સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે : અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અને આપણું ભાવિ આપણા હાથે ઘડવાનો અધિકાર.
રાજકીય સ્વાતંત્ર્ય માટેની લડતના આરંભથી જ ભારતના નેતાઓ અને પ્રજા અંગ્રેજોના શાસનમાંથી મુક્તિને, રાજકીય આઝાદીને એક સાધન તરીકે જોતા હતા. ખાસ કરીને દેશની દારુણ ગરીબી માટે ભારતના રાષ્ટ્રવાદી વિચારકો અંગ્રેજ શાસનને જવાબદાર ગણતા હતા. અંગ્રેજોની ચૂસણનીતિએ દેશને ઉત્તરોત્તર વધુ ને વધુ ગરીબ બનાવ્યો છે તે વિશે ભારતના રાષ્ટ્રવાદી નેતાઓ અને અર્થશાસ્ત્રીઓમાં સર્વસંમતિ પ્રવર્તતી હતી. દાદાભાઈ નવરોજીથી શરૂ થયેલી આ વિચારધારા આઝાદી માટેની લાંબી લડત દરમિયાન અખંડ વહેતી રહી હતી. આના એક સૂચિતાર્થ તરીકે લડતના આરંભના તબક્કામાં ‘હોમરૂલ’(Home Rule)ની માગણી કરવામાં આવી હતી. એનો મતલબ એ હતો કે ઔપચારિક રીતે દેશ પર અંગ્રેજોનું શાસન તત્કાલીન કૅનેડા અને ઑસ્ટ્રેલિયાની જેમ ભલે ચાલુ રહે; પરંતુ દેશની પ્રજાના સર્વાંગી વિકાસ માટેની નીતિઓ ઘડવાની તેમજ તેનો અમલ કરવાની સ્વાયત્તતા ભારતની પ્રજાને મળવી જોઈએ. આ ‘હોમરૂલ’ માટેની માગણી સમય જતાં પૂર્ણ સ્વરાજ માટેની માગણીમાં પરિવર્તિત થઈ અને 1930થી આઝાદી માટેની લડત પૂર્ણ સ્વરાજ માટે જ લડાઈ.
ભારતના રાજકીય નેતાઓ રાજકીય આઝાદીને એક સાધન તરીકે જોતા હતા તેમાં પ્રજાના ઉત્કર્ષ કે વિકાસ વિશેની એક ચોક્કસ વિભાવના પણ પડેલી હતી. ભારતના નેતાઓ અને પ્રજા પાસે ભાવિ ભારત માટેનું એક રંગદર્શી ચિત્ર હતું. રાજકીય આઝાદી પછી દેશને કઈ દિશામાં લઈ જવો છે એની એક વૈચારિક સ્પષ્ટતા પણ તેમની પાસે હતી. એ વિચારધારા જગતના તત્કાલીન વિચારકોના પ્રભાવ નીચે વિકસી હતી. તેમાં સમાજવાદી વિચારકોનો પ્રભાવ ઘણો મોટો હતો. રશિયામાં સ્થપાયેલા સામ્યવાદી શાસને એ વિચારધારાને સમર્થન પૂરું પાડ્યું હતું. બીજી બાજુ, વીસમી સદીના પૂર્વાર્ધમાં થયેલાં બે વિશ્વયુદ્ધો અને 1929ની મંદીએ પ્રવર્તમાન મૂડીવાદી વ્યવસ્થા પરત્વે નફરતનો ભાવ કેળવ્યો હતો. મૂડીવાદી માર્ગે દેશની ગરીબીની સમસ્યા હલ નહિ થઈ શકે એ વિશે સર્વસંમતિ પ્રવર્તતી હતી.
ભારતના તત્કાલીન રાજકીય નેતાઓએ ભારતના જે ભાવિ સમાજની કલ્પના કરી હતી તે ગરીબી, અજ્ઞાન અને અનારોગ્યમુક્ત સમાજ હતો. 14મી ઑગસ્ટ 1947ના રોજ પંડિત નહેરુએ બંધારણ-સભામાં ‘વિધાતા સાથે મુલાકાત’ના શીર્ષક નીચે પ્રસિદ્ધ જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં તેમણે આ આકાંક્ષા વ્યક્ત કરતાં કહ્યું હતું : ‘ભારતની સેવા, એનો અર્થ ગરીબી અને અજ્ઞાન, રોગ(નો) તથા તકની અસમાનતાનો અંત. આપણી પેઢીના સૌથી મહાન માણસની મહત્વાકાંક્ષા દેશના દરેક નાગરિકની આંખમાંનું આંસુ લૂછવાની છે. એ આપણી પહોંચ બહારનું હોય, પણ એમનું દુ:ખ ચાલુ હોય ત્યાં સુધી આપણું કામ પૂરું નહિ થાય.’ ભારતના ભાવિ સમાજ વિશેના વ્યષ્ટિસમષ્ટિના માનસમાં રહેલા આદર્શોને દેશના રાજબંધારણમાં સુપેરે વ્યક્ત કરવામાં આવ્યા છે. અતિશયોક્તિનો ભય વહોરીને પણ એમ કહી શકાય કે દુનિયાના અન્ય દેશોમાં રાજકીય આઝાદી માટે જે લડતો ચાલી એમાં ભારતની જેમ કેવા સમાજ માટે આઝાદી જોઈએ છે તે વિશે ભારત જેવી વૈચારિક સ્પષ્ટતા પ્રવર્તતી નહોતી. તેથી જ આજે આઝાદીનાં 60 વર્ષો પછી પણ દેશમાં નિરક્ષરતા, અનારોગ્ય, કે કુપોષણ પ્રવર્તે છે તેને એક નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે.
