હગિન્સ ચાર્લ્સ બ્રેન્ટન (Huggins Charles Brenton)

February, 2009

હગિન્સ, ચાર્લ્સ બ્રેન્ટન (Huggins Charles Brenton) (જ. 22 સપ્ટેમ્બર 1901, હેલિફૅક્સ, નોવા સ્કોટિયા, યુ.એસ.; અ. 12 જાન્યુઆરી 1997) : તબીબીવિદ્યામાં નોબેલ પુરસ્કારવિજેતા. તેમને પેયટન રોસ (Peyton Rous) સાથે અર્ધા ભાગનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

ચાર્લ્સ બ્રેન્ટન હગિન્સ

તેમને આ સન્માન પુર:સ્થ ગ્રંથિ(prostate gland)ના કૅન્સરની અંત:સ્રાવી સારવારની શોધ માટે પ્રાપ્ત થયું હતું. તેમના પિતા ઔષધવિદ (pharmacist) હતા. તેઓ હેલિફૅક્સની જાહેર શાળામાં અને ત્યાર બાદ એકેડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1920માં સ્નાતક થયા. સન 1924માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર બન્યા અને મિશિગન યુનિવર્સિટી હૉસ્પિટલમાં 1924–1926 દરમિયાન ઇન્ટર્ન બન્યા અને 1926–27માં શસ્ત્રક્રિયાવિદ્યામાં ઇન્સ્ટ્રક્ટર બન્યા. સન 1927માં તે શિકાગો યુનિવર્સિટીમાં જોડાયા અને ક્રમશ: આગળ વધીને સન 1936થી 1962 તેના નિયામકપદે રહ્યા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં.

શિલીન નં. શુક્લ