સ્વામીનાથન, ટી. (જ. 18 જૂન 1912, સઇદાપેઠ, ચિંગલપુટ, તામિલનાડુ; અ. ?) : ભારત સરકારના મુખ્ય ચૂંટણી કમિશનર અને ઉચ્ચ વહીવટી અધિકારી. પિતા થરુમાલરાયા આયર અને માતા અન્નપૂર્ણી અમ્મા. પત્ની ગણસુંદરી. એમ.એ. સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ આઝાદ ભારતમાં તેઓ છેલ્લા જૂથના સભ્ય હતા જેમણે ભારતીય સનદી સેવાની વહીવટી પરીક્ષા પાસ કરી હતી. તેમની સરકારી સેવાનો પ્રારંભ 1936માં ઉત્તરપ્રદેશથી થયો હતો, જ્યાં શરૂઆતમાં સંયુક્ત મૅજિસ્ટ્રેટ, જિલ્લા અધિકારી અને જિલ્લા મૅજિસ્ટ્રેટનાં પદો પર તેમણે કામગીરી બજાવી હતી. 1942થી ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર અને નાયબ સચિવ રહ્યા હતા. ત્યાર બાદ સરકારના શ્રમ અને એક્સાઇઝ વિભાગના સચિવ રહ્યા. આ ગાળા દરમિયાન ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરતાં તેઓ ભારત સરકારના કાપડ કમિશનર (ટેક્સટાઇલ કમિશનર) બન્યા. ત્યાર બાદ ઉદ્યોગ વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રાલય, પુરવઠા વિભાગ અને તક્નીકી વિકાસ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, પુરવઠા મંત્રાલય – એમ વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે તેમણે સેવાઓ આપી.
1954 પછી વિદેશ સેવાઓના ક્ષેત્રે પણ તેમને કામગીરી સોંપવામાં આવેલી. 1954થી 58 લંડન ખાતે ભારતના ઉચ્ચાયુક્તપદે, 1958–61 યુરોપ ખાતેના આર્થિક બાબતોના કમિશનર જનરલ, 1954–61 GATT ખાતે કાયમી પ્રતિનિધિ તરીકે ભારત સરકારે તેમની સેવાઓ મેળવી. 1966 પછીના ગાળામાં વિદેશ સેવાઓનો તેમનો દોર લંબાયો અને તેઓ બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને યુરોપિયન સમુદાયના અન્ય દેશોના એલચી નિમાયા. અંકટાડ અને ગેટ (UNCTAD and GATT) ખાતેના કાયમી પ્રતિનિધિ તરીકે તેમણે 1966–70 દરમિયાન સેવાઓ આપી. 1970ના દાયકામાં કેબિનેટ સચિવ અને 1973–77 ભારત સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવાઓ આપી. તેમને 1946માં મેમ્બર ઑવ્ બ્રિટિશ એમ્પાયર(MBE)નું સન્માન મળ્યું હતું અને 1973માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. આ રીતે ભારત સરકારે તેમની સુદીર્ઘ સેવાઓની કદર કરી હતી.
રક્ષા મ. વ્યાસ