આઝાદી માટેની લડતમાં ગાંધીજી સ્વરાજ વિશેનો પોતાનો આગવો ખ્યાલ લઈને પ્રવેશ્યા હતા. દક્ષિણ આફ્રિકાથી 1915માં તેઓ ભારત આવ્યા તે પૂર્વે તેમનું નાનકડું પુસ્તક ‘હિંદ સ્વરાજ’ પ્રગટ થઈ ચૂક્યું હતું. આઝાદીની લડત દરમિયાન તેમણે, અલબત્ત, એ સ્પષ્ટતા કરી જ હતી કે તેઓ તેમની કલ્પનાના સ્વરાજ માટેની લડત ચલાવી રહ્યા નથી; પરંતુ દેશમાં પ્રજાકીય શાસન માટે લડત ચલાવી રહ્યા છે. આ લડત માટે પણ તેઓ તેમના અહિંસાના આદર્શને વળગી રહ્યા હતા અને એ રીતે ‘હિંદ સ્વરાજ’માં તેમણે રજૂ કરેલા એક પાયાના વિચારનો અમલ કર્યો હતો.
ગાંધીજીને ‘હિંદ સ્વરાજ’માં સ્વરાજના ત્રણ અર્થો અભિપ્રેત છે. એક, અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અને દેશમાં પ્રજાતંત્રની સ્થાપના. બીજું, સ્વ-રાજ, વ્યક્તિનું પોતાનું પોતા પરનું રાજ્ય. આ સ્વરાજની સ્પષ્ટ વ્યાખ્યા તેમણે કરી ન હતી. એમણે માત્ર એટલું જ કહ્યું હતું કે એ સ્વરાજ વ્યક્તિગત રીતે મેળવવાનો પ્રયાસ હું કરી રહ્યો છું. ભારતનું ‘સ્વરાજ’ તેમણે એક ત્રીજા અર્થમાં પણ જોયું હતું. તેમણે જેને ‘આધુનિક સુધારો’ કહ્યો હતો, જેને આજે આપણે પશ્ચિમી કે ઔદ્યોગિક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેના વિકલ્પે ભારત તેની અહિંસક સંસ્કૃતિ વિકસાવે તેને ગાંધીજી સ્વરાજ સમજતા હતા. ભારત અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મેળવે તે તેમને મન સાચું સ્વરાજ નહોતું, ભારત ઇંગ્લૅન્ડ આદિ પશ્ચિમના દેશોમાં વિકસેલી હિંસક સંસ્કૃતિથી મુક્ત રહીને પોતાની આગવી અહિંસક સંસ્કૃતિ વિકસાવે તેને તેઓ સ્વરાજ સમજતા હતા.
ગાંધીજીને દેશના સ્વરાજમાં વ્યક્તિનું સ્વરાજ અભિપ્રેત હતું એ મુદ્દાનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે. અલબત્ત, તેમણે વ્યક્તિના સ્વ-રાજની સ્પષ્ટ વ્યાખ્યા કરી ન હતી, કેમ કે તેઓ પોતાના એ ખ્યાલને વિકસાવી રહ્યા હતા. દેશને પૂર્ણ સ્વરાજ ક્યારે મળ્યું ગણાય એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહેલું કે આ દેશના નાગરિકને જ્યારે એમ લાગે કે તે પોતાનું ભાવિ પોતે ઘડવાની શક્તિ ધરાવે છે ત્યારે. ગાંધીજીના સ્વાતંત્ર્યના આ ખ્યાલને આજે સશક્તીકરણ (empowerment) તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીને દેશમાં એવો સમાજ રચવાની ખેવના હતી, જેમાં દેશનો અદનો નાગરિક પણ આવું સામર્થ્ય (empowerment) ધરાવતો હોય, પોતાનું ભાવિ ઘડવા માટેનું આવું સ્વરાજ ભોગવતો હોય. આને એક અર્થમાં ‘શાસનમુક્તિ’ કહી શકાય. લોકો પોતાની મોટા ભાગની જરૂરિયાતો માટે રાજ્ય પર આધાર રાખવાને બદલે પોતાના ઉપક્રમથી રચાયેલી અને જેમાં પોતે સક્રિય હોય એવી સ્વાયત્ત સંસ્થાઓ પર આધાર રાખે તેમાં લોકોનું સાચું સ્વરાજ રહેલું છે. આજની બિનસરકારી સંસ્થાઓ (NGOs) કે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમના આદર્શ સ્વરૂપે આ દિશામાં લઈ જતો પ્રયાસ છે.
ભારતનો રાજકીય આઝાદી માટેનો ઇતિહાસ ‘સ્વરાજ’ શબ્દના જે અર્થોથી સભર છે તેને નજર સમક્ષ રાખતાં એમ કહી શકાય કે દેશને સાચું સ્વરાજ મળવાનું હજી બાકી છે. એ દિશામાં હજી પ્રજાએ લાંબી મજલ કાપવાની છે. આ મજલમાં રાજકીય આઝાદી પહેલો પડાવ છે, તે કોઈ અંતિમ પડાવ નથી.
રમેશ શાહ