સ્વેનસિયા (Swansea) : સાઉથ વેલ્સમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક મથક અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : તે 51° 35´ ઉ. અ. અને 3° 52´ પ. રે.ની આજુબાજુનો 378 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સ્થાનિક વેલ્શ નામ ઍબરતાવ છે. આ નામ સ્વેનસિયા અખાતને મથાળે ઠલવાતી તાવ નદીમુખ પરથી પડેલું છે. (મુખ માટેનો વેલ્શ શબ્દ ઍબર છે.) સ્વેનસિયા શહેર સ્વેનસિયા જિલ્લાનું વહીવટી મથક છે.

માછલીમુખ કિલ્લો, સ્વેનસિયા

આ શહેર પેટ્રોલિયમની આયાત કરવા માટેનું મુખ્ય બંદર છે. બંદર પર વિશાળ ગોદીઓ આવેલી છે. નજીકમાં જ ખનિજ-તેલ શુદ્ધીકરણનાં કારખાનાં પણ આવેલાં છે. અહીંની ગોદીઓમાં નૈર્ઋત્ય વેલ્સમાંથી મળતા ઍન્થ્રેસાઇટ કોલસાને ભરી રખાય છે. આ બંદરેથી તેની નિકાસ થાય છે. સ્વેનસિયા આજે તાંબાનું ધાતુશોધન કેન્દ્ર તથા કલાઈનાં પતરાં તેમજ અન્ય ધાતુઓના એકમો ધરાવતું મથક બની રહેલું છે.

સ્વેનસિયા એ દક્ષિણ વેલ્સના રૉયલ ઇન્સ્ટિટ્યૂટનું તેમજ વેલ્સ યુનિવર્સિટીના ઘટકરૂપ સ્વેનસિયા યુનિવર્સિટી કૉલેજનું મુખ્ય મથક છે. બ્યુ નૅશ નામનો જાણીતો વરણાગિયો તથા ડાયલૅન થૉમસ નામનો ખ્યાતનામ કવિ – બંને સ્વેનસિયામાં જન્મેલા.

કેટલાક ઇતિહાસવિદો કહે છે કે અગિયારમી સદીના પ્રથમ ચરણમાં ચાંચિયાઓએ સ્વેનસિયાની સ્થાપના કરેલી. બારમી સદીની શરૂઆતના સમયગાળા સુધીમાં નૉર્મનોએ સ્વેનસિયા ખાતે મ્યુનિસિપલ શહેરી વહીવટી વિભાગ સ્થાપેલો. 14મી સદીનો, પરંતુ આજે ખંડિયેર સ્વરૂપે જોવા મળતો એક કિલ્લો પણ અહીં આવેલો છે. 18મી સદીમાં અહીં ઔષધીય પાણીવાળો એક ઝરો વિકસાવાયો છે. 19મી સદીમાં સ્વેનસિયાને ઔદ્યોગિક બંદર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.

ગોવરનો દ્વીપકલ્પ સ્વેનસિયા વિસ્તારમાં આવેલો છે, તેમાં પ્રવાસીઓને જોવા-માણવા લાયક સુંદર કંઠાર રેતપટ છે. અહીં આવતા પ્રવાસીઓ ગોવર દ્વીપકલ્પના કાંઠેથી દરિયામાં નૌકાસફર માણવા પણ જાય છે. ગોવરના નિવાસીઓ મિશ્ર પ્રકારની ખેતી કરે છે. 2001 મુજબ સ્વેનસિયાની વસ્તી 2,23,293 જેટલી છે.

જાહનવી ભટ્ટ