સ્વરાજ, સુષમા (જ. 14 ફેબ્રુઆરી 1952, અંબાલા કૅન્ટોનમેન્ટ, હરિયાણા; અ. 6 ઑગસ્ટ 2019) : દિલ્હીનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, જાણીતાં મહિલા રાજકારણી અને ભારતીય જનતા પક્ષનાં પ્રથમ હરોળનાં નેત્રી. પિતા હરદેવ શર્મા અને માતા લક્ષ્મીદેવી. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક છે. કૉલેજની શૈક્ષણિક કારર્કિદી દરમિયાન વક્તૃત્વસ્પર્ધા, નાટકો, કાવ્ય-વાચન, એન.સી.સી. તથા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અગ્રિમ ક્રમાંક મેળવતા. અંબાલા કૅન્ટોનમેન્ટ ખાતે આવેલી એસ. ડી. કૉલેજનાં શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનાં પારિતોષિકો ઉપરાંત એન.સી.સી.ના પણ શ્રેષ્ઠ કેડેટ તરીકે સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કેડેટ પુરવાર થયાં હતાં. ચાર વર્ષ તેઓ હરિયાણા રાજ્યના હિંદી સાહિત્ય સંમેલનનાં અધ્યક્ષા રહ્યાં હતાં. તેજસ્વી વિદ્યાર્થિની તરીકે તેમણે સાહજિકપણે રાજકીય પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો. બીજી તરફ ઍડ્વોકેટ તરીકે તેમણે કારર્કિદીની શરૂઆત કરી. 1975માં કૌશલ સ્વરાજ નામે ઍડ્વોકેટ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તેમના પતિ સ્વરાજ કૌશલ પણ રાજકારણમાં સક્રિય એવા ઍડ્વોકેટ છે અને તેઓ મિઝોરમ રાજ્યના રાજ્યપાલ હતા.
1970માં વિદ્યાર્થિની નેત્રી તરીકે તેમણે ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કામગીરી આરંભી. આ પગલા દ્વારા તેમણે રાજકારણમાં અને જાહેર જીવનમાં સક્રિય રસ લેવાનો શરૂ કર્યો. ઉત્તમ વક્તા હોવાને કારણે તેઓ સહેલાઈથી શ્રોતાઓને પ્રભાવિત કરી શકતાં હતાં. આથી 25 વર્ષની નાની વયે તેમણે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી અને ચૂંટાયાં. 1977થી 1982 અને 1987થી 1990 – એમ બે વાર તેઓ હરિયાણા વિધાનસભામાં ચૂંટાયાં. તે સાથે ત્યાંની દેવીલાલ સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી (1977–1979) બન્યાં. ભારતભરમાં સૌથી નાની વયનાં કૅબિનેટ મંત્રી તરીકે તેઓ અલગ તરી આવતાં હતાં. 1980માં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં. 1987માં ફરી તેઓ દેવીલાલની સરકારમાં શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બન્યાં. આ જ વર્ષોમાં સતત ત્રણ વાર તેઓ હરિયાણા વિધાનસભાના ઉત્તમ વક્તા તરીકે વરણી પામ્યાં. પછી ઉત્તરોત્તર ઉચ્ચ રાજકીય હોદ્દાઓ મેળવી તેઓ આગળ વધ્યાં.
સુષમા સ્વરાજ
1990માં રાજ્યસભાનાં સાંસદ બની તેઓ કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યાં. 1996ની 11મી લોકસભામાં તેઓ દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટાઈ સાંસદ બન્યાં, 1998માં પુન: તેઓ 12મી લોકસભામાં ચૂંટાયાં. તે વેળાના વાજપાઈ મંત્રીમંડળમાં માહિતી અને સંચાર મંત્રાલયનાં મંત્રી વરાયાં. તે પૂર્વે ઑક્ટોબર–ડિસેમ્બર 1998માં તેઓ દિલ્હીનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં. 1999માં કૉંગ્રેસ પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી સામે કર્ણાટક રાજ્યના બેલારી મતવિસ્તારમાંથી ઉમેદવારી કરી, તેમણે સોનિયા ગાંધીને ઉચ્ચકક્ષાની સ્પર્ધા પૂરી પાડી તેમના વિજયને મુશ્કેલ બનાવ્યો હતો.
2000માં ઉત્તરાખંડના અને 2006માં મધ્યપ્રદેશના સાંસદ તરીકે તેઓ રાજ્યસભામાં સક્રિય રહ્યાં. તે સમયે સોનિયા ગાંધીનું નામ ભારતનાં વડાંપ્રધાન તરીકે ચર્ચાતાં તેમણે આ સૂચનનો વિવિધ રીતે ભારે પ્રતિકાર કર્યો હતો.
આ હોદ્દાઓ ઉપરાંત તેઓ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય, પક્ષનાં અધ્યક્ષા અને મંત્રી તથા પક્ષનાં પ્રવક્તા એવા વિવિધ મહત્વના હોદ્દાઓ પર કાર્યરત રહ્યાં હોઈ તેના અગ્રિમ હરોળનાં નેત્રી તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ અન્ય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં પણ વિવિધ હોદ્દા ધરાવે છે. ભારતીય રાજકારણના અને ભારતીય જનતા પક્ષના તેઓ આશાસ્પદ મહિલા રાજકારણી હતા.
રક્ષા મ. વ્યાસ