સ્વરાજ આશ્રમ, બારડોલી : સ્વરાજની લડત સમયે સ્વાતંત્ર્ય-સેનાનીઓ ભેગા મળીને લડત વિશે વિચાર-વિમર્શ કરી શકે તે માટે બારડોલી (જિ. સૂરત) મુકામે સ્થાપવામાં આવેલો આશ્રમ. સ્વાતંત્ર્ય માટેની લાંબી લડતની અનેક ઘટનાઓ આ આશ્રમમાં બની હતી. આઝાદી માટેની લડતના અનેક નામાંકિત નેતાઓ આ આશ્રમમાં વત્તોઓછો સમય રોકાયેલા. આજે જ્યાં આશ્રમ છે ત્યાં 1923માં તેની સ્થાપના માટે બાર એકર જમીન લેવામાં આવી હતી ત્યાં આશ્રમ વિકસ્યો છે.

1921માં મહાત્મા ગાંધી પ્રથમ વાર ‘સવિનય કાનૂનભંગ’ માટે આવેલા. સવિનય કાનૂનભંગ માટેની પ્રથમ સભા બારડોલી આશ્રમમાં થયેલી. 1922માં પણ ગાંધીજીની અસહકારના આંદોલન માટેની સભા આ આશ્રમમાં થયેલી. 1925ના જાન્યુઆરીમાં દેશની આઝાદી માટે આશ્રમમાં મળેલી સભાને ગાંધીજીએ સંબોધી હતી. 1930માં દાંડી-સત્યાગ્રહ વખતે ગાંધીજી એવી પ્રતિજ્ઞા સાથે નીકળ્યા હતા કે સ્વરાજ નહિ મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ નહિ મૂકું. એ વખતે સ્વરાજ મળ્યું નહિ અને ગાંધીજી જેલમાંથી છૂટીને સેવાગ્રામ ગયા પણ સરદાર પટેલની વિનંતી સ્વીકારીને ગાંધીજીએ બારડોલીના આશ્રમમાં જવાનું સ્વીકાર્યું હતું. એ પ્રમાણે તેઓ 1931થી શરૂ કરીને 1942 સુધી આઠ વખત સત્યાગ્રહ આશ્રમમાં થોડો થોડો સમય રોકાયેલા.

1927માં સરકારે ખેડૂતો પરનું જમીન-મહેસૂલ વધાર્યું હતું. તેની સામેની ઐતિહાસિક લડત માટે સરદાર વલ્લભભાઈએ બારડોલીને કેન્દ્ર તરીકે પસંદ કર્યું હતું અને સ્વરાજ આશ્રમમાં રહીને લડતનું સંચાલન કર્યું હતું. ઐતિહાસિક નીવડેલી આ લડત પછી આઝાદી માટેની લડતની તૈયારીઓ માટે આશ્રમ પ્રવૃત્તિઓથી ધમધમતો રહ્યો. કૉંગ્રેસની ‘ઑલ ઇન્ડિયા વર્કિંગ કમિટી’ની એક બેઠક અહીં યોજાયેલી.

જે અનેક દેશનેતાઓ અને જાણીતા કાર્યકરો આ આશ્રમમાં રહેલા તેમની યાદી ઘણી લાંબી છે. કેટલાંક નામો નોંધીએ : સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, આચાર્ય કૃપાલાની, સ્વામી આનંદ, રવિશંકર મહારાજ, કનૈયાલાલ મુનશી, રાજાજી, મૌલાના આઝાદ, ખાન અબ્દુલ ગફારખાન, ઝવેરચંદ મેઘાણી, કાકાસાહેબ કાલેલકર, જુગતરામ દવે, ગણેશ વાસુદેવ માવળંકર વગેરે. 1947 પછી પણ સરદાર પટેલ એમને જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે બારડોલી આશ્રમમાં જઈને રહ્યા હતા.

સ્વરાજ આશ્રમના સંચાલન માટે એક ટ્રસ્ટીમંડળ રચવામાં આવેલું છે. મોરારજીભાઈ દેસાઈ પચાસ વર્ષ એના પ્રમુખ રહેલા અને ઉત્તમચંદ શાહ પચાસ વર્ષ તેના મંત્રી રહ્યા હતા. આજે આ આશ્રમ ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.

નિરંજના કલાર્થી