સ્વર્ગ : હિંદુ ધર્મ અનુસાર પુણ્યશાળીઓને માટે પરલોકમાં ભોગોપભોગ માટેનું સુખધામ. કર્મ અને પુનર્જન્મના સનાતન ધર્મના સિદ્ધાંત અનુસાર પુણ્યકર્મોનું ફળ પરલોકમાં સુખ રૂપે અને પાપકર્મોનું ફળ પરલોકમાં નરકનાં દુ:ખ રૂપે મળે છે. જે દેવને ઇષ્ટ દેવ ગણી આરાધ્યા હોય અને પુણ્યકર્મો કર્યાં હોય તદનુસાર તે દેવના લોકમાં સ્થાન પામી સુખોપભોગ પામે છે. ઇન્દ્ર, વરુણ, શિવ, વિષ્ણુ, લક્ષ્મી વગેરે દેવોના લોકમાં સ્થાન પામી સાલોક્ય કે સામીપ્ય મુક્તિનું સુખ પણ ભોગવે છે. અર્ધ દેવી જાતિયક્ષ, ગંધર્વ આદિના ઉપાસકો તેમનું સાન્નિધ્ય પામી તેમને અનુરૂપ સુખ ભોગવે છે. પુણ્યકર્મો અનુસાર તેમની ગતિ આ લોકમાં લઈ જાય છે. પુણ્ય ભોગવતાં ભોગવતાં પુણ્ય ક્ષીણ થતાં આવા લોકો ઉત્તમ કુળમાં જન્મ લે છે. ગરુડપુરાણના સારોદ્ધાર કલ્પમાં સ્વર્ગ-નરકમાંથી પૃથ્વી ઉપર આવનારાંનાં લક્ષણોની ચર્ચા કરેલી છે. પુરાણમાં સ્વર્ગનાં મનોરમ અને નરકોનાં કંપાવે તેવાં વર્ણનો મનુષ્યને સન્માર્ગે પ્રેરવા માટે કરવામાં આવેલાં છે.
ગીતાકારના મતે પુણ્ય કે પાપકર્મોમાં આસક્તિ કે ફળની આકાંક્ષા સ્વર્ગ-નરકનાં પરિણામો ભોગવવામાં કારણભૂત જણાય છે.
જૈન ધર્મના તત્વાર્થસૂત્રના અધ્યાય 4માં સ્વર્ગ વિશે વિગતે નિરૂપણ મળે છે. તદનુસાર ધાર્મિક માન્યતાઓના આધારે ઇહલોક અને પરલોકના ભેદ પાડવામાં આવ્યા છે. પરલોકમાં સ્વર્ગ અને નરકનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વર્ગમાં દેવલોકોનો સમાવેશ થાય છે. જૈન ધર્મ પ્રમાણે દેવોના ચાર નિકાય (જાતિઓ) છે (1) ભવનપતિ, (2) વ્યંતર, (3) જ્યોતિષ્ક અને (4) વૈમાનિક. આ ચારે નિકાયોના અનુક્રમે દસ, આઠ, પાંચ અને બાર પ્રકારો છે. વૈમાનિક દેવતાઓના કલ્પોત્પન્ન અને કલ્પાતીત બે ભેદ છે. આ બધા ઉપર રહે છે. તેમનાં સ્થાન, સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત અને અચ્યુત તથા નવ ગ્રૈવેયક અને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધિ છે. આમાં સૌધર્મથી માંડી અચ્યુત પર્યંતનાં બાર સ્વર્ગ કહેવાયાં છે. આ બધાં સ્વર્ગ ભવનપતિ જંબૂદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે તેનાથી ઉત્તર-દક્ષિણે બાર યોજનોમાં રહે છે. વ્યંતર દેવ ઊંચે, મધ્યમાં અને ત્રણે લોકમાં ભવનો અને આવાસોમાં રહે છે. મનુષ્યલોકમાં માનુષોત્તર પર્વત રહે છે. જ્યોતિષ્ક દેવ ભમ્યા કરે છે. સૌધર્મ કલ્પ કે સૌધર્મ સ્વર્ગ જ્યોતિષ્કની ઉપર આગણિત યોજન ચડ્યા પછી મેરુ પર્વતના દક્ષિણ ભાગે દેખાતા આકાશમાં આવેલું છે. તેની ઉપર પણ ઉત્તર તરફ ઐશાત છે. સૌધર્મની સમશ્રેણીમાં સનત્કુમાર છે. ઐશાતની ઉપર સમશ્રેણીમાં મહેન્દ્ર છે. આ બંનેની વચ્ચે ઉપરની બાજુએ બ્રહ્મલોક આવેલો છે. બ્રહ્મલોકની ઉપર સમશ્રેણીમાં લતિક, મહાશુક અને સદાચાર આવેલો છે. તે