સ્વરરજ્જુગંડિકા (Vocal cord nodule) : સ્વરપેટીમાં ધ્વનિ ઉત્પન્ન કરતાં સ્વરરજ્જુ પર પેશીની ગાંઠ થવી તે. સામાન્ય રીતે તે સ્વરરજ્જુના આગળના 2 ભાગમાં થાય છે. સ્વરરજ્જુનો આ ભાગ અવાજ ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ બળપૂર્વક સંકોચન પામે છે. તે ભાગમાં ગંડિકા થાય ત્યારે ગંડિકા સ્વરરજ્જુના સંકોચનમાં વિક્ષેપ કરે છે. સ્વરરજ્જુના સંકોચનથી ઝડપથી ઉદભવતા વાયુદબાણથી અવાજ ઉત્પન્ન થાય છે, જે ગંડિકાને કારણે વિષમ બને છે. તેથી વ્યક્તિનો અવાજ બેસી જાય છે; તેને બોલતી વખતે દુખાવો થાય છે. અવાજ તૂટે છે અને અવાજનો વિસ્તાર ઘટે છે. દર્દીને બોલતાં થાક લાગે છે. તે સ્ત્રીઓમાં વધુ થાય છે. ક્યારેક તે બંને બાજુ થાય તો તે બંને બાજુએ લગભગ સમાન સ્થળે થાય છે. સામાન્ય રીતે ખૂબ મોટેથી બોલવું, ચીસો પાડવી, ખૂબ ખાંસી ચડવી વગેરે કારણોસર આ તકલીફ થાય છે. શિક્ષકો, પાનો ચડાવનારા પ્રોત્સાહકો (cheer-leaders), ભાષણબાજો, અભિનેતાઓ, ગાયકો વગેરેને આ તકલીફ થવાની સંભાવના વધુ રહે છે. સામાન્ય રીતે 2 કે વધુ અઠવાડિયાં આ તકલીફ રહે તો નાક-કાન-ગળાના નિષ્ણાત ડૉક્ટરને મળવું જરૂરી ગણાય છે.

સારવારમાં ગળાને આરામ, વાક્પ્રશિક્ષણ (vocal training) અને વાકચિકિત્સા (speech therapy) ઉપયોગી રહે છે. ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તે એક સુરક્ષિત અને નાની શસ્ત્રક્રિયા છે; પરંતુ ધ્વનિ-વ્યાવસાયિકોએ તે અંગે સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જોઈએ એવું સૂચવાય છે. આ અંગેના શાસ્ત્રને વાકવિદ્યા (vocology) કહે છે. ઇન્ગો ટિટ્ઝે અવાજમાં ઐશ્વર્ય, સમૃદ્ધતા ઉમેરવાના વિજ્ઞાન અને અભ્યાસને ‘વાગ્વિદ્યા’ નામ આપ્યું હતું. તેમાં વાણી, ભાષા, ધ્વનિસર્જન વગેરેના શિક્ષણ-પ્રશિક્ષણને સમાવી લેવાય છે. સામાન્ય રીતે સ્વરરજ્જુગંડિકા કોઈ ખાસ શારીરિક હાનિ કરતી નથી; પરંતુ જેમના વ્યવસાયમાં અવાજ અને તેની ગુણવત્તાનું મહત્વ છે તેમને ઘણો માનસિક આઘાત આપે છે.

શિલીન નં. શુક્લ