સ્વામી બ્રહ્મદેવ

July, 2026

સ્વામી બ્રહ્મદેવ (જ. 4 મે 1944, રૉન્ટા ગામ, પંજાબ) : રાજસ્થાનના ગંગાનગરના સેવાભાવી આધ્યાત્મિક અને સમાજસુધારક સંત. 16 વર્ષની વય સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી અમૃતસરની કૉલેજમાંથી સ્નાતક થયા. આ ગાળામાં તેઓએ આધ્યાત્મિક ગુરુ સ્વામી કરનૈલ દાસજીના પ્રભાવ નીચે આવી સાધનાને માર્ગે પ્રયાણ કર્યું. દરમિયાનમાં કૉલેજની સમીપના અંધવિદ્યાલયના છાત્રોથી તેઓ સેવાક્ષેત્ર તરફ આકર્ષાયા અને આજીવન નેત્રહીન તેમજ વિકલાંગ લોકોની સેવા કરવા માટે જીવન સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો.

દરમિયાનમાં અમૃતસર અને વિશેષતઃ હરિદ્વારમાં રહીને આધ્યાત્મિક સાધના કરતા રહ્યા. ઈ. સ. 1998માં એમના બે શિષ્યોના આગ્રહથી તેઓ ગંગાનગર ગયા. ગંગાનગર જિલ્લો પંજાબને અડીને રાજસ્થાનમાં આવેલો છે અને આ ક્ષેત્રની ભૂમિ ભારે ઉપજાઉ તેમજ લોકો ઉદાર પ્રકૃતિના છે. આથી આ સ્થાન આધ્યાત્મિક સાધના તેમજ સમાજસેવાની પ્રવૃત્તિ અર્થે યોગ્ય જણાતાં અહીં કાયમ મુકામ કર્યો અને એની સાથે પોતાની સેવાપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો.

1980માં એમણે ગંગાનગરમાં શ્રી જગદંબા અંધ વિદ્યાલયની સ્થાપના કરી ત્યાં ‘શ્રી જગદંબા સંસ્થા’નો પાયો નાખ્યો. અંધજન વિદ્યાલય મફત શિક્ષણ અને છાત્રાલયની સુવિધા સાથે સંપન્ન થયું તેની સાથે જગદંબા બધિર મંદિર અને મૂક સ્કૂલ તથા શ્રી જગદંબા ચૅરિટેબલ હૉસ્પિટલની સ્થાપના થઈ જેનું ઉદઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રી નરસિંહરાવને વરદ હસ્તે થયું હતું. સંસ્થા સંકુલમાં કૃત્રિમ માનવ- અંગોનું નિર્માણ અને જરૂરતમંદોને તેનું દાન કરી અંગો બેસાડી આપવાની સુવિધા કરવામાં આવી. અહીં વિકલાંગોને વ્યાવસાયિક હુન્નર પ્રશિક્ષણ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી. આમ સ્વામી બ્રહ્મદેવજીની સેવાપ્રવૃત્તિનો શિક્ષણ, ચિકિત્સા, ઉપચાર, પુનર્વાસ અને મફત સારવાર તેમજ સર્જરીની મફત સેવા ઉપલબ્ધ થતાં બહોળો વિસ્તાર થયો. અહીંની બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ એ.ટી.એમ. સુવિધા અંધજનોમાં ભારે પ્રશંસા પામી હતી.

સ્વામી બ્રહ્મદેવજીની અંધજન અને વિકલાંગ કલ્યાણસેવાઓને લઈને સંસ્થાની ભારે ખ્યાતિ ફેલાઈ. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એની સેવાઓને વિવિધ સ્તરે પોંખવામાં આવી. 1989માં રાજસ્થાન રાજ્યના કલ્યાણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરીય પુરસ્કારથી એનો પ્રારંભ થયો. 1996માં ભારત સરકાર દ્વારા વિકલાંગ કલ્યાણાર્થે સ્વયંસેવી સંસ્થા તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માને હસ્તે અર્પણ થયો. તાજેતરમાં 2026નો પદ્મશ્રી પુરસ્કાર રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મૂને હસ્તે શ્રી બ્રહ્મદેવજીને અર્પણ થયો છે અને એ દ્વારા એમની સામાજિક સેવાઓ સાર્વત્રિક પ્રસિદ્ધિ પામી છે.

પ્રવીણચંદ્ર પરીખ