સ્વામી એચ. તિપ્પેરુદ્ર

January, 2009

સ્વામી, એચ. તિપ્પેરુદ્ર (જ. 1923, હોન્નાલી, જિ. શિમોગ, મૈસૂર) : કન્નડ લેખક અને વિદ્વાન. તેમને તેમની અદ્યતન કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં લીધું હતું. તેમની શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની કારકિર્દીમાં તેમને સંખ્યાબંધ ચંદ્રકો તથા ઇનામો મળ્યાં. 1952માં તેમણે એમ.એ.; 1960માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યાર બાદ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કન્નડ સ્ટડીઝ, મૈસૂર સાથે સંકળાયેલા રહ્યા.

તેમણે વિપુલ પ્રમાણમાં લેખનકાર્ય કર્યું છે. અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો પ્રગટ કર્યા છે, તેમાં નવલકથાઓ, વાર્તાસંગ્રહો, કાવ્યસંગ્રહો, નાટક તથા વિવેચનગ્રંથોનો ઉલ્લેખનીય ફાળો છે. ચરિત્ર ઉપરાંત કેટલાક ગ્રંથોનું સંપાદન પણ તેમણે કર્યું છે.

કર્ણાટક સંસ્કૃતિ વિશે સમર્થ વિદ્વાનોએ અનેક વિવરણાત્મક ગ્રંથો આપ્યા છે, પરંતુ પુરસ્કૃત કૃતિ તે બધાથી જુદી છે; કારણ કે તેમાં કર્ણાટકનાં ઇતિહાસ, લોકગીતો, શિલાલેખો, સાહિત્ય, શિલ્પસ્થાપત્ય, લલિતકલાઓ, સંગીત વગેરે જેવાં તમામ પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે. તેથી આ કૃતિ કર્ણાટક અંગેનો સર્વગ્રાહી સંદર્ભ ધરાવતું પ્રતિષ્ઠિત પ્રકાશન બનતાં તેઓને સારી એવી ખ્યાતિ પ્રાપ્ત થઈ.

આ 861 પૃષ્ઠ અને 52 ઉપયોગી સંદર્ભો ધરાવતી કૃતિનું 10 વિભાગમાં વિભાજન કર્યું છે. પ્રથમ વિભાગ ભારતીય સંસ્કૃતિની ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે. બીજો વિભાગ પ્રાગ્ ઐતિહાસિક કાળથી વર્તમાન સુધીના કર્ણાટકના રાજવંશના ઇતિહાસ અંગેના અભ્યાસ માટે સમર્પિત છે. ત્રીજા ભાગમાં વહીવટ, ધર્મ, સમાજ અને શિક્ષણનું અવલોકન કરવામાં આવ્યું છે. ચોથા ભાગમાં કર્ણાટકની શિલાલેખો-વિષયક વિપુલતાની અને પાંચમા ભાગમાં પંપા, રન્ના, પોન્ના, બસવન્ના, અક્કામહાદેવી, સર્વજ્ઞ જેવા તેજસ્વી લેખકોનાં વૃંદ દ્વારા પ્રગટ કરાયેલી ગદ્ય, પદ્ય, નાટક, ચંપૂ, વચનો, મૂળ પાઠ પરનાં વિવેચનો અને ટૅકનિકલ સાહિત્યનું સુંદર નિરૂપણ જોવા મળે છે. પછીના ભાગોમાં કર્ણાટકનાં અનુપમ અને રમણીય શિલ્પસ્થાપત્યો, કર્ણાટકી સંગીતની સમૃદ્ધિ, ચિત્રકળા વિશેની પ્રમાણભૂત માહિતીની રજૂઆત કરવામાં આવી છે.

આમ તેમની પુરસ્કૃત કૃતિ ‘કર્ણાટક સંસ્કૃતિ સમીક્ષે’, કર્ણાટકના પ્રાદેશિક જીવનનાં સાંસ્કૃતિક પાસાંની મોજણીરૂપ બની છે. ઊંડા સંશોધન અને મૂલ્યવાન આધાર-સામગ્રીના સંગ્રહ માટે તેના સબળ નિરૂપણ અને વિવરણ માટે આ કૃતિને તત્કાલીન કન્નડ સાહિત્યમાં અનન્ય પ્રદાનરૂપ લેખવામાં આવી છે.

બળદેવભાઈ કનીજિયા