સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines)

January, 2009

સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines) : બધાં કાર્યો આપમેળે થાય તેવી વ્યવસ્થા અને તેવી વ્યવસ્થાવાળાં યંત્રો. ઉત્પાદનક્ષેત્રે અનેકવિધ પ્રકારે પરિવર્તનો થયાં છે તેમાં સ્વયંસંચાલન એ મોટી બાબત છે. ઉત્પાદન-ક્ષેત્રે માત્ર મોટા જથ્થાના ઉત્પાદન(mass production)માં જ નહિ; પરંતુ નાના ઉત્પાદનમાં પણ સ્વયંસંચાલન એ એક મોટી ક્રાંતિ ગણાય છે. આવા પરિવર્તન માટે નીચેની બાબતો કારણભૂત છે :

(1) અમુક વસ્તુઓનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવું તે ખર્ચની દૃષ્ટિએ ઘણું આવકાર્ય છે; તેમ છતાં આજે ઉદ્યોગ/વ્યાપારમાં વસ્તુઓની વિવિધતાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે એટલે એક જ કે એક જ પ્રકારની વસ્તુની ખૂબ મોટી સંખ્યામાં માગ(demand)ની જગ્યાએ નવી નવી વસ્તુઓ જેમની પ્રમાણમાં ઓછી સંખ્યા હોય તેમની માગ વધતી જાય છે. આજે ગ્રાહકને લાંબા સમય સુધી એક જ પ્રકારની વસ્તુ મળતાં તે અબખે પડી જાય છે, અરુચિકર થઈ જાય છે. આ હકીકતના કારણે વસ્તુઓનું ઓછી સંખ્યા(small lot)માં ઉત્પાદન કરવાની અને તે પણ કરકસરયુક્ત (economical) રીતે કરવાની પરિસ્થિતિ ઉત્પાદનક્ષેત્રે થઈ છે. આનો અર્થ એ કે મોટા જથ્થાના ઉત્પાદનમાં સ્વયંસંચાલનનો ઉપયોગ કરી ઉત્પાદનખર્ચમાં ઘટાડાનો લાભ મળે છે તે લાભ નાના જથ્થા(small batch)ના ઉત્પાદનમાં પણ મળવો જોઈએ. 20મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્પાદન-ક્ષેત્રની ઇજનેરી માટે આ મોટો પડકાર હતો. મશીન-ટૂલ્સમાં CNC (Computerised Numerical Control) સિસ્ટમનો ક્રમશ: ઉપયોગ કરી આ પડકાર ઝિલાયો છે અને હજુ પણ તે દિશામાં પ્રગતિ ચાલુ જ છે.

(2) કરકસરયુક્ત ઉત્પાદન સાથે ઉત્પાદિત વસ્તુની પરિમાણીય ચોકસાઈ (dimensional accuracy) પણ જરૂરી છે.

(3) વસ્તુઓના ભાગોના ઉત્પાદનમાં પદાર્થખર્ચ(material cost)નો હિસ્સો એ કુલ ખર્ચમાં મહત્વનો ભાગ બની રહેતો હોઈ ત્રુટિવાળું ઉત્પાદન (defective production) ન થાય અને તેને લીધે પદાર્થ ખર્ચ વધે નહિ તે જોવું જરૂરી બને છે.

(4) ઉત્પાદન અને ડિઝાઇન-પ્રક્રિયા વચ્ચે વાતચીત અને વિચારની આપ-લે ત્વરિત હોવી જરૂરી છે, જેથી ડિઝાઇનમાં ફેરફાર હોય તો ઉત્પાદકને તુરત સૂચનાઓ મળી જાય અને ઉત્પાદનસ્તરે ડિઝાઇનને કારણે કોઈ મુશ્કેલી/પ્રશ્નો હોય તો તે પણ ડિઝાઇનખાતાને તુરત જણાવી શકાય. આમ થવાથી ઉત્પાદન-સમયમાં બચાવ થાય છે.

આવાં બધાં કારણોસર નવી ટૅક્નૉલૉજી અને ‘ઑપ્ટિમાઇઝેશન ટૅક્નૉલૉજી’નો વિકાસ થયો છે. ઑપ્ટિમાઇઝેશન ટૅક્નૉલૉજીમાં ઉત્પાદનસ્રોતોનો વ્યય ન થાય તેમજ ઉત્પાદન ઝડપી બને તે બાબત પર ધ્યાન અપાય છે.

ઉત્પાદનની રીતો : ઉત્પાદન-જથ્થાના સંદર્ભમાં ઉત્પાદન કરતા પ્લાન્ટો (કારખાનાંઓ) ત્રણ પ્રકારમાં મૂકી શકાય : (1) ‘જૉબ-પ્રૉડક્શન’ (job production); (2) ‘બૅચ-પ્રૉડક્શન’ (batch production); (3) ‘માસ-પ્રૉડક્શન’ (mass production). આ ત્રણ પ્રકારનાં ઉત્પાદન, ઉત્પાદિત વસ્તુની સંખ્યાના સંદર્ભમાં આકૃતિ 1માં દર્શાવ્યાં છે.

આકૃતિ 1

આકૃતિ 1માં સ્પષ્ટ છે કે ‘જૉબ’-ઉત્પાદન અમુક અંશે ‘બૅચ’-ઉત્પાદનમાં ભળી જાય છે અને તેવી રીતે ‘બૅચ’-ઉત્પાદન ‘માસ’-ઉત્પાદન સાથે ભળી જાય છે. ‘જૉબ’-ઉત્પાદનમાં જે તે વસ્તુની સંખ્યા ઓછી છે; પરંતુ વૈવિધ્ય વધારે છે જ્યારે ‘માસ’-ઉત્પાદન/જથ્થાબંધ ઉત્પાદનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉત્પાદન થાય છે; પરંતુ વસ્તુ વૈવિધ્ય નહિવત્ છે. ‘બૅચ’-ઉત્પાદન આ બંનેની વચ્ચે છે. તેમાં ‘જૉબ’ કરતાં વૈવિધ્ય વધુ અને ‘માસ’ કરતાં સંખ્યા ઓછી.

ઉત્પાદનની વિગતો ઉપરથી જાણી શકાયું છે કે ઉત્પન્ન થતા બધા ભાગો(parts)માંથી 75 %થી પણ વધુ ભાગો 50 નંગથી પણ ઓછી સંખ્યામાં એકીસાથે બનાવાતા હોય છે. આનો અર્થ એ થયો કે કુલ ઉત્પાદનમાં ‘જૉબ’ અને ‘બૅચ’ પ્રકારનાં ઉત્પાદન વિશેષ મહત્વનાં બની રહે છે; પરંતુ સામાન્ય, ચાલુ ઉત્પાદનરીતમાં જૉબ અને બૅચ-ઉત્પાદનની એ નબળાઈ છે કે તેમાં ઉત્પાદન કરતાં મશીનોનો સમયની દૃષ્ટિએ પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. બીજી રીતે કહેતાં અહીં મશીન વપરાશનો આંક (machine utilization factor) નીચો રહે છે. ‘લીડ ટાઇમ’ લાંબો રહે છે, ગુણવત્તા-ધોરણ જાળવવું ખર્ચાળ બને છે અને અપ્રત્યક્ષ ખર્ચાઓ (indirect costs) ઊંચા રહે છે. જૉબ અને બૅચ-ઉત્પાદનની આ ત્રુટિઓ છે.

આ ત્રુટિઓનો ઉકેલ જેમ ‘માસ’-ઉત્પાદનમાં સ્વયંસંચાલનનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડી ઊંચું ગુણવત્તા-ધોરણ મેળવવું તેમ જૉબ અને બૅચ પ્રકારના ઉત્પાદનમાં પણ મેળવવું. એન્જિનિયરિંગ ક્ષેત્રે વિકાસ અંગેનું બધું કામ આ બાબત પર જ કેન્દ્રિત થયું.

સ્વયંસંચાલન એ ઉત્ક્રાંતિકારી બાબત છે અને હકીકતે વર્ષોજૂની છે. ઔદ્યોગિક ક્રાંતિમાં માનવકાર્ય મશીન વડે થતું શરૂ થયું ત્યારથી જ મશીન દ્વારા સ્વયંસંચાલનનાં બીજ રોપાયાં છે. ઉત્પાદનચક્રનાં વિવિધ પાસાંમાં સ્વયંસંચાલન નીચે પ્રમાણે મેળવી શકાય :

(i) મશીન પર વપરાતાં ઓજારો (tools) કે દાગીના (job) પોતે માનવશક્તિ(manual power)ને બદલે યંત્રશક્તિથી સ્વયં ગતિ (ચાલ) મેળવે.

(ii) ઓજારોની ગોઠવણી, મશીન શરૂ-બંધ કરવાનું, દાગીનો મશીન ઉપરથી ઉતારવાનું (unloading), દાગીનાનાં પરિમાણોની ચકાસણી જેવાં બધાં કાર્યો મશીન-ચાલક દ્વારા ન થતાં મશીન દ્વારા જ સ્વયં રીતે થાય.

(iii) મશીન ઉપર દાગીનો સ્વયં રીતે મુકાય અને ગોઠવાય.

(iv) એક મશીન ઉપરથી બીજા મશીન ઉપર તે સ્વયં રીતે જાય. (automatic material handling).

જો ઉપરનાં (i)થી (iv) બધાં કાર્યો સ્વયં રીતે થાય તો પૂર્ણ સ્વયંસંચાલનની સ્થિતિ મેળવી શકાય. જેટલા પ્રમાણમાં ઉપર્યુક્ત કાર્યો સ્વયંસંચાલનની રીતે થાય તેટલા પ્રમાણમાં સ્વયંસંચાલન થયું ગણાય. હંમેશાં બધી જગ્યાએ બધી સ્થિતિમાં પૂર્ણ સ્વયંસંચાલન શક્ય હોતું નથી કે જરૂરી પણ હોતું નથી.

 સ્વયંસંચાલનની રીતો મિકેનિકલ, ઇલેક્ટ્રિક્લ, ઇલેક્ટ્રૉનિકલ, ‘ન્યૂમેટિક’ (વાતીય) કે તેમાંથી એકથી વધુના મિશ્રણ(combination)રૂપ હોઈ શકે. હાલ ઇલેક્ટ્રૉનિક્સનો બહોળો ઉપયોગ કરતી રીતોનો ઉપયોગ વધતો રહ્યો છે. સ્વયંસંચાલિત ઉત્પાદન એ નિશ્ચિત (fixed) પ્રકારનું (જેમાં ફેરફાર કરી શકાય નહિ અથવા તો કરવા અઘરા પડે એવું) કે ‘પ્રોગ્રામેબલ ઑટોમેશન’ હોય. ‘પ્રોગ્રામેબલ ઑટોમેશન’માં પ્રોગ્રામ દ્વારા મશીન પર કરવાનાં બધાં કાર્યોનો અનુક્રમ તેમજ દરેકને લાગતો સમય નક્કી થાય છે. પ્રોગ્રામ ઇલેક્ટ્રૉનિકલ ઉપકરણો અને કમ્પ્યૂટર દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રોગ્રામો સહેલાઈથી બદલી શકાય છે. નિશ્ચિત સ્વયંસંચાલન એ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કે ન્યૂમેટિક સાધનો/ઉપકરણોથી થાય છે અને તેને ‘Hard Automations’ કહેવાય છે; જ્યારે પ્રોગ્રામેબલ ઑટોમેશન એ ‘soft automation’ કહેવાય છે.

જે પ્રકારના ઉત્પાદનમાં મોટી સંખ્યામાં ઉત્પાદન (mass production) કરવાનું હોય, એક જ કે એક જ પ્રકારની વસ્તુ બનાવવાની હોય, વારંવાર ફેરફાર કરવાના થતા ન હોય તેવા ઉત્પાદનમાં ‘ફિક્સ્ડ ઑટોમેશન’ વપરાય છે. ‘ટ્રાન્સફર લાઇન’, ‘એસેમ્બ્લી લાઇન’, ‘ઑઇલ રિફાઇનરી’ વગેરે તેનાં ઉદાહરણો છે. ‘જૉબ’ કે ‘બૅચ’ પ્રકારનું ઉત્પાદન હોય, જ્યાં એક દાગીનામાંથી બીજા દાગીનાનું ઉત્પાદન તુરત કરવાનું થતું હોય તેવી સ્થિતિમાં ‘પ્રોગ્રામેબલ ઑટોમેશન’ વપરાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં મિકેનિકલ સિસ્ટમ વપરાઈ હોય તેનું ઉદાહરણ ‘કેમ કંટ્રોલ’ (cam control) છે; જ્યારે ઇલેક્ટ્રૉનિક સિસ્ટમ વપરાઈ હોય તેનું ઉદાહરણ ‘ન્યૂમેરિકલ કંટ્રોલ’ છે. નીચેની આકૃતિ 2માં સમયાંતરે મશીનોમાં સ્વયંસંચાલન કેવા પ્રકારનું વિકસ્યું તે દર્શાવ્યું છે.

આકૃતિ 2

NC અને CNC મશીનો : NC (Numerical Control) એ એક જાતનું ‘પ્રોગ્રામેબલ ઑટોમેશન’ છે, જેમાં અંકો–Numbersનો ઉપયોગ જે તે કાર્ય માટેના પ્રોગ્રામની સૂચનાઓ આપવામાં થાય છે. જ્યારે ‘જૉબ’ (દાગીનો) બદલાય ત્યારે પ્રોગ્રામની સૂચનાઓ પણ બદલાય. અહીં દાગીનો બદલાય ત્યારે પ્રોગ્રામ બદલાવવામાં જે સુવિધા અને ક્ષમતા (ease and capability to change) છે, તેને લીધે NCની રીત સમગ્ર ઉત્પાદનક્ષેત્રમાં બહુ જરૂરી છે. તે લવચીકપણું (flexibility) બક્ષે છે.

NC પદ્ધતિમાં જે મહત્વના ભાગો છે તે છે :

(1) સૂચના આપતો પ્રોગ્રામ, (2) માઇક્રો કમ્પ્યૂટર યુનિટ, (3) કમ્પ્યૂટર હાર્ડવેર સાથે વણાઈને કામ કરતી ‘સર્વો કંટ્રોલ સિસ્ટિમ’ અને (4) CN સિસ્ટિમને લીધે જેમાં સ્વયંસંચાલન મળે છે તે મશીનટૂલ.

આકૃતિ 3 : CNC મશીન

ધાતુના ભાગ બનાવતા ઉત્પાદનક્ષેત્રમાં NC પદ્ધતિએ મોટી ક્રાંતિ સર્જી અને તેની સફળતાથી NCના ક્ષેત્રમાં અનેકવિધ વિકાસ લાધ્યો.

મહત્વની વિકાસની બાબતો/ક્ષેત્રો તે : (1) ‘કમ્પ્યૂટરાઇઝ્ડ ન્યૂમેરિકલ કંટ્રોલ’ (CNC); (2) ‘ડાઇરેક્ટ ન્યૂમેરિકલ કંટ્રોલ’ (DNC); (3) ‘એડૉપ્ટિવ કંટ્રોલ’ (AC); (4) ‘ઇન્ડસ્ટ્રિયલ રોબૉટ્સ’.

NC પદ્ધતિમાં નીચેની બાબતોમાં ઘણો વિકાસ થયો છે :

(i) ‘ઇન્ટરફેઇસ કૅપેબિલિટી’; (ii) ‘પ્રોસેસિંગ કૅપેબેલિટી ઑવ્ ઇન્ટેલિજન્સ’; (iii) ‘મેમરી કૅપેબિલિટી’.

CNC અને DNCની સામાન્ય રચના (configuration) આકૃતિ 4 મુજબ છે.

આકૃતિ 4 : DNC

DNC પદ્ધતિમાં સેન્ટ્રલ કમ્પ્યૂટર દ્વારા સીધી કમ્યૂનિકેશન લાઇનો વડે મૅન્યુફૅક્ચરિંગ પ્રોગ્રામ સેટેલાઇટ મિની કમ્પ્યૂટરમાં જાય છે અને ત્યાંથી જે તે મશીનને મળે છે. ઑટોમોબાઇલ, સ્ટીલ-ઉદ્યોગ, વહાણ-ઉદ્યોગ, મશીનટૂલ-ઉદ્યોગ વગેરેમાં DNC મોટા પાયે વપરાય છે.

પરિવર્તનશીલ ઉત્પાદનપદ્ધતિ (Flexible Manufacturing System FMS) : નામ પ્રમાણે આ પદ્ધતિમાં ઉત્પાદનમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ઉત્પાદનક્ષેત્રની સૌથી મોટી જરૂરિયાત તે ‘જૉબ’ કે ‘બૅચ’ પ્રકારના ઉત્પાદનમાં પણ જથ્થાબંધ (mass) ઉત્પાદનના ફાયદાઓ મેળવવાની છે. એટલે કે ઉત્પાદનમાં દાગીનાઓનું કદ, સ્વરૂપ (form) કે સંખ્યામાં સહેલાઈથી (ખર્ચ વધાર્યા વગર તેમજ ગુણવત્તાનું ધોરણ જાળવી રાખીને) થઈ શકે તેવી ઉત્પાદનની પદ્ધતિ હોવી જોઈએ. આ પદ્ધતિમાં આ બધું શક્ય છે. ત્રણ બાબતોનો યોગ્ય સમન્વય કરીને FMS મેળવી શકાય છે. આ ત્રણ બાબતો નીચે મુજબ છે :

(1) સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવાં NC મશીનટૂલ્સ, ‘એસેમ્બલી’–મશીનો અને ચકાસણી/તપાસણી-સ્થળો (inspection stations); (2) વસ્તુના ભાગો અને ઓજારોને મૂકી રાખવાનાં સ્થળો (stores), તેમને લાવવા-લઈ જવાની તેમજ તેમની ગોઠવણીની પદ્ધતિઓ; (3) આ બધાં કાર્યોનું સંકેતન અને નિયમન કરે તેવી કમ્પ્યૂટર પદ્ધતિ.

આ બાબત આકૃતિ 5માં દર્શાવી છે.

પરિવર્તનશીલ ઉત્પાદનપદ્ધતિ(FMS)ના ફાયદા : (1) બજારની માગ પ્રમાણે, – નહિ કે માત્ર ઉત્પાદન ખાતાની અનુકૂળતા પ્રમાણે  ઉત્પાદન શક્ય બની શકે છે; (2) કોઈ વિશેષ રોકાણ (investment) કર્યા વગર બજારની જરૂરિયાત પ્રમાણે દાગીનાની ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય છે; (3) વપરાશી માલનો જથ્થો (inventory), કામ શરૂ કરવામાં લાગતો સમય (load time) અને ચાલુ કાર્યજથ્થો (work in progress) – એમ આ ત્રણેયમાં સંખ્યાત્મક ઘટાડો થાય છે જે ખર્ચ-ઘટાડામાં સારો ભાગ ભજવે છે. ‘જરૂરિયાત હોય ત્યારે જ આગમન’ Just In Time (JIT) પદ્ધતિ લાગુ પાડી શકાય છે.

આકૃતિ 5

FMSની સફળતાનો મુખ્ય આધાર સારી કમ્પ્યૂટર-નિયમનની પદ્ધતિ ઉપર છે. કમ્પ્યૂટર-નિયમનની પદ્ધતિમાં નીચેની બાબતો સમાવવામાં આવે છે : (1) NC પાર્ટ-પ્રોગ્રામ સંગ્રહ; (2) જુદાં જુદાં મશીનોને પાર્ટ-પ્રોગ્રામની વહેંચણી; (3) ઉત્પાદન-નિયમન; (4) ટ્રાફિક (વસ્તુઓની હેરફેર) નિયમન; (5) વસ્તુ-પરિવહન પદ્ધતિનું નિયમન; (6) ટૂલ-ઓજાર નિયમન; (7) સમગ્ર પદ્ધતિના કાર્યમાં ચેતવણી (monitoring) અને નોંધણી (reporting).

FMSની મોટી મર્યાદા એ છે કે તે માટે શરૂઆતમાં ખૂબ મોટું મૂડીરોકાણ કરવું પડે. આકૃતિ 6માં સ્વયંસંચાલનની જુદી જુદી રીતોમાં ખર્ચમાં કેવા ફેરફાર થાય છે તે દર્શાવ્યું છે.

આકૃતિ 6 : જુદા જુદા સ્વયંસંચાલનમાં બૅચસાઇઝ અને ખર્ચની સરખામણી

આકૃતિ 6માંથી સ્વયંસ્પષ્ટ છે કે નહિવત્ સ્વયંસંચાલન(manual operation)માં ‘બૅચસાઇઝ’ની અસર નહિવત્ છે. ‘હાર્ડ ઑટોમેશન’ બહુ મોટી ‘બૅચસાઇઝ’ હોય તો જ પસંદ કરાય, નહિતર દાગીના-દીઠ બહુ મોટું ખર્ચ થાય. જ્યારે ‘પ્રોગ્રામેબલ ઑટોમેશન’માં પ્રમાણમાં નાની બૅચ હોય તોપણ વાંધો નહિ.

જ્યારે બૅચસાઇઝ(અ)થી નાની હોય ત્યારે સાદાં મશીનો(નહિવત્ સ્વયંસંચાલન)થી ઉત્પાદન કરવું કરકસરભર્યું બનશે, જ્યારે (અ) અને (ક) વચ્ચેની સાઇઝનું હોય ત્યારે ‘પ્રોગ્રામેબલ ઑટોમેશન’ કરકસરભર્યું થશે અને જ્યારે (ક)થી પણ વધુ મોટી બૅચસાઇઝ હોય, એટલે કે બહુ મોટી બૅચસાઇઝ (મોટા જથ્થામાં ઉત્પાદન – ‘માસ’ ઉત્પાદન કરવાનું) હોય ત્યારે ‘હાર્ડ ઑટોમેશન’ પસંદ કરાય કારણ કે દાગીનાદીઠ ઉત્પાદનખર્ચ ઘણું ઓછું હોય છે.

ઔદ્યોગિક યંત્રમાનવો (Industrial Robots) : મશીનોમાં યંત્રમાનવનો ઉપયોગ એ મશીનોમાં સ્વયંસંચાલનની પરિસીમા છે. સ્વનિયમનની અન્ય રચનાઓ સાથે કમ્પ્યૂટરનો પૂરેપૂરો મેળ બેસાડવો એટલે મશીનોના સ્વયંસંચાલનમાં માનવયંત્ર(રોબૉટ)નો ઉપયોગ કરવો ગણી શકાય. પહેલી ઔદ્યોગિક ક્રાંતિએ માનવી પાસેથી મજૂરીકાર્ય (labour work) લઈને મશીનને સોંપ્યું અને આ યંત્રમાનવનો ઉપયોગ કરતી બીજી ક્રાંતિએ મનુષ્યનાં મગજ-બુદ્ધિનું કાર્ય પણ છીનવીને મશીનને આપી દીધું. (હવે જો હૃદય પણ છીનવાઈ જશે તો માનવી પાસે બાકી શું રહેશે ?)

અંગ્રેજી ભાષામાં શબ્દ ‘Robot’ એ કારેલ કેપેકના 1923ના નાટક ‘Rossums Universal Robots’ પરથી આવ્યો છે. ઝેક (Czech) દુનિયામાં ‘Robota’નો અર્થ થાય છે – ‘Forced-labour’. ઉપર્યુક્ત નાટકમાં ‘રોબૉટ્સ’ દુષ્ટ કાર્ય કરે છે – કંપનીના બધા માણસોને મારી નાખે છે અને કંપનીનો કબજો લઈ લે છે. અહીં ‘રોબૉટ’ એટલે હૃદયહીન માનવી તેવો ભાવાર્થ છે. યંત્રમાનવ (રોબૉટ) પણ માનવને માનવયંત્ર (યંત્ર જેવો માનવી) બનાવી ન દે તે જોવાનું રહે છે.

1954માં જ્યાર્જ ડેવોલે લેવા-મૂકવામાં વપરાય તેવું પ્રથમ ‘પ્રોગ્રામ્ડ’ સાધન (device) બનાવ્યું ત્યારથી ‘રૉબોટ’ની શરૂઆત થઈ તેમ ગણવામાં આવે છે. 1961માં જનરલ મોટર્સે’ 1968માં વૈજ્ઞાનિક સંશોધનસંસ્થા (SRI)એ, 1973માં સિનસિનાટીમાં – એમ ઉત્તરોત્તર રોબૉટનો વિકાસ થતો ગયો કે હવે તે અંગેની સ્વતંત્ર શાખા ‘રોબૉટિક્સ’ અસ્તિત્વમાં આવી છે. ઇજનેરી ક્ષેત્રે તે મહત્વની શાખા તરીકે ઊપસી રહી છે.

‘રોબૉટ’ની સર્વસ્વીકૃત વ્યાખ્યા છે : ‘રોબૉટ’ એ ફરી પ્રોગ્રામ કરી શકાય તેવું ‘reprogrammable’ અને બહુ કાર્ય કરી શકે તેવું (multi functional) સાધન (manupulator) છે. માનવશરીરમાં હાથ એ શ્રેષ્ઠ ‘મેનીપુલેટર’નું ઉદાહરણ છે, કારણ કે હાથ વડે અનેક પ્રકારનું હલનચલન કરી શકાય છે, એટલું જ નહિ; પરંતુ તેની આંગળીઓ વડે અનેક રીતે વસ્તુ પકડી શકાય છે. ઘણાખરા રોબૉટ માનવીના હાથ જેવું જ કામ કરે છે.

રોબૉટમાં જુદાં જુદાં અનેક પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરાય છે. તેનાં પ્રકારો અને કાર્યો પણ અનેકવિધ છે. આ કારણસર ‘રોબૉટ’ (યંત્રમાનવ) માત્ર ઉદ્યોગોમાં જ વપરાય છે તેવું નથી; પરંતુ જ્યાં પરિસ્થિતિ વિપરીત હોય, કંટાળાજનક હોય, ચોકસાઈની જરૂર હોય તેવાં ક્ષેત્રોમાં પણ તેની વપરાશ વધી રહી છે. તે સ્વયંસંચાલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, માટે એક વખત તેના કાર્યનો ‘પ્રોગ્રામ’ નક્કી થઈ ગયા પછી માનવીને તેના કામમાં જોવાનું રહેતું નથી.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