સ્વયંવરમ્ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971. ભાષા : મલયાળમ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : ચિત્રલેખા ફિલ્મ કો-ઑપરેટિવ. દિગ્દર્શક, કથા-પટકથા : અદૂર ગોપાલકૃષ્ણન્. સંગીત : એમ. બી. શ્રીનિવાસન્. છબિકલા : એમ. સી. રવિ વર્મા. મુખ્ય કલાકારો : શારદા, મધુ, તિકુઋૃષિ, સુકુમારન્ નાયર, અદૂર ભવાની, ગોપી, લલિતા, વેણુકુટ્ટન નાયર, બી. કે. નાયર.
મલયાળમ ભાષામાં સમાંતર ચિત્રોનો પ્રારંભ ‘સ્વયંવરમ્’થી શરૂ થયો હોવાનું મનાય છે. દિગ્દર્શક અદૂર ગોપાલકૃષ્ણન્નું આ પ્રથમ ચિત્ર હતું. ‘સ્વયંવરમ્’ એટલે ‘પોતાની જાતે કરેલી પસંદગી’. જિંદગીમાં ઘણું એવું બનતું રહે છે જે માણસે પોતે પસંદ કરેલું હોતું નથી, પણ કેટલુંક એવું હોય છે, જે માણસે પસંદ કરેલું હોય છે. તેણે જે દિશા પસંદ કરી હોય છે, તેનાં ગમે તે પરિણામો આવી શકતાં હોય છે. પોતાનાં ચિત્રોમાં અદૂર ઘણા પ્રશ્નો અનુત્તર જ રાખી પ્રેક્ષકો પર જ છોડી દેવા માટે તેઓ જાણીતા છે. ‘સ્વયંવરમ્’ પણ આવું જ એક ચિત્ર છે. સાંજ પડ્યે એક નાના નગરમાં એક બસ પ્રવેશે છે. તેમાંના મુસાફરોમાં વિશ્વમ્ અને સીતા પણ છે. તેઓ જરા નોખાં દેખાય છે, કારણ કે તેઓ બંને ઘેરથી ભાગેલાં પ્રેમી છે. નવું શહેર અને નવી ચીજો જોઈને સીતા રોમાંચિત છે, પણ વિશ્વમ્ આવનારી જિંદગીની અનિશ્ચિતતાથી થોડો ચિંતિત છે. સમય વીતતો જાય છે. તેમની પાસે જે કંઈ હતું તે હવે ખર્ચાઈ ચૂક્યું છે. સીતાના દાગીના વેચાઈ ચૂક્યા છે. બંને પ્રેમીઓને હવે થોડી સસ્તી હોટલોમાં રોકાવું પડે છે. પછી એવા વિસ્તારમાં રહેવા જવું પડે છે, જ્યાં તેમણે હલકા લોકોની કામુક દૃષ્ટિનો શિકાર થવું પડે છે. અહીં આસપાસમાં તસ્કર, વેશ્યા તથા ચોખા વેચનારી સુંદરી જાનકીઅમ્મા જેવાં લોકો રહે છે. વિશ્વમ્ એક લેખક છે. તે પોતાની એક નવલકથા લઈને એક સામયિકના તંત્રી પાસે જાય છે. ત્યાં તેને મોટા મોટા લેખકોની મોટી મોટી વાતો સાંભળવા મળે છે તેને કારણે તેને પોતાની જાત મહત્વહીન લાગવા માંડે છે. તંત્રી પણ તેની નવલકથાને ‘અત્યંત ભાવુક’ કહીને સાભાર પરત કરે છે. હવે વિશ્વમ્ એક ખાનગી કૉલેજમાં વ્યાખ્યાતા બની જાય છે. કૉલેજનો પ્રાચાર્ય રંગીન મિજાજ ધરાવે છે. એક દિવસ તેની સાથે દારૂ પીને વિશ્વમને ઘેર આવે છે ત્યારે સીતા તેને કહે છે કે ઘરમાં ખાવાનું કશું નથી. સીતા રડવા માંડે છે. વિશ્વમને પસ્તાવો થાય છે. કૉલેજ આર્થિક કારણોસર બંધ થઈ જાય છે અને વિશ્વમ્ બેકાર બની જાય છે. સીતા સગર્ભા છે. જાનકીઅમ્માની મદદથી બાળકનો જન્મ થાય છે, પણ સીતા જુએ છે કે તેની બાજુની પથારી ખાલી છે. વિશ્વમ્ હવે આ દુનિયામાં નથી. હવે સીતા તથા બાળકનું શું થશે એ સહિતના પ્રશ્નોના કોઈની પાસે જવાબ નથી. આ ચલચિત્રને શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ છબિકલા અને શ્રેષ્ઠ અભિનેત્રીનાં રાષ્ટ્રીય પારિતોષિકો મળ્યાં હતાં.
હરસુખ થાનકી