતા પ્રાણને ‘ચન્દ્ર’ અથવા ‘ઇડા’ નાડી કહેવાય છે અને જમણા ભાગમાં વહન કરાતા પ્રાણને ‘સૂર્ય’ કે ‘પિંગળા’ નાડી કહેવાય છે.

હઠયોગી શરીર અને પ્રાણથી પોતાની સાધનાની શરૂઆત કરે છે. હઠયોગ માટે સાધનાને અનુકૂળ એવાં સ્વસ્થ શરીરની આવશ્યકતા છે. સુદૃઢ, ચપળ, કાર્યક્ષમ શરીર હઠયોગ સિદ્ધ કરવા આવશ્યક ગણાવાયું છે.

હઠયોગ રાજયોગ માટેની નિસરણી છે. હઠયોગ સુંદર સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. સ્વાસ્થ્ય વિના કોઈ પણ કાર્ય સફળ ન બને. બ્રહ્માનંદ મુજબ ‘રાજયોગ દ્વારા કૈવલ્ય જેનું ફળ છે, તેને ‘હઠયોગ’ કહે છે. હઠયોગ સમાપ્ત થાય છે ત્યાં રાજયોગનો પ્રારંભ થાય છે. હઠયોગથી જ રાજયોગની સિદ્ધિ શક્ય બને છે. હઠયોગ લક્ષ્ય નથી, એ તો સાધનમાત્ર છે. હઠયોગ અને રાજયોગ એકબીજાના પૂરક છે. આ બંને યોગના અભ્યાસ વિના કોઈ પૂર્ણ યોગી બની શકતો નથી.

હઠયોગીએ દસ યમ અને દસ નિયમોનું પાલન કરવાનું હોય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, ધૃતિ, દયા, આર્જવ, મિતાહાર, શૌચ – એ દસ ‘યમ’ છે. આ દસેયનું સારી રીતે પાલન કરવાથી સત્વગુણની વૃદ્ધિ થાય છે. તેના શુભ પ્રતાપથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપ, સંતોષ, આસ્તિકતા, દાન, ઈશ્વરપૂજન, સિદ્ધાંતવાક્યનું શ્રવણ, લજ્જા, મતિ, જપ અને હોમ – આ દસ ‘નિયમ’ કહેવાય છે. આ દસ નિયમ પાળવાથી સર્વ પ્રકારની શુદ્ધિ થાય છે, સુંદર જ્ઞાન અને દેવનું સંમિલન પ્રાપ્ત થાય છે.

હઠયોગનાં ચાર અંગો દર્શાવાયાં છે : 1. આસન, 2. કુંભક, 3. મુદ્રા અને 4. નાદાનુસંધાન. (હ.યો.પ્ર. પ્રથમોપદેશ, શ્લોક 56–57) આસનો કરવાથી દેહની અને મનની ચંચળતા ઉપર કાબૂ આવે છે અને મનને સ્થિર કરવામાં આસનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ‘હઠયોગ’ સિદ્ધ કરવા માટે આ આસનો કરવાનું સૂચન છે. જેમ કે  સ્વસ્તિકાસન, ગોમુખાસન, વીરાસન, કૂર્માસન, કુક્કુટાસન, ઉત્તાનકૂર્માસન, ધનુરાસન, મત્સ્યેન્દ્રાસન, પશ્ચિમોત્તાનાસન, મયૂરાસન, શવાસન, સિદ્ધાસન, પદ્માસન, સિંહાસન અને ભદ્રાસન. દ્વિતીય અંગ કુંભકનો સમાવેશ પ્રાણાયામમાં દર્શાવાયો છે. પ્રાણાયામ કરવાથી મળશુદ્ધિ થાય છે. હઠસિદ્ધિને માટે મળશુદ્ધિ આવશ્યક છે. પ્રાણાયામથી વાયુ સ્થિર થાય છે, વાયુ સ્થિર થાય તો ચિત્ત સ્થિર થાય છે, વાયુ અને ચિત્ત બંને સ્થિર થવાથી યોગી દીર્ઘજીવી બને છે અને ઐશ્વર્ય પણ પ્રાપ્ત કરે છે. પ્રાણાયામમાં ષટ્કર્મવિધિ ઉપકારક છે – ધૌતી, બસ્તી, નેતી, ત્રાટક, નૌલી, કપાલભાતિ એ ષટ્કર્મો છે.

ષટ્કર્મવિધિ સહિત પ્રાણાયામ કર્યા પછી મુદ્રાઓ હઠયોગનું ત્રીજું મહત્વનું અંગ આવે છે. યોગી સ્વાત્મારામ મુજબ મુદ્રા કરનારે પોતાના ગુરુનાં વચનોમાં દૃઢ વિશ્વાસ રાખી આસન, કુંભક વગેરે કરવાં અને આહાર, વિહાર તથા ચેષ્ટાઓમાં સભાન રહેવું. મુદ્રાઓ દસ છે – મહાબંધ, મહાવેધ, ખેચરી, ઉડ્ડીયાન, મૂલબંધ, જાલંધરબંધ, વિપરીત કરણી, વજ્રોલી અને શક્તિચાલન – આ મુદ્રાઓ જરામરણનો નાશ કરનારી છે. આ દસ મુદ્રાઓનો વારંવાર સાવધાનીપૂર્વક અભ્યાસ કરનારને અણિમાદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ‘હઠયોગ’માં અંતિમ મહત્વપૂર્ણ સોપાન આવે છે  નાદાનુસંધાન. પ્રત્યાહાર, સમાધિ વગેરેનો અંતર્ભાવ નાદાનુસંધાનમાં થઈ જાય છે. આગળનાં ત્રણેય અંગોમાંથી પસાર થવાથી સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવાની ક્ષમતા આવે છે. સમાધિક્રમને ‘ઉત્તમ’, ‘મૃત્યુઘ્ન’, ‘સુખના ઉપાયરૂપ’ અને ‘બ્રહ્માનંદ અપાવનાર’, ‘શ્રેષ્ઠ’ કહ્યો છે.

‘હઠયોગ’નાં આ ચાર અંગોનું કોઈ જાણકાર ગુરુ પાસે શિક્ષણ લઈ હઠયોગી કુંડલિનીને જાગ્રત કરી શકે છે.

સ્વાત્મારામ યોગી મુજબ શ્રીઆદિનાથ અર્થાત્ ભગવાન શિવ ‘હઠયોગ’ કે ‘હઠવિદ્યા’ના પ્રથમ ઉપદેશક છે. શિવજી હઠયોગના સિદ્ધ યોગી છે. તેઓ એક વાર દ્વીપ પાસે પાર્વતીજીને ‘હઠયોગ’ વિશે કહી રહ્યા હતા ત્યારે કિનારાની પાસે જળમાં કોઈ માછલી આ યોગનો ઉપદેશ સાંભળી એકાગ્ર ચિત્ત થઈ નિશ્ચલકાય બની ગઈ. એ જોઈને ભગવાન શિવને થયું કે આ માછલીએ આ યોગનું શ્રવણ કર્યું છે. તેથી તેમણે કૃપા કરી હાથમાં જળ લઈ માછલી ઉપર પ્રોક્ષણ કર્યું. પ્રોક્ષણમાત્રથી જ માછલી એક દિવ્ય દેહધારી યોગીમાં પરિવર્તિત થઈ ગઈ. તેમનું નામ મત્સ્યેન્દ્રનાથ પડ્યું. મત્સ્યેન્દ્રનાથે આ યોગ હાથ-પગ વિનાના ચૌરંગી નામના માણસને આપ્યો અને મત્સ્યેન્દ્રનાથના અનુગ્રહથી તેને હાથ-પગ પુન; પ્રાપ્ત થયા હોવાની માન્યતા છે. આ પરંપરામાં આગળ મીનનાથ, ગોરક્ષનાથ, વિરૂપાક્ષ અને બિલેશય  એમ કુલ નવ નાથયોગીઓનાં નામ મળે છે.

ત્રિવિધ તાપથી અભિતપ્ત, દુ:ખી મનુષ્યોનો આશ્રય ‘હઠ’ છે. જેમ સમગ્ર વિશ્વનો આધાર કૂર્મ–કાચબો છે તેમ સર્વ યોગીઓનો આધાર એકમાત્ર ‘હઠ’ છે (‘જ્યોત્સ્ના’ ટીકા). સર્વ વિદ્યાઓની અપેક્ષાએ ‘હઠવિદ્યા’ અતિગોપનીય મનાય છે. અણિમા વગેરે અષ્ટ સિદ્ધિઓ ઇચ્છતા અથવા કૈવલ્યસિદ્ધિની ઇચ્છા રાખનારા યોગી માટે આ ‘હઠવિદ્યા’ અત્યંત ગુપ્ત રાખવા યોગ્ય ગણાય છે.

રવીન્દ્ર ખાંડવાળા