સ્વાવલંબન : દેશની જનતાની મોટા ભાગની જરૂરિયાતો આંતરિક ઉત્પાદન દ્વારા જ પૂરી કરવાની વ્યૂહરચના. મૂળભૂત રીતે સ્વાવલંબન એટલે વિદેશી મદદ પર આધાર ઘટાડી તેમાંથી ઉદભવતી સમસ્યાઓમાંથી દેશને મુક્ત કરવાની પ્રક્રિયા. અલબત્ત, તેનો અર્થ એ નથી કે ગમે તે થાય પણ વિદેશો સાથે આર્થિક કે અન્ય પ્રકારનો કોઈ વ્યવહાર ન જ કરવો. સ્વાવલંબનનો આવો અતિરેકી અમલ કોઈ પણ દેશ માટે અશક્ય જ હોય છે. પ્રકૃતિએ વિશ્વની રચના એવી રીતે કરી છે કે દરેક દેશ ઉત્પાદનનાં અમુક જ સાધનો ધરાવતો હોય છે, જેને ઈશ્વરી બક્ષિસ કે દેણગી(endowment)ના નામથી ઓળખાવી શકાય. વિશ્વમાં એક પણ દેશ એવો નથી કે જેની પાસે તેની બધી જ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પૂરી કરવાનાં સાધનો દેશમાં જ ઉપલબ્ધ હોય. પરિણામે દરેક દેશને ઓછાવત્તા પ્રમાણમાં વિદેશમાંથી થતી આયાતો પર આધાર રાખવો પડે છે. આ એક નક્કર હકીકત છે. તેમાંથી જ પ્રાકૃતિક પરાવલંબન પરિણમે છે. જેમાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે. પ્રાકૃતિક પરાવલંબનના પાયામાં જે કેટલાંક પરિબળો કામ કરે છે તેમાંથી કેટલાક નિષ્કર્ષો તારવી શકાય : (1) દરેક દેશની જરૂરિયાતો અને તેને પૂરી કરવા માટેનાં જરૂરી સાધનો – આ બે વચ્ચે તારતમ્ય કે સંયોગ હોતો નથી. (2) જુદા જુદા દેશમાં સાધન-ઉપલબ્ધતા ભિન્ન ભિન્ન હોય છે. (3) તકનીકી પ્રગતિમાં તફાવત હોવાથી કેટલાક દેશો બીજા દેશો કરતાં ઓછા ઉત્પાદન-ખર્ચે વધુ સારી પેદાશ મેળવી શકતા હોય છે. (4) ભિન્ન ભિન્ન દેશોમાં શ્રમની તથા નિયોજન કે વ્યવસ્થાપનની ક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે અને આ હકીકત પણ તુલનાત્મક ઉત્પાદન-ખર્ચ પર અસર કરતી હોય છે. (5) જુદા જુદા દેશો વચ્ચે સાધનોની ગતિશીલતામાં તફાવત હોય છે. દેશની અંદર ઉત્પાદનનાં સાધનો જેટલા પ્રમાણમાં ગતિશીલ હોય છે તેટલા પ્રમાણમાં તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગતિશીલતા ધરાવતાં હોતાં નથી. આમાંથી શ્રમની વહેંચણી અને તેના વિશિષ્ટીકરણમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રાદેશિક તફાવતો ઊભા થતા હોય છે. પરિણામે દરેક દેશ માત્ર એવી જ વસ્તુઓનું ઉત્પાદન કરી શકશે, જેના ઉત્પાદન માટે તેની પાસે જરૂરી સાધનો ઉપલબ્ધ હોય; એટલું જ નહિ, પણ દરેક દેશ અમુક વસ્તુઓનું ઉત્પાદન આંતરિક માંગના કદ કરતાં પણ વધારે કરશે અને તેમાંથી જે અધિશેષ પ્રાપ્ત થશે તેની નિકાસ કરી અવેજીમાં દેશમાં ઉત્પન્ન ન કરી શકાય તેવી વસ્તુઓ પ્રાપ્ત કરશે.

ભારતની પાંચમી પંચવર્ષીય યોજના(1974–1979)ના ગાળામાં આયાત અવેજીકરણની જે ઝુંબેશ ઉપાડવામાં આવી હતી તેનાથી ભારતે જે બોધપાઠ લીધો છે તે એ કે કોઈ પણ દેશ બળજબરી કે કૃત્રિમ રીતે સ્વાવલંબી બની શકતો નથી અને કેટલીક બાબતોમાં તેને અન્ય દેશો પર આધાર રાખવો જ પડે છે.

સ્વાવલંબન (self-reliance) અને સ્વાશ્રય (self-sufficiency) વચ્ચેના તફાવતની નોંધ લેવી આવશ્યક છે. સ્વાવલંબન એટલે દરેક દેશ તેની જરૂરિયાતની બધી જ વસ્તુઓ અને સેવાઓનું દેશમાં જ ઉત્પાદન કરે અને કોઈ પણ વસ્તુ કે સેવા માટે તેને બીજા દેશ પર આધાર રાખવો પડે નહીં. ટૂંકમાં, તેમાંથી આયાતોની સદંતર નાબૂદી થતી હોય તેની સામે સ્વાશ્રય એટલે એવી ક્ષમતાનું નિર્માણ થતું હોય કે જેમાં દેશ પૂરતા પ્રમાણમાં અધિશેષ સર્જી શકે, જેની અવેજીમાં જે વસ્તુઓ કે સેવાઓ તે દેશમાં બનાવી શકતો ન હોય કે તુલનાત્મક રીતે ઓછા ખર્ચે બનાવી શકતો ન હોય. તેવી વસ્તુઓ કે સેવાઓ આયાત દ્વારા પ્રાપ્ત કરી શકે. સંક્ષેપમાં કહીએ તો સ્વાવલંબન આયાતોની સદંતર ગેરહાજરીનો સંકેત આપે છે જ્યારે સ્વાશ્રય દેશની એવી ક્ષમતાનો સંકેત આપે છે કે જેના દ્વારા તે પોતાના આંતરિક બળના જોરે જરૂરી અધિશેષના સર્જન દ્વારા આવશ્યક હોય તેટલી આયાતો કરવાનું સામર્થ્ય ધરાવે.

ભારતના વિશિષ્ટ સંદર્ભમાં વિચારતાં સ્વાશ્રયી અર્થતંત્રનું નિર્માણ કરવા માટે આ બાબતો પર ભાર મૂકવો જોઈએ : (1) લેણદેણની તુલાની સમતુલા હાંસલ કરવી; (2) આવશ્યક કાચો માલ અને અનાજની બાબતમાં સ્વાશ્રય હાંસલ કરવું; (3) સંરક્ષણની બાબતમાં સ્વાશ્રય; (4) ઉચ્ચ કક્ષાની તકનીકી તથા વ્યવસ્થાપન ક્ષમતા ધરાવતા નિષ્ણાતોની બાબતમાં સ્વાશ્રય અને (5) ઉચ્ચ કક્ષાનાં યંત્રો અને ઉપકરણોમાં સ્વાશ્રય.

ભારતમાં આર્થિક આયોજનની વ્યૂહરચનામાં સ્વાવલંબન નહિ; પરંતુ સ્વાશ્રય પર ભાર મૂકવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે