સ્વામી સહજાનંદ

January, 2009

સ્વામી સહજાનંદ (જ. 3 એપ્રિલ 1781, છપૈયા, ઉત્તરપ્રદેશ; અ. 1830) : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. સ્વામી સહજાનંદ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન અસીમ કરુણાની ગાથા સમું હતું. તેમનો જન્મ રામનવમી(ચૈત્ર સુદ 9, વિક્રમ સંવત 1837)ના દિવસે અયોધ્યા નજીક છપૈયા ગામે એક સરવરિયા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાલ્યકાળમાં જ પોતાની દિવ્ય પ્રતિભાથી માત્ર 7 વર્ષની ઉંમરે તેમણે વેદો, ઉપનિષદો, પુરાણો તથા દર્શનો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત કર્યો. 10 વર્ષની ઉંમરે કાશીની એક વિદ્વત્-સભામાં તેમણે નવ્ય વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. પિતા હરિપ્રસાદ પાંડે અને માતા ભક્તિમાતાના દેહત્યાગ બાદ બે ભાઈઓ અને ભાભીના પ્રેમાળ પરિવારને છોડીને માત્ર 11 વર્ષની કુમળી વયે તેઓ હિમાલયની વાટે નીકળી પડ્યા. કાતિલ શિયાળામાં ચાર ધામની યાત્રા કરીને હિમાલયમાં છેક માનસરોવર સુધી યાત્રા કરી અને બદરીવનમાં કઠોર તપશ્ચર્યા કરી. ત્યાર બાદ નેપાળમાં તપશ્ચર્યા કરીને 14 વર્ષની ઉંમરે અષ્ટાંગ-યોગ સિદ્ધ કર્યો અને પૂર્વ ભારત તથા દક્ષિણ ભારતની પદયાત્રા કરી. સતત સાત વર્ષ સુધી ખુલ્લા પગે કુલ 12,000 કિલોમિટરની તીર્થયાત્રા કરીને અઢાર વર્ષની ઉંમરે ગુજરાતમાં પધાર્યા. તેમની આ યાત્રા દરમિયાન તેઓ પોતાના સંમોહક વ્યક્તિત્વથી ‘નીલકંઠ વર્ણી’ તરીકે પંકાયા.

સહજાનંદ સ્વામી

ગુજરાતમાં માંગરોળ પાસે પીપલાણા ગામે પ્રસિદ્ધ સંત સ્વામી રામાનંદજી સાથે તેમનું મિલન થયું અને રામાનંદજી પાસે દીક્ષા લઈને તેઓ ‘સ્વામી સહજાનંદજી’ બન્યા. 21 વર્ષની ઉંમરે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી સ્વામી સહજાનંદજીએ યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. ધર્મધુરા લેતી વખતે તેમણે કરેલી પ્રાર્થના વિશ્વ ઇતિહાસમાં કરુણાની અજોડ ગાથા સમી છે. એ પ્રાર્થના આ પ્રમાણે છે : ‘હરિભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને રૂંવાડે રૂંવાડે ભલે થાઓ પણ ભક્તને એ ન થાઓ; અને હરિભક્તના પ્રારબ્ધમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો, પણ હરિભક્ત અન્નવસ્ત્રે દુ:ખી ન થાઓ.’

