સ્વેડા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની શાકીય કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. આ પ્રજાતિની 40 જેટલી જાતિઓ ક્ષારયુક્ત મૃદામાં મળી આવે છે. તે પૈકી ભારતમાં Saueda fruticosa Forsk. ex J. F. Gmel., S. maritima Dum. syn. S. nudiflora Mog.; Salsola indica Willd., S. monoica Forsk. ex. J. F. Gmel. જાતિઓ મળી આવે છે. આ જાતિઓ શ્રીલંકા, ભારત, ઉત્તર-પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં થાય છે. ભારતમાં પંજાબ, બંગાળ અને પશ્ચિમના પરિઘવર્તી વિસ્તારોમાં તે જોવા મળે છે.
આ પ્રજાતિ શાકીય કે ક્ષુપ, નાના કદની, બહુશાખી, બહુવર્ષાયુ અને ભૂપ્રસારી જાતિઓ ધરાવે છે. તેનાં પર્ણો માંસલ, ચપટાં અને લંબગોળ હોય છે અને કુંઠિત અગ્ર ધરાવે છે. પુષ્પો નાનાં, દ્વિલિંગી અને કક્ષીય હોય છે અને તેમની ગોઠવણી શૂકી (spike) સ્વરૂપે થયેલી હોય છે. ફળ નાનાં, ત્વકીય કે મૃદુ, દ્રુતિ (utricle) પ્રકારનાં અને પરિદલપત્રો સાથે જોડાયેલાં હોય છે.
fruticosa (હિં. લૂનક, છોટી લૂની; ગુ. મોરસ, ઉશુકલૂણી; પં. લૂનુક) ઉપોન્નત (suberect) કે ભૂપ્રસારી, બહુવર્ષાયુ, 60 સેમી.થી 120 સેમી. ઊંચી જાતિ છે અને પંજાબના પૂર્વીય વિસ્તારોથી શરૂ કરી ઉત્તર પ્રદેશ અને દક્ષિણ તરફ ગુજરાત અને મહારાષ્ટ્રની ક્ષારયુક્ત મૃદા કે પડતર જમીનમાં થાય છે. પ્રકાંડ જાંબલી છાંટવાળાં અને સામાન્યત: નાજુક હોય છે. પર્ણો લગભગ અદંડી રસાળ, જાડાં અને ખૂબ પરિવર્તી (variable) હોય છે. પુષ્પો દુર્ગંધવાળાં, લીલાં અને પરિપક્વતાએ લાલ તથા પર્ણયુક્ત શૂકીમાં ગોઠવાયેલાં હોય છે. ફળ ભમરડા જેવું, દ્રુતિ, ત્વચીય (membranous) અને વાદળીસદૃશ (aspongy) હોય છે. બીજ ત્રાંસાં અંડાકાર, ચાંચવાળાં અને પાકે ત્યારે કાળાં અને ચળકતાં હોય છે.
વનસ્પતિની શાખાઓની ટોચ ઉપર ઊન જેવી અપવૃદ્ધિ (excrescence) થાય છે. તેનો તૈલી માધ્યમમાં ઊંટની પીઠ પર ઉત્પન્ન થતા વ્રણ (sore) મટાડવા માટે ઉપયોગ થાય છે. મસળેલાં પર્ણો આંખો પર પોટીસ તરીકે બાંધવામાં આવે છે. પર્ણોનો આસવ વમનકારી (emetic) હોય છે.
વનસ્પતિમાંથી ભસ્મીકરણ (incineration) દ્વારા સોડિયમ કાર્બોનેટ મેળવવામાં આવે છે, જેને ‘સાજીખાર’ કહે છે. Haloxylon recurvamમાંથી પ્રાપ્ત કરેલા સાજીખાર કરતાં તે હલકી ગુણવત્તા ધરાવે છે. તેનો ઉપયોગ સાબુની જગ્યાએ કપડાં ધોવા માટે થાય છે.
ઘેટાં-બકરાં અને ઊંટ તેને ખાય છે. જોકે તે ખાધા પછી પ્રાણીને પાણી વારંવાર પીવું પડે છે. તે ઘેટામાં દીર્ઘકાલીન કાળો ડાયેરિયા કરે છે. ઊંટ સિવાય સામાન્ય સ્થિતિમાં અન્ય પ્રાણીઓ આ છોડ ખાતાં નથી.
