હક્સલી, ટી. એચ. (જ. 1825, ઇંગ્લૅન્ડ; અ. 1895) : પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી, ચાર્લ્સ ડાર્વિનના સમકાલીન અને તેમના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના સબળ સમર્થક. પ્રજાના ગળે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ઉતારવા માટે અન્ય કોઈ વ્યક્તિ કરતાં થૉમસ હક્સલીએ સૌથી વધુ કાર્ય અને સઘન પ્રયત્નો કર્યા હતા. વ્યાખ્યાનો, લખાણો અને સભાઓ મારફત વૈજ્ઞાનિક વિચારોને આગળ લાવવામાં તેમણે મોટો ફાળો આપ્યો હતો; સાથોસાથ ઉત્ક્રાંતિવાદનાં કેટલાંક પાસાંઓની તેમણે ટીકા પણ કરી હતી. તેમણે પ્રાણીશાસ્ત્ર (zoology) અને જીવાશ્મશાસ્ત્ર(palaeontology)માં પાયાની શોધો કરી હતી. એમાં પણ ખાસ કરીને દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ પર તેમણે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
થૉમસ હક્સલીનાં મુખ્ય લખાણો આ મુજબ છે :
(i) ‘એવિડન્સ ઍઝ ટુ મૅન્સ પ્લેસ ઇન નેચર’ (1863),
(ii) ‘ક્રિટિક્સ ઍન્ડ એડ્રેસિઝ’ (1873),
(iii) ‘એ મૅન્યુઅલ ઑવ્ ધી ઍનેટૉમી ઑવ્ ઇન્વર્ટિબ્રેટ ઍનિમલ્સ’ (1877),
(iv) ‘ઑન એ પીસ ઑવ્ ચૉક’ (1868) – આ પુસ્તકે (નિબંધ) સામાન્ય જનતાને ઉત્ક્રાંતિવાદની સમજ આપવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો.
ટી. એચ. હક્સલી
જીવમાંથી જીવ ઉત્પન્ન થાય છે તે દર્શાવવા માટેના ‘બાયૉજેનેસિસ’ શબ્દનો પ્રથમ ઉપયોગ તેમણે કર્યો હતો.
હક્સલીનો જન્મ લંડન નજીક થયો હતો. તેઓ જાતમહેનતે અભ્યાસ કરી મેડિકલ સ્કૂલમાં દાખલ થયા અને પછી બ્રિટિશ નૌકા ઉપર ચાર વર્ષ સુધી સર્જ્યન તરીકે કામ કર્યું અને તે દરમિયાન ઈસ્ટ ઇન્ડિઝ અને હિંદી મહાસાગરમાં ભ્રમણ કર્યું. તેમનું સૌપ્રથમ લખાણ જેલીફિશ ઉપરનું ગણાય છે.
ઈ. સ. 1881–1885 દરમિયાન તેઓ રૉયલ સોસાયટીના પ્રમુખ-પદે હતા.
વૈજ્ઞાનિક અને ચિંતકોની પેઢીના થૉમસ હક્સલી પિતા ગણાતા હતા. તેમનો પુત્ર લિયૉનાર્ડ જીવનચરિત્ર-લેખક હતો. લિયૉનાર્ડના ત્રણેય પુત્રો જુલિયન હક્સલી, એન્ડ્રુ હક્સલી અને આલ્ડસ હક્સલીએ પોતપોતાનાં ક્ષેત્રોમાં નામના મેળવી હતી. જુલિયન મહાન લેખક અને જીવશાસ્ત્રી હતા. એન્ડ્રુ (Andrew) પ્રખ્યાત વિજ્ઞાની હતા. તેમને ઊર્મિવેગ અને સ્નાયુસંકોચનની શોધ અંગે 1963માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું અને ત્રીજા આલ્ડસ હક્સલી હતા, જેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા અને પ્રખર ચિંતક અને લેખક હતા.
અરુણ ધોળકિયા
રા. ય. ગુપ્તે