એકબીજાની ઉપર છે. એની ઉપર આનત અને પ્રાણત છે. એની ઉપર ચારણ અને અચ્યુત કલ્પ છે. વળી આ કલ્પોની ઉપર નવવિમાન કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમ અને બીજા સ્વર્ગના વૈમાનિક દેવો મનુષ્યની માફક દેહ વડે કામસુખ ભોગવી આનંદે છે. ત્રીજા અને ચોથા સ્વર્ગનાં દેવદેવીઓ સ્પર્શમાત્રથી કામતૃષ્ણાને શાંત કરે છે. પાંચમા અને છઠ્ઠા સ્વર્ગનાં દેવ-દેવીઓનાં અલંકૃત રૂપ જોઈને, સાતમા-આઠમા સ્વર્ગનાં દેવ-દેવીઓ શબ્દ સાંભળીને તેમજ નવ, દસ, અગિયાર અને બારમા સ્વર્ગનાં દેવ-દેવીઓ ચિત્રણ માત્રથી સુખ પામે છે. પહેલા અને બીજા સ્વર્ગમાં શરીરનું પરિમાણ સાત હાથ, ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવોના છ હાથ, સાત અને આઠમા લોકના લોકોના ચાર હાથ અને બાકીના ચાર સ્વર્ગના લોકોમાં ત્રણ હાથનું પરિમાણ હોય છે. પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ, બીજામાં અઠ્ઠાવીસ, ત્રીજામાં બાર, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આઠમામાં છ હજાર, નવથી અગિયારમા લોકમાં સાતસો વિમાન છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવોમાં પીતલેશ્યા, ત્રણથી પાંચમા લોકના દેવોમાં પદ્મલેશ્યા, છઠ્ઠાથી સર્વાર્થસિદ્ધિ પર્યંત લોકના દેવોમાં શુક્લ લેશ્યા જોવા મળે છે.
સનાતન હિંદુ ધર્મમાં પણ સુમેરુ પર્વતથી ઉપર વિભિન્ન સ્વર્ગ-લોકની કલ્પના છે. હેમકૂટ પર્વતથી આગળ સ્વર્ગારોહણ શિખરથી સ્વર્ગમાં જવાનો માર્ગ મનાય છે. ત્રિલોક-ભૂ, જીવ-અંતરિક્ષ અને સ્વર્-સૂર્યલોકમાં, સૂર્યલોક પછી બ્રહ્મ માર્ગે મહ, જન, તપ અને સત્યલોકને ઉત્તરોત્તર ચડિયાતાં ગણાવ્યાં છે. મહાભારતના સભા પર્વમાં લોકપાલોની સભાઓ આવાં સ્વર્ગનાં વર્ણનોથી સભર છે.
જૈન અને સનાતન ધર્મમાં સ્વર્ગની કલ્પનામાં નામભેદને બાદ કરતાં સુખધામ તરીકે સામાન્ય વરતાય છે.
ખ્રિસ્તી ધર્મમાં મનુષ્યનું સર્જન એ ઉદ્દેશથી થયું છે કે થોડો સમય સંસારમાં રહી પુન: ઈશ્વરના પરમાનંદનો ભાગીદાર થાય. ઈશ્વરના આ વિધાનમાં તેનાં પાપકર્મો બાધારૂપ બને છે. બધાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને માનવજાતિ માટે મુક્તિનો માર્ગ બતાવાયો છે. પ્રાયશ્ચિત્તથી મુક્તિનો અધિકારી બનેલો માનવી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. સ્વર્ગ એ મુક્તિની પરિપૂર્ણતા છે. મનુષ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર પામીને ઈસુ અને દેવદૂતોની સાથે સ્વર્ગ(paradise)માં સ્થાન પામી સુખ ભોગવે છે. આ સ્થાન ક્યાં સુધી નિશ્ચિત ગણવું એ સ્પષ્ટ નથી પણ એટલું તો ચોક્કસ કે મૃત્યુ પછી આવો સ્વર્ગનો અધિકારી ક્ષુદ્ર ભૌતિક ઘટનાઓ અને ઇન્દ્રિયગ્રાહ્ય સુખોથી પર બની એક અનિર્વચનીય આધ્યાત્મિક આનંદમાં મગ્ન થાય છે.
દશરથલાલ ગૌ. વેદિયા