સ્વયંસંચાલિત ચિત્રપ્રેષણ (Automatic Picture Transmission)

January, 2009

સ્વયંસંચાલિત ચિત્રપ્રેષણ (Automatic Picture Transmission) : ઉપગ્રહમાં રખાયેલ ઉપકરણો દ્વારા લેવાતાં, પૃથ્વીનાં અવલોકનોનાં ચિત્રોને ઉપગ્રહમાં જ રખાયેલ તંત્ર દ્વારા સંગૃહીત કરીને યોગ્ય સમયે યોગ્ય ભૂમિમથકો પર એકસાથે મોકલવાની પ્રણાલી.

પૃથ્વીની સપાટી પરનાં વાદળોનાં આવરણોના અભ્યાસ માટે છોડવામાં આવેલ TIROS (Television and Infrared Observation Satellite) શ્રેણીના ઉપગ્રહોમાંના, 1969માં મોકલાયેલ TIROS–8 ઉપગ્રહમાં આ પ્રણાલી સૌપ્રથમ વપરાઈ હતી. આ પછીનાં વર્ષોમાં ફોટોગ્રાફિક પદ્ધતિને બદલે ઇલેક્ટ્રૉનિક ઉપકરણો દ્વારા ચિત્રો મેળવવાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ સધાઈ અને CCD (Charge Coupled Devices) જેવાં કાર્યક્ષમ ચિત્રો લેવા માટેનાં ઉપકરણોનો ઘણો વિકાસ થયો. સાથે સાથે ડિજિટલ પ્રણાલીથી કમ્પ્યૂટરમાં ચિત્રોનો સંગ્રહ કરવાની પદ્ધતિ પણ વિકાસ પામી. આના પરિણામે ડિજિટલ સ્વરૂપમાં લેવાયેલ ચિત્રોનું યોગ્ય સમયે, યથાયોગ્ય ભૂમિકેન્દ્રો પર પ્રેષણ કરવાનું સરળ અને કાર્યક્ષમ બન્યું. આ પદ્ધતિ અપનાવવાથી માહિતી મોકલવાની કાર્યક્ષમતા અનેકગણી વધી ગઈ છે. ઉપરાંત ડિજિટલ સ્વરૂપમાં લેવાયેલ ચિત્રોને તેમની ક્ષતિઓ, કેટલીક વિશિષ્ટ તરકીબો (જે image processing techniques કહેવાય છે તે) વાપરીને, ઘણા અંશે નિવારીસુધારી પણ શકાય છે. આમ ઉપગ્રહો દ્વારા પૃથ્વીનાં તેમજ ખગોળીય પદાર્થોનાં સચિત્ર અવલોકનોના ક્ષેત્રે એક મોટી ક્રાંતિ સર્જાઈ છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