સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity)
January, 2009
સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity) : પ્રતિરક્ષાતંત્રના વિકારને કારણે પોતાના કોષોનો નાશ કરવો તે. તેમાં પોતાના જ ઘટકોને, એટલે કે સ્વત્વ(self)ને પારખવાની અક્ષમતાને કારણે પોતાના જ કોષો સામે પ્રતિરક્ષાલક્ષી (immunologic) પ્રતિભાવ થાય છે અને તેમનો તે નાશ કરે છે. આમ તે પોતાની સામે જ પ્રતિરક્ષા (સ્વપ્રતિરક્ષા) કરે છે અને તેથી પોતાના જ કોષોનો નાશ થાય છે (સ્વકોષઘ્નતા). પોતાની જાતને ઉપાણ્વિક (submolecular) સ્તર સુધી પારખવાની અક્ષમતાથી તે ઉદભવે છે. તે કારણે ઉદભવતા રોગોને સ્વકોષઘ્ની રોગો (autoimmune diseases) કહે છે. સારણી 1માં તેમનાં નામ દર્શાવ્યાં છે. તેમાંથી કેટલાંકમાં Iથી IVમાંની કોઈક અતિપ્રતિગ્રાહ્ય પ્રતિક્રિયા (hypersensitivity reaction) થયેલી જોવા મળે છે તો કેટલાકમાં સ્વ-પ્રતિદ્રવ્યો (auto-antibodies) જોવા મળે છે. આ રોગોમાં સ્વકોષઘ્નતા ઉચ્ચકક્ષાની હોય છે; તેથી તે હાનિકારક છે. અલ્પકક્ષાની સ્વકોષઘ્નતા લાભકારક છે અને તે રક્ષણાત્મક છે. તેથી CD8+ T પ્રકારના લસિકાકોષો (lymphocytes) કૅન્સરના નવા બનતા કોષોને ઓળખી-પારખીને તેમનો નાશ કરી શકે છે તેને સ્વપ્રતિરક્ષા કહે છે.
કેટલાંક જનીનો આ પ્રકારના રોગ સાથે સંકળાયેલાં છે. તેમાં મુખ્ય 3 જનીનજૂથો હોય છે. પ્રતિરક્ષાગ્લોબ્યૂલિન (immunoglobulins), ટી-કોષ સ્વીકારકો (T-cell receptors) અને મહત્તમ પેશીસંગતતા સંકુલો (major histocompatibility complexes, MHC). પ્રથમ 2 જૂથો પ્રતિજનોની ઓળખ કરે છે. ત્રીજા જૂથમાં HLA DR2 (મધુપ્રમેહ–પ્રકાર I), HLA DR3 (જોગ્રેનનો રોગ, સ્નાયુદૌર્બલ્ય અતીવ – myasthenia gravis, વ્યાપક રક્તકોષભક્ષિતા – systemic lupus erythematosus or SLE – તથા મધુપ્રમેહ–પ્રકાર I) તથા HLA DR4 (આમવાતાભ સંધિશોથ rheumatoid arthritis, મધુપ્રમેહપ્રકાર I વગેરે) નામના માનવ શ્વેતકોષી પ્રતિજનો (human leucocyte antigenes, HLA) આવેલા છે. HLA B27 નામનો પ્રતિજન સ્તંભકારી સંધિશોથ (ankylosing arthritis) સાથે સંકળાયેલો છે.
સ્ત્રીઓમાં આ પ્રકારના રોગો વધુ થાય છે (અમેરિકામાં 79 %). સામાન્ય રીતે તે યૌવનારંભ (puberty) પછી તુરત થાય છે. આ રોગોનું પ્રમાણ જ્યાં ચેપી રોગોનું પ્રમાણ ઓછું હોય છે ત્યાં વધુ જોવા મળે છે. ક્યારેક તે ઔષધો તથા રસાયણો સાથેના સંસર્ગ કે તેમના સેવનથી પણ થાય છે.
સ્વકોષઘ્ની રોગો વ્યાપક અથવા બહુતંત્રીય (systemic) કે સ્થાનિક (અંત:સ્રાવીય, ત્વકીય, ચેતાકીય, રુધિરી વગેરે) એમ 2 પ્રકારના હોય છે. સ્થાનિક રોગમાં ફક્ત એક અવયવી તંત્ર અસરગ્રસ્ત થાય છે. પ્રથમ પ્રકારનાં ઉદાહરણો છે જોગ્રેનનું સંલક્ષણ, વ્યાપક રક્તકોષભક્ષિતા (SLE), આમવાતાભ સંધિશોથ (rheumatoid arthritis) વગેરે. બીજા પ્રકારનાં ઉદાહરણો છે મધુપ્રમેહ (પ્રકાર-1), પેમ્ફિગસ વલ્ગારિસ, રક્તકોષવિલયન (haemolysis) તથા વ્યાપક ચેતાતંતુકાઠિન્ય (multiple sclerosis) વગેરે.
નિદાન માટે આ પ્રકારનો રોગ હોવાની ઊંચી કક્ષાની શંકા, ઊંચો રક્તકોષઠારણ દર (erythrocyte sedimentation rate, ESR), સી–રિએક્ટિવ પ્રોટીનનું વધેલું દબાણ, વિવિધ પ્રકારનાં પ્રતિદ્રવ્યોની હાજરી તથા પેશીપરીક્ષણ (biopsy) વગેરે મહત્વનાં છે.