જલ-પ્લાવિત (water-logged) અને ક્ષારયુક્ત મૃદાની ચિકિત્સામાં આ છોડની ભલામણ કરવામાં આવે છે. તેનું ટેકરાઓ ઉપર કે ધારો ઉપર વાવેતર કરવામાં આવે છે જેથી તે બંધિયાર પાણીની બહાર રહે અને વધુ પડતા ભેજથી મુક્ત રહી શકે. છોડના હવાઈ ભાગોને વારંવાર કાપી નાખવાથી મૃદામાં ક્ષારની સાંદ્રતા ઘટે છે. સૂકા છોડનો બળતણમાં ઉપયોગ થાય છે.
maritima (હિં. ખારી લૂણી, મ. અને ગુ. મોરસ, લૂણો, મોટો લૂણો; અં. કૉમન ઇન્ડિયન સૉલ્ટવર્ટ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 45 સેમી.થી 60 સેમી. ઊંચી અને અનેક, નાજુક તથા ઉન્નત (erect) શાખાઓ ધરાવતી જાતિ છે. તે ઉત્તર ભારતમાં ભેજયુક્ત, કળણવાળી અને ક્ષારયુક્ત માટી(clay)માં અને પૂર્વીય અને પશ્ચિમના દરિયાકાંઠે થાય છે. પર્ણો ઉપવલયી–લંબચોરસ (elliptic-oblong) કે રેખીય-પ્રતિઅંડાકાર (linear-obovate), રસાળ અને પરિપક્વતાએ લાલ રંગનાં હોય છે. પુષ્પો શિથિલ (laxy) શૂકી ઉપર સઘન અને ઘણાં પુષ્પોવાળા ગુચ્છોમાં થાય છે. ફળ દ્રુતિ પ્રકારનું અને અંડાકાર હોય છે. બીજ દ્વિબહિર્ગોળ (lenticular), લીસાં અને ચળકતાં કાળાં હોય છે.
લીલાં પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. દુકાળ દરમિયાન ગરીબો માટે તે આરોગ્યદાયક શાકભાજી ગણાય છે. સાજીખાર બનાવવા માટે આ વનસ્પતિ યોગ્ય નથી; કારણ કે તેની ભસ્મમાં સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેનો ઊંટના ચારા તરીકે ઉપયોગ થાય છે.
પર્ણના દ્રવ્ય(100 ગ્રા. ખાદ્ય ભાગ)નું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 89.3 ગ્રા., પ્રોટીન 2.0 ગ્રા., લિપિડ 0.4 ગ્રા., રેસો 0.9 ગ્રા., અન્ય કાર્બોદિતો 3.6 ગ્રા. અને ખનિજ-દ્રવ્ય 3.8 ગ્રા., કૅલ્શિયમ 50 મિગ્રા., ફૉસ્ફરસ 79 મિગ્રા., લોહ 1.6 મિગ્રા., થાયેમિન 0.01 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.05 મિગ્રા., નાયેસિન 0.2 મિગ્રા. અને વિટામિન ‘સી’ 13 મિગ્રા., કેરોટિન 2100 માઇક્રોગ્રામ.
આ જાતિ ક્ષારયુક્ત મૃદાની સુધારણામાં ઉપયોગી છે. પર્ણો અને ક્ષાર એકત્રિત કરતાં અંગો જમીન પર ખરે તે પહેલાં તેની લણણી કરવામાં આવે છે.
maritimaનો ઉપયોગ દરિયાકિનારાની રેતીના બંધક (binder) તરીકે પણ થાય છે. ભરતીના પ્રદેશમાં ભીની રેતીમાં તેનાં બીજ 3 મી.ના અંતરે રોપવામાં આવે છે અને થોડાક જ સમયમાં છોડ સમગ્ર વિસ્તારમાં લીલી જાજમ સ્વરૂપે છવાઈ જાય છે. પુષ્પોમાં બીટાસાયનિન નામનું નાઇટ્રોજનયુક્ત ઍન્થોસાયનિન હોય છે.
monoica (તે. કોય્યાલાકૂરા, વેલ્લાકૂરા; તા. ઉમારીનંદી, કારુવુમારી; ઓ. નુનિયા) સૌરાષ્ટ્ર, બલૂચિસ્તાન, સિંધ, કોંકણ, શ્રીલંકા અને અરબસ્તાનમાં થાય છે. તે ક્ષુપ-સ્વરૂપ ધરાવતી બહુવર્ષાયુ અને આશરે 90 સેમી. ઊંચી વનસ્પતિ છે. તેની શાખાઓ ઉપોન્નત હોય છે અને તેના પર સ્પષ્ટ પર્ણોનાં ક્ષતચિહનો (scars) જોવા મળે છે. ઊંટ, ઘેટાં અને બકરાંનો તે સારો ચારો ગણાય છે. ક્ષારયુક્ત મૃદાની સુધારણા માટે તેનો ઉપયોગ થાય છે. છોડની લૂગદી બનાવી ઘા ઉપર લગાવવામાં આવે છે.
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