તેમણે વૈદિક તત્વજ્ઞાનના સારરૂપે ‘સ્વામિનારાયણ’ મહામંત્ર આપ્યો, એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે લાખોના મનમંદિરમાં બિરાજી રહ્યા. તેમના સંમોહક દિવ્ય વ્યક્તિત્વથી તમામ ક્ષેત્રના મૂર્ધન્ય લોકો આકર્ષાયા અને તેમના અનુયાયી બન્યા. તેમની હયાતીમાં જ લાખોએ તેમની પરબ્રહ્મના સ્વરૂપે ઉપાસના કરી. તેમના વ્યક્તિત્વથી આકર્ષાઈને ત્રણ હજાર મુમુક્ષુઓએ સાધુદીક્ષા લીધી અને તેમના સમાજોદ્ધારના કાર્યમાં જીવન સમર્પણ કર્યું. ઇતિહાસની એ એક અજોડ ઘટના છે. એ મુમુક્ષુઓ પૈકી પાંચસો પરમહંસો ઇતિહાસપ્રસિદ્ધ છે. અનેક લોકોને યોગસાધના વિના સમાધિ કરાવીને તેમણે પોતાના વિલક્ષણ ઐશ્વર્યનું દર્શન કરાવ્યું હતું. તેમણે દલિતો, ગરીબો, પછાતો તરફ પૂર્ણ લક્ષ આપીને તેમનું જીવનપરિવર્તન કર્યું અને માનવમાત્રની આધ્યાત્મિક સમાનતા પ્રવર્તાવી. પ્રેમ અને અહિંસાનાં શસ્ત્રોથી સમાજને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરેમાંથી મુક્ત કર્યા. હિંસામય યજ્ઞો બંધ કરાવી તેમણે અહિંસા ઉપદેશી. બાળહત્યા, દીકરીને દૂધ પીતી કરવી, સતી થવું વગેરે કુરિવાજો બંધ કરાવ્યા. ચોર, લૂંટારા, કાઠી, કોળી વગેરેનાં જીવનપરિવર્તન કરી તેમને ભક્તો બનાવ્યા. લગ્ન અને હોળીમાં ગવાતાં બીભત્સ પદો બંધ કરાવી ભક્તિપ્રચુર પદો ગાવાનાં શરૂ કરાવ્યાં. વહેમોનું ખંડન કર્યું. સ્ત્રીઓની નિરક્ષરતા દૂર કરી, સ્ત્રી-ઉપદેશકો ઊભાં કર્યાં. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એ પાંચ તત્વોનું વિશિષ્ટ (તત્વ)જ્ઞાન આપ્યું. તેમણે સાકાર ભગવાનની ઉપાસના ચીંધી. કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું છે : ‘‘હજારો મનુષ્યોનાં જીવનમાં આસમાન–જમીનનો ફરક કરી નાખવામાં, તેમનામાં નવું ચૈતન્ય રેડવામાં, તેમનું જીવન વિચારમય કરવામાં, તેમને બદીઓ અને વ્યસનોમાંથી છોડાવવામાં બુદ્ધ સિવાય કોઈ પણ ધર્મના સ્થાપકે કે સમાજસુધારકે કે કાયદા ઘડનારે અત્યાર સુધી આટલો યશ મેળવ્યો નથી. બુદ્ધ અને મહમદ સિવાય કોઈ પણ અવતારને એ અવતારની હયાતીમાં જ આટલા મનુષ્યોએ સ્વીકાર્યા ન હતા. અવતારના લીન થયા પછી જ મનુષ્યોએ તેમનું અવતારપણું કબૂલ કર્યું હોય એવું સાધારણત: દેખાય છે; પણ સહજાનંદ સ્વામીને હજારો મનુષ્યોએ એમના છતાં જ અવતાર તરીકે સ્વીકાર્યા, એમના પડતા બોલ ઉપર પોતાનાં તન, મન અને ધન અર્પણ કરી નાખ્યાં, એમના હાથમાં પોતાનાં નાડીપ્રાણ સોંપી દીધાં.

કિશોરલાલ કહે છે તેમ, ‘‘પોતાના પ્રકાશથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકનાં ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુવચને ચૂરેચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્યવૃત્તિઓને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુન: સ્થાપનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જ્વળ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર, અહિંદુઓને હિંદુ ધર્મમાં સામેલ કરનાર, શૂદ્રોને આચારશુદ્ધિ શીખવનાર, સાહિત્ય, સંગીત તથા કળાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમાધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિમાર્ગ અને શુદ્ધ જ્ઞાનમાર્ગના ચાલક, ભાગવતધર્મના શિક્ષક તથા વ્યાસસિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા.’’

ચંદ્રવદન મહેતાએ લખ્યું છે તેમ ગુજરાત ગરવી અને ગુણવંતી થઈ એમાં સ્વામી શ્રી સહજાનંદનો બહુમૂલ્ય ફાળો છે.

કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સહજાનંદ સ્વામીએ સૌ કોઈને આવકાર્યા અને મોક્ષપ્રાપ્તિના અધિકારી કર્યા. છ શિખરબદ્ધ મંદિરો, વચનામૃત તથા શિક્ષાપત્રી જેવા અદ્વિતીય ધર્મગ્રંથો અને લાખો સંતોહરિભક્તોના સમાજની પૃથ્વી પર ભેટ ધરીને તેમણે 49 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો; પરંતુ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ દ્વારા સદૈવ પ્રગટ રહેવાનું અભયવચન આપીને તેમણે ગુણાતીત ગુરુપરંપરા દ્વારા સદ્ધર્મ-પ્રવર્તનનું કાર્ય અખંડિત રાખ્યું. આ ગુણાતીત પરંપરામાં આજે મહંતસ્વામી મહારાજ તેમના આદર્શોને વિશ્વસ્તરે પ્રસરાવી રહ્યા છે.

મહાત્મા ગાંધીજીએ આ શબ્દો દ્વારા સ્વામી સહજાનંદજીને ઉચિત અંજલિ આપી છે : ‘જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહિ જ કરી શકે.’

સાધુ રસિકવિહારીદાસ