અંત:સ્રાવી વિકારો સિવાયના વિકારોમાં પ્રતિશોથકારી ઔષધો (anti-inflammatory drugs), કોર્ટિકોસ્ટીરૉઇડ અને પ્રતિરક્ષા-અવદાબકો (immuno suppressive) ઉપયોગી રહે છે. ક્યારેક નસ વાટે ઇમ્યુનોગ્લોબ્યૂલિન આપવાથી ફાયદો રહે છે. સામાન્ય રીતે આ ઔષધો રાહતદાયી સારવાર આપે છે; પરંતુ મૂળ રોગ મટતો નથી.
સારણી 1
ક્રમ | નામ | સ્વકોષઘ્ની | અતિપ્રતિગ્રાહ્યતા | સ્વકોષઘ્ની | |
Name | વિકાર તરીકે | (hyper- | પ્રતિદ્રવ્ય | ||
સ્વીકૃત/શક્ય | sensitivity) | (auto-antibody) | |||
1 | 2 | 3 | 4 | 5 | 6 |
1. | ઉગ્ર વ્યાપક મસ્તિષ્ક-મેરુમજ્જાશોથ | Acute disseminated encephalomyelitis (ADEM) | સ્વીકૃત | ||
2. | ઍડિસનનો રોગ | Addison’s disease | સ્વીકૃત | ||
3. | સ્તંભકારી સંધિશોથ | Ankylosing spondylitis | સ્વીકૃત | ||
4. | પ્રતિ ફૉસ્ફૉલિપિડ પ્રતિદ્રવ્ય સંલક્ષણ | Antiphospholipid antibody syndrome (APS) | સ્વીકૃત | ||
5. | સ્વકોષઘ્ની યકૃતશોથ | Autoimmune hepatitis | સ્વીકૃત | છે. | |
6. | મધુપ્રમેહપ્રકાર 1 | Diabetes mellitus type 1 | સ્વીકૃત | IV | |
7. | ગુડપાશ્ચરનું સંલક્ષણ | Goodpasture’s syndrome | સ્વીકૃત | II | છે. |
8. | ગ્રેવનો રોગ | Graves’ disease | સ્વીકૃત | II | |
9. | ગુલાં-બારે સંલક્ષણ | Guillain-Barre’ syndrome (GBS) | સ્વીકૃત | IV | છે. |
10. | હાશિમોટોનો રોગ | Hashimoto’s disease | સ્વીકૃત | IV | |
11. | પ્રતિરક્ષાલક્ષી ગંઠનકોષ-અલ્પતાજન્ય | immune thrombocytopenic purpura | સ્વીકૃત | II | |
રુધિરછાંટ | |||||
12. | રક્તકોષભક્ષિતા | Lupus erythematosus | સ્વીકૃત | III | |
13. | વ્યાપક ચેતાતંતુકાઠિન્ય | Multiple sclerosis | સ્વીકૃત | IV | છે. |
14. | સ્નાયુદૌર્બલ્ય અતીવ | Myasthenia gravis | સ્વીકૃત | II | |
15. | વ્યાપક ફોલ્લા વિકાર | Pemphigus Vulgaris | સ્વીકૃત | II | છે. |
16. | આમવાતાભ સંધિશોથ | Rheumatoid arthritis | સ્વીકૃત | III | છે. |
17. | જોગ્રેનનું સંલક્ષણ | Sjgren’s syndrome | સ્વીકૃત | ||
18. | ગંડપ્રદેશીય (મહાકોષી) ધમનીશોથ | Temporal giant cell arteritis | સ્વીકૃત | IV | |
19. | સ્વકોષઘ્ની રક્તકોષવિલયી પાંડુતા | Autoimmune hemolytic anaemia | સ્વીકૃત | II | |
20. | ફોલ્લાવિકારાભ ફોલ્લા | Bullous pemphigoid | સ્વીકૃત | II | છે |
21. | વાહિનીશોથ | Vasculitis | સ્વીકૃત | III | |
22. | સ્વકોષઘ્ની અંતષ્કર્ણ રોગ | Autoimmune inner ear disease | શક્ય | ||
23. | છાગસનો રોગ | Chagas disease | શક્ય | ||
24. | ત્વકસ્નાયુશોથ | Dermatomyositis | સ્વીકૃત | ||
25. | બહુસ્નાયુશોથ | Polymyositis | સ્વીકૃત | ||
26. | અન્યસ્થાની ગર્ભાશયાંત: કલા | Endometriosis | શક્ય | ||
27. | સપૂય પ્રસ્વેદગ્રંથિશોથ | Hidradenitis suppurativa | શક્ય | ||
28. | અંતરાલપેશીય મૂત્રાશયશોથ | Interstitial cystitis | શક્ય | ||
29. | ચિત્રાત્મક ત્વક્કાથિન્ય | Morphea | શક્ય | ||
30. | ત્વક્કાઠિન્ય | Scleroderma | શક્ય | છે. | |
31. | નિદ્રાપસ્માર | Narcolepsy | શક્ય | ||
32. | ચેતાસ્નાયુસજ્જતા | Neuromyotonia | શક્ય | ||
33. | પ્રાણઘાતક પાંડુતા | Pernicious anaemia | સ્વીકૃત | II | |
34. | પ્રારંભિક પિત્તનલિકાજન્ય યકૃત-તંતુકાઠિન્ય | Primary biliary cirrhosis | સ્વીકૃત | છે. | |
35. | દીર્ઘકાલી રોધજન્ય ફેફસીરોગ | Chronic obstructive pulmonary disease | શક્ય | ||
36. | સંગ્રહણી | Coeliac disease | સ્વીકૃત | IV | છે. |
37. | વેજનરની ચિરશોથગડતા | Wegener’s granulomatosis | સ્વીકૃત | છે. | |
38. | કોઢ | Vitiligo | શક્ય | ||
39. | મનોવિચ્છિન્નતા | Schizophrenia | શક્ય |
શિલીન નં. શુક્લ