સ્વામીનાથન અમ્મુ

January, 2009

સ્વામીનાથન, અમ્મુ (જ. ? 1894, અનક્કારા, કુટ્ટીપુરમ્, ચેન્નાઈ; અ. ? 1978) : દક્ષિણ ભારતનાં જાણીતાં મહિલા નેત્રી. પિતા પી. ગોવિંદ મેનન ઉત્તર કેરળના નાયર હતા અને મુનસફ તરીકે કામગીરી બજાવેલી. 1908માં ચેન્નાઈના જાણીતા ઍડ્વોકેટ ડૉ. સ્વામીનાથન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમનાં ચારે સંતાનો પોતપોતાનાં ક્ષેત્રોમાં નામાંકિત બન્યાં. પુત્ર ગોવિંદ સ્વામીનાથન ચેન્નાઈ રાજ્યના ઍડ્વોકેટ જનરલ રહ્યા હતા. પુત્રી લક્ષ્મી સહેગલ આઝાદ હિંદ ફોજના કૅપ્ટન હતાં. પુત્ર સુબ્રમ વ્યાપારી અને બીજી પુત્રી મૃણાલિની સારાભાઈ ખ્યાતનામ નર્તનકાર છે.

તેમનું ઔપચારિક શિક્ષણ માત્ર પ્રાથમિક કક્ષાનું હતું, પરંતુ પતિનાં પ્રોત્સાહન અને તાલીમથી તેમણે અસાધારણ સ્વવિકાસ કર્યો હતો અને જાહેર જીવનમાં ખૂબ સક્રિય રહ્યાં હતાં. ઉચ્ચ કોટિનાં કુટુંબો સાથેના સંપર્કો અને સામાજિક કામગીરીને કારણે તેમના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. ચેન્નાઈ ખાતે શરૂ થયેલી ઑલ ઇન્ડિયા વીમેન્સ કૉન્ફરન્સનાં તેઓ સ્થાપક સભ્ય હતાં. ગાંધીજી, લાલા લજપતરાય, જવાહરલાલ નહેરુ અને શ્રીમતી સરોજિની નાયડુ જેવા અગ્રણી ભારતીય નેતાઓ સાથેના સંપર્કો અને વિશાળ વાચન દ્વારા તેમના વિચારો ઘડાયેલા.

માનસિક ક્ષિતિજોના ઉઘાડને કારણે તેઓ જાહેર જીવનમાં સક્રિય બન્યાં અને 1934 –1939 ચેન્નાઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં સભ્ય બન્યાં. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનની સ્વાતંત્ર્ય લડતમાં સક્રિય ભાગ લઈ બે વર્ષ વેલોર ખાતે જેલવાસ વેઠ્યો. 1945માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી(બ્રિટિશ સરકારની કેન્દ્રીય ધારાસભા)માં ચૂંટાયાં. 1946માં ભારતની બંધારણ-ઘડતર સભાનાં સભ્ય બન્યાં. 1948માં ભારત સરકારનાં પ્રતિનિધિ તરીકે ઇથિયોપિયા ગયાં હતાં. 1949માં યુનેસ્કોની પરિષદમાં હાજરી આપવા જિનીવા તથા તે જ વર્ષે ઇન્ટરનૅશનલ વીમેન્સ કૉન્ફરન્સમાં હાજરી આપવા કોપનહેગન ગયાં હતાં. 1950–1957માં લોકસભાનાં અને 1957–1960માં રાજ્યસભાનાં સાંસદ રહ્યાં હતાં. દરમિયાન 1953 અને 1954માં અનુક્રમે જાપાન અને ચીનનો પ્રવાસ ખેડ્યો. 1957–1960ના ગાળા દરમિયાન રિજિયોનલ ઍન્ડ સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ફિલ્મ સેન્સર્સના અને ફિલ્મ ઍવૉર્ડ સમિતિના સભ્યપદે કામ કર્યું. ચેન્નાઈ ફિલ્મ સોસાયટીનું અધ્યક્ષપદ શોભાવ્યું. 1960–1963 દરમિયાન ભારત સ્કાઉટ અને ગાઇડ્સનાં અધ્યક્ષ રહ્યાં. આ ગાળા દરમિયાન ઘણી સામાજિક–સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલાં હતાં, તેમાં તેઓ મહિલા કલ્યાણ અને બાળ-કલ્યાણની પ્રવૃત્તિઓ પર ભાર મૂકતાં. ત્યાર બાદ તેમણે ચેન્નાઈમાં નિવૃત્ત જીવન પસંદ કર્યું.

પ્રગતિશીલ વિચારોનાં મહિલા તરીકે તેમને ધાર્મિક–સામાજિક રૂઢિ-રિવાજોમાં ખાસ વિશ્વાસ નહોતો. પુરુષો અને મહિલાઓ માટે સમાન તકો અને સગવડોનાં તેઓ હિમાયતી હતાં. સામાન્ય સ્તરના અને પરિસ્થિતિનો શિકાર બનેલા અનેક લોકોને તેઓ મદદ કરતાં. તેમની આસપાસના વિશાળ વર્તુળમાં તેઓ ચેરીઅમ્મા (માસી) તરીકે જાણીતાં હતાં.

રક્ષા મ. વ્યાસ