હંગલ, ગંગુબાઈ (જ. ફેબ્રુઆરી 1913, ધારવાડ, કર્ણાટક; અ. 21 જુલાઈ 2009, હુબળી, કર્ણાટક) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ઉત્કૃષ્ટ ગાયિકા. પિતાનું નામ ચિક્કુરાવ અને માતાનું નામ અમ્બાબાઈ, જે પોતે કર્ણાટકી સંગીતનાં જાણીતાં ગાયિકા હતાં. માતાની દોરવણી હેઠળ ગંગુબાઈએ બાલ્યાવસ્થામાં જ કર્ણાટકી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી; પરંતુ ગંગુબાઈને કર્ણાટકી સંગીતશૈલી કરતાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વધારે રુચિ હોવાથી માતાએ તેમને તે શૈલીના ગાયનની તાલીમ માટે હુબળીનિવાસી પંડિત કૃષ્ણાચાર્ય પાસે મોકલ્યાં, જ્યાં એક વર્ષ તાલીમ લીધા બાદ તેઓ વિખ્યાત ગાયક સવાઈ ગંધર્વ પાસે સંગીતની ઉચ્ચ શિક્ષા માટે ગયાં. ટૂંક સમયમાં જ ગંગુબાઈ સવાઈ ગંધર્વનાં ગંડાબંધ શિષ્યા બન્યાં. તે અરસામાં સવાઈ ગંધર્વ (1886–1952) મરાઠી રંગભૂમિના કલાકાર હોવાથી તેમને અવારનવાર નાટક કંપનીઓ સાથે પ્રવાસ કરવો પડતો, જેને લીધે ગંગુબાઈની સંગીતની તાલીમમાં વારંવાર વિક્ષેપ ઊભા થતા. 1938માં ગંગુબાઈ તેમના મામા દત્તોપંત દેસાઈ પાસે સંગીત શીખ્યાં. ત્યાર બાદ સવાઈ ગંધર્વે રંગભૂમિને જાકારો આપ્યો અને પોતાના વતન કુન્દગોળમાં સ્થાયી થયા. આ સ્થળ હુબળીની નજીકમાં હોવાથી ત્રણ વર્ષ (1939–1942) સુધી ગંગુબાઈ ફરી સવાઈ ગંધર્વની નિશ્રામાં સંગીત શીખ્યાં.
ગંગુબાઈ હંગલ
તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1924માં બેળગાંવ ખાતે આયોજિત રાષ્ટ્રીય કૉંગ્રેસના અખિલ ભારતીય અધિવેશનમાં યોજાયો હતો. 1934–35ના અરસામાં ભારતની ઘણી ગ્રામોફોન કંપનીઓએ તેમના ગાયનનું ધ્વનિમુદ્રણ કર્યું છે. 1938માં કૉલકાતા ખાતે આયોજિત તેમના જાહેર કાર્યક્રમે તેમને દેશના પ્રથમ પંક્તિનાં ગાયિકા તરીકે પ્રસ્થાપિત કર્યાં. ત્યાર બાદ ઘેરો છતાં મધુર અવાજ ધરાવતા આ ગાયક કલાકારને શ્રોતાઓ દ્વારા મળેલ પ્રતિસાદને કારણે દેશનાં અન્ય નગરોમાં આયોજિત સંગીત સંમેલનોમાં પણ તેમને સ્થાન મળવા લાગ્યું. વળી, આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પર પણ તેમના ગાયનના કાર્યક્રમ રજૂ થતા.
તેમને મળેલ માનસન્માન અને પુરસ્કારોમાં 1962માં મૈસૂર સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, 1969માં પ્રયાગ સંગીત સંમેલન દ્વારા તેમને પ્રદાન કરવામાં આવેલ ‘સ્વર-શિરોમણિ’ ઍવૉર્ડ, 1971માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’, 1973માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ત્યાર બાદ ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ – આ બધાંનો સમાવેશ થાય છે.
તેમના બહોળા શિષ્યવર્ગમાં તેમની સુપુત્રી ક્રિશ્ર્ના (કૃષ્ણા) હંગલ મોખરે છે. તેમનો અવાજ પણ અત્યંત કર્ણપ્રિય છે. તે છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાની માતાના ગાયન-કાર્યક્રમો દરમિયાન તેમની સંગત (vocal support) કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે