સ્વરોદયશાસ્ત્ર : સ્વરોદય એટલે સ્વરના ઉદય નિમિત્તનું અર્થઘટન કરતું શાસ્ત્ર.

નિમિત્તશાસ્ત્રને અષ્ટાંગ નિમિત્ત કહેવામાં આવે છે. પરિપાટી મુજબ નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ છે – (1) અંગવિદ્યા, (2) સ્વપ્નશાસ્ત્ર, (3) સ્વરશાસ્ત્ર, (4) ભૌમશાસ્ત્ર, (5) વ્યંજન, (6) લક્ષણ, (7) ઉત્પાત અને (8) અંતરિક્ષ.

अंगं स्वप्न: स्वरश्चैव भौमे व्यंजनलक्षणे ।

उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा ।।

                                                              (હસ્તસંજીવની – દ. શ્લોક–5)

જેમાં પ્રાણીઓનાં અવાજ, ચેષ્ટા વગેરે દ્વારા અર્થાત્ શકુન દ્વારા અને શબ્દોચ્ચારના અક્ષરોની બાલ, કુમાર, યુવા, વૃદ્ધ, મૃત્યુ વગેરે પરિભાષા મુજબ ભાવિ કથન કરવામાં આવે તે બધું સ્વરશાસ્ત્રમાં સમાવિષ્ટ છે. આ ઉપરાંત નાસિકામાંથી નીકળતા શ્વાસોચ્છવાસની ગતિ ઉપરથી ભાવિનું કથન કરવું તેને સ્વરશાસ્ત્ર કહે છે. આ સ્વરનો ઉદય થાય તે ઉપરથી અર્થઘટન થતું હોવાથી આને સ્વરોદયશાસ્ત્ર પણ કહે છે. આ સ્વરોદયશાસ્ત્રને જનસાધારણમાં સરોદો કહે છે. સ્વરોદય દ્વારા પોતાના કાર્યના પરિણામનો વિચાર કરવાની સર્વસાધારણ રૂઢિ હોવી જોઈએ. વસ્તુત: સ્વરશાસ્ત્ર અને નાસિકા સ્વર મૂળે અલગ જણાય છે. સંવત: 1000થી 1500માં સંતયુગમાં ઘણા લોકોએ આ શાસ્ત્રને અપનાવેલું. કબીર વગેરેની કૃતિઓમાં આનો સંદર્ભ મળે છે. સ્વરોદયશાસ્ત્રમાં એકમાત્ર શિવ સ્વરોદય પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. જૈન મુનિ શ્રી ઉપાધ્યાય મેઘવિજયજીએ સ્વરશાસ્ત્રની વ્યાખ્યામાં બાલાદિ પંચ સ્વર સાથે નાસિકા સ્વર પણ ગણ્યો છે. વસંતરાજશકુન કાદંબરીના ટીકાકાર ભાનુચંદ્રગણિએ પણ સ્વરોદયને નાસિકા સ્વર ગણ્યો છે. સ્વરોદયને વસંતરાજ મહેશ્વરનો ગ્રંથ ગણે છે. નરપતિના મતે સ્વરોદય કે સ્વરશાસ્ત્રની રચના યામલ ગ્રંથોના આધારે થઈ છે. યામલોના કર્તા શંકર છે. તેથી સ્વરોદયશાસ્ત્ર શિવ સ્વરોદય તરીકે પ્રસિદ્ધ છે એમ કહી શકાય.

સ્વરોદયશાસ્ત્ર તરીકે નરપતિ જયચર્યા, પંચસ્વરા, સમરસાર મુખ્ય ગ્રંથો છે. આ ગ્રંથોની પરિપાટી જોતાં પ્રશ્ન પૂછનારના મુખમાંથી ઉચ્ચારાયેલા અકારાદિ સ્વર અને કકારાદિ વ્યંજનના યોગે બાલ, કુમાર, યુવા, વૃદ્ધ અને મૃત વગેરે ભેદો પ્રમાણે અનેક પ્રકારની બુદ્ધિગમ્ય કલ્પના કરી શુભાશુભનું જ્ઞાન મેળવી કથન કરવામાં આવે છે. આ ગ્રંથોની શૈલી દુર્બોધ છે. સામાન્ય માનવી માટે સુલભ નથી. સ્વરો ઉપરથી અનેક પ્રકારનાં ચક્રો બતાવવાં, અન્ય બીજી પ્રક્રિયાઓ કરી શુભાશુભની કલ્પના કરવામાં આવે છે. નરપતિએ સ્વરની પ્રશંસા કરી છે. સ્વરજ્ઞ રાજાનો કદાચ વિજય થાય તો તેને ઘુણાક્ષર ન્યાય જાણવો. સ્વરશાસ્ત્રના અભ્યાસી, જિતેન્દ્રિય વ્યક્તિના સ્વરજ્ઞના આદેશનો અમલ કરવો. નરપતિએ અજયપાલના રાજ્ય આશાપલ્લી(આજનું અમદાવાદ)માં સ્વરશાસ્ત્રનો ગ્રંથ રચ્યો હતો. તંત્રના ત્રિવિધ ગ્રંથો યામલો, આગમ અને તંત્રગ્રંથોનો સંબંધ સ્વરોદય સાથે છે.

સ્વરોદયમાં જયપરાજય ઉપરાંત, અર્ઘ્ય કાંડ (તેજી-મંદી), જીવિત-મરણ, વિવિધ પ્રકારની ભૂમિ, રક્ષામંત્રો સમાવાયાં છે. ચૂડામણિ, હસ્તકાંડ, ચંદ્રોન્મિલન, કેરલીય પ્રશ્નો, રમલ, પાશક કેવલી, શુકનાવલી વગેરેનો સમાવેશ પણ કેટલાકના મતે સ્વરશાસ્ત્રમાં છે.

સ્વરશાસ્ત્રાનુસાર શકુનિકો, બેપગાં પ્રાણીઓ, પક્ષીઓ, ચોપગાં પ્રાણીઓ, ભમરા વગેરે; છપગાં શરભ વગેરે; આઠપગાં પ્રાણીઓ, અનેક પગવાળા કાનખજૂરા અને પગ વગરના સર્પ વગેરેનાં ચેષ્ટા, અવાજ, આવાગમન વગેરેની સાથે કાર્યકારણની કડી મેળવી કાર્યના પરિણામની કલ્પના કરે છે. પૂર્વજન્મનાં શુભાશુભ કર્મોના પરિપાકથી હર ક્ષણે શુભાશુભ ફળ પ્રાણીઓ ભોગવે છે તે શુભાશુભની કલ્પના શકુન દ્વારા થાય છે. દૈવપ્રેરિત પ્રાણીઓ શકુન દ્વારા આ સૂચન કરે છે. આવાં પ્રાણીઓમાં દેવચકલી, કૂતરો, કાક, ચીબરી અને શિયાળવી પાંચ રત્ન સમાં છે. સરસ્વતી દુર્ગ કે દેવચકલીમાં, યક્ષ કૂતરામાં, ગરુડ કાગડામાં, ચંડિકા ચીબરીમાં અને પાર્વતીની દૂતી શિયાળવીમાં રહે છે. માનવીનાં ઇંગિતોનો પણ આમાં સમાવેશ થયો છે.

સંગીતના સ્વર : સંગીતના ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ સ્વરોને પશુપક્ષીઓના અવાજની સાથે સરખાવવામાં આવ્યા છે. મોરનો કુદરતી અવાજ ષડ્જ, મરઘા-કૂકડાનો અવાજ ઋષભ, ગાંધાર, બકરાનો અવાજ મધ્યમ, કોકિલનો પંચમ સૂર, ક્રૌંચનો ધૈવત અને હાથીનો નિષાદ સ્વર છે. જે સ્ત્રી-પુરુષનો કુદરતી અવાજ ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ કે પંચમ સ્વર હોય તે શુભ છે. સુખ, સાહ્યબી, સત્તા વગેરે આપનાર છે. ધૈવત સ્વરવાળો કલહપ્રિય અને નશાખોર હોય છે. નિષાદ સૂરવાળો નિર્દય, કલહપ્રિય, પરતંત્ર અને હિંસક બને છે. જૈનાગમ શ્રી સ્થાનાંગ અનુ-યોગદ્વાર સૂત્ર; ઉત્તરાધ્યયન સૂત્ર ટીકા જેવા ગ્રંથોમાં આની ચર્ચા મળે છે.

ષડ્જનું સ્થાન જિહવાનો અગ્રભાગ, ઋષભનું વક્ષસ્થળ, ગાંધારનું કંઠાગ્ર, મધ્યમનું જિહવામધ્ય, પંચમનું નાસિકી, ધૈવતનું દાંત અને નિષાદનું સ્થાન ભ્રૂકુટિ છે.

યાત્રા કે શુભ કાર્યમાં ષડ્જ, ઋષભ કે ગાંધારનું શ્રવણ શુભ છે. ચકોર, હંસ, શુક્ર, ભારદ્વાજ વગેરેનું દર્શન, તેના અવાજનું શ્રવણ શુભ છે. ગીધ, કાગડા વગેરેનું દર્શન કે તેમના અવાજનું શ્રવણ અશુભ છે. ઘુવડ, ગીધ, સર્પ, નોળિયાનાં દર્શન, અવાજશ્રવણ વગેરેના શુભાશુભત્વ વિશે ઘણી ચર્ચા મળે છે.

सप्त स्वरास्त्रयो ग्रामा मूर्च्छना एकविंशति ।

ताना एकोनपंचाकृति इत्येतत् स्वरमण्डलम् ।।

સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીસ મૂર્ચ્છના અને ઓગણપચાસ તાનનું સ્વરમંડળ બનેલું છે. છ રાગ, છત્રીસ રાગિણી અને અડતાળીસ પુત્રો મળી નેવુંની સંખ્યા થાય છે.

ભૈરવ, માલકોશ, દીપક, હિંડોલ, મલ્હાર અને શ્રીરાગ છ મુખ્ય રાગ છે. આ રાગોના આલાપની ઘેરી અસર તેનાથી ઉત્પન્ન થતા પરમાણુમંડળથી થતી. માલકોશથી પથ્થર પીગળતા. દીપકથી દીવા પ્રગટતા, હિંડોલથી હિંડોળો ઝુલાવી શકાતો. શ્રીરાગથી લક્ષ્મીના ઢગલા થતા. મલ્હારથી વરસાદ વરસાવી શકાતો. ભૈરવથી બળદ વગર ઘાણી ફરવા લાગતી. ગાનસિદ્ધિવિષયક આવી અનેક કથાઓ પ્રચલિત છે.

પ્રભુભક્તિથી સભર રાગના શ્રવણથી પશુપક્ષીઓ પરસ્પર સ્વાભાવિક વેર ત્યજી દેતાં.

આમ સંગીતનું સ્વરશાસ્ત્ર પણ સ્વરશાસ્ત્રનું જ એક અંગ છે.

શિવ સ્વરોદય સ્વરોદયનો એક પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. આ ગ્રંથ શિવ-પાર્વતીના સંવાદ રૂપે છે. તેના કુલ 396 શ્લોકો મળે છે.

પાંચ તત્વથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. આ તત્વો જ સ્વરમાં મુખ્ય છે. વેદ, શાસ્ત્ર, ઉત્તમ ગાયનવિદ્યા સ્વરમાં છે. સ્વરના જ્ઞાન વગરનું જ્યોતિષ પતિ વગરના ઘર કે મસ્તક વગરના દેહ જેવું છે. નાડી, પ્રાણ, તત્વ અને સુષુમ્ણા આદિ નાડીના ભેદનું જ્ઞાન કલ્યાણકારી છે. બ્રહ્માંડનાં ખંડ-પિંડ સ્વરના રચેલાં છે. તિથિ, નક્ષત્ર, વાર, ગ્રહ, દેવતા, ભદ્રા, વ્યતિપાત કે વૈધૃત આદિનો દોષ સ્વરોદયમાં નથી. નાભિના મૂળમાં નીકળતી 72,000 નાડીઓમાં કુંડલિની સૂતેલી છે. દશ ઉપર દશ નીચે બંને બાજુ બબ્બે નાડીઓ મળી નાડીઓ વાયુનું વહન કરે છે. તેમાં દસ નાડી અને તેમાંય ત્રણ ઇડા, પિંગલા અને સુષુમ્ણા મુખ્ય છે. બાકીની ગાંધારી, હસ્તી, જિહવા, પૂષા, યશસ્વિની, અલંબુષા કુહુ અને શંખિની નાડીઓ છે. ડાબા ભાગે ઇડા, જમણા ભાગે પિંગલા અને મધ્ય ભાગે સુષુમ્ણા નાડી છે. જમણી આંખમાં હસ્તીજિહવા, જમણા કાનમાં પૂષા, ડાબા કાનમાં યશસ્વિની, મુખમાં અલંબુષા, લિંગ ભાગે કુહુ અને ગુદાસ્થાને શંખિની છે. દશ પ્રાણમાં સમાન, નાભિ પ્રદેશમાં, ઉદાત્ત કંઠે મધ્યે, વ્યાન સર્વ દેહમાં, હૃદયમાં પ્રાણ અને ગુદાપ્રદેશમાં અપાનનું સ્થાન છે. ઉદગારમાં નાગ; નેત્રોન્મીલનમાં કૂર્મ, છીંકમાં કૃકલ, બગાસામાં દેવદત્ત અવાયુ છે. મૃત્યુ પછી ધનંજય છેલ્લે વિદાય લે છે. ઇડામાં ચંદ્ર, પિંગલામાં સૂર્ય અને સુષુમ્ણામાં હંસ છે. સ્વર નીકળવામાં હકાર અને પ્રવેશમાં સકાર અનુક્રમે શિવશક્તિરૂપ છે. ઇડા અમૃતરૂપ અને પિંગલા જગતની ઉત્પાદક છે. મધ્યમાં સર્વ કાર્યમાં દુષ્ટ છે. વામા નાડી કાર્યસિદ્ધિ આપે. ચંદ્રનાડીમાં સૌમ્ય અને સૂર્યનાડીમાં રૌદ્ર, સુષુમ્ણામાં ભોગ-મોક્ષનાં કાર્યો થાય. શુક્લ-કૃષ્ણ પક્ષાનુસાર એક દિવસમાં સાઠ ઘડી ક્રમે અઢી અઢી ઘડી ચાલતો સ્વર ચોવીસ આવૃત્તિ પામે છે. પ્રત્યેક અઢી ઘડીમાં પાંચે તત્વો વહે છે. ગુરુ, શુક્ર, બુધ લોપમાં તેમાંય શુક્લ પક્ષમાં વામ નાડી શુભ. રવિ, મંગળ, શનિ અને કૃષ્ણ પક્ષમાં સૂર્ય નાડી બળવાન છે. સમ રાશિઓ ચંદ્ર સ્વરની અને વિષમ રાશિઓ સૂર્ય સ્વરની છે.

પ્રાત:કાળે સ્વરજ્ઞાન મેળવી સ્વર અને તત્વાનુસાર કાર્યો કરવાં. ઇડા (શ્લોક 102–113), પિંગલા (શ્લોક 114–123), સુષુમ્ણા(શ્લોક 124–138)માં નાડીફળની ચર્ચા છે. આ પછી 139થી તત્વોની ચર્ચા છે. તત્વની સંખ્યા, શ્વાસની સંધિ, સ્વરોનાં ચિહન, સ્વરોનાં સ્થાન, સ્વરોનાં રંગ, પ્રાણ, સ્વાદ અને ગતિનાં લક્ષણોની ચર્ચા કરી છે. વાયુ આઠ આંગળ, અગ્નિ-તેજ ચાર આંગળ, પૃથ્વી બાર આંગળ, જળ સોળ આંગળ ચાલે. પૃથ્વીનો સ્વાદ મીઠો, જળનો ખારો, તેજનો તીખો, પવનનો અમ્લ અને આકાશનો કટુ સ્વાદ છે.

તત્વોના ગુણ અને તત્વસ્વરાનુસાર શુભાશુભ કાર્ય : કાર્યની સિદ્ધિ-અસિદ્ધિની વિગતે ચર્ચા કરવામાં આવી છે. પ્રશ્ન જ્યોતિષ, જયાજય, રોગી વગેરે વિશેના પ્રશ્નોમાં સ્વરોદય જ્ઞાનનું મહત્વ દર્શાવાયું છે. પ્રાણાયામ દ્વારા વાયુની સ્થિરતાથી ઇષ્ટ સિદ્ધિ પણ થતી હોવાનું દર્શાવ્યું છે. ષડ્વિધ અભિચાર, વશ્યકર્મમાં સ્વર, ગર્ભધારણ, સંવત્સર, જ્ઞાન, રોગ, કાલ (આયુષ્ય) જ્ઞાનમાં સ્વરોદયની ઉપયોગિતા અહીં ચર્ચવામાં આવી છે.

ગંગા ઇડા છે. પિંગલા યમુના છે. સુષુમ્ણા સરસ્વતી છે. ત્રણેયનું મિલન એ પ્રયાગ છે (374). સ્વરસાધનામાં પ્રાણાયામ અને પદ્માસન-બંધથી પ્રણવ દ્વારા સ્વરસાધના કરવા કહ્યું છે (388–394).

આમ, સ્વરોદયશાસ્ત્ર પશુપક્ષીઓનાં ધ્વનિનિર્દિષ્ટ નિમિત્ત, સંગીત દ્વારા થતી સ્વરસાધના અને દેહની નાડીઓમાં વહેતા સ્વર-વાયુની સાધના, તેનું જ્ઞાન અને સિદ્ધિ સાથે સંકળાયેલું છે.

દશરથલાલ ગૌ. વેદિયા