સ્વત:દહન (spontaneous combustion) : પદાર્થનો મોટા જથ્થામાં સંગ્રહ કરવામાં આવે ત્યારે તેમાં થતા રાસાયણિક ફેરફારો કે ધીમા ઉપચયનને કારણે ઉત્પન્ન થતી ગરમી અંદર જ રોકાઈ જવાથી પદાર્થનું સળગી ઊઠવું. સામાન્ય રીતે કોલસાના કે તૈલી ચીંથરાના ઢગલા, ઘાસની ગંજી વગેરેમાં સ્વત:દહન ઝડપથી થાય છે. આ ઘટનામાં સંગ્રહ દરમિયાન પદાર્થમાં ઉત્પન્ન થતી ગરમી વિખેરાઈ ન જવાથી પદાર્થનું તાપમાન વધતું જાય છે અને તે જ્વલન (kindling)-બિંદુએ પહોંચતાં પદાર્થમાં આગ ફાટી નીકળે છે. સ્વત:દહન ઓરડાના સામાન્ય અથવા તેથી નીચેના તાપમાને પણ સંભવી શકે છે. ફૉસ્ફરસ જેવા પદાર્થો ઉપચયન પ્રત્યે બહુ સંવેદી હોઈ તેમને હવામાં ખુલ્લા રાખતાં જ તે સળગી ઊઠે છે. આથી તેમને પાણી હેઠળ રાખવામાં આવે છે. કોલસાના ઢગલામાં થતા ધીમા ઉપચયનથી ઉદભવતી ગરમીને કારણે અંદરની હવા ગરમ થાય છે. આને લીધે ઉપચયન-પ્રવિધિ વધુ ઝડપી બને છે અને અંતે તાપમાન પ્રજ્વલન(ignition)-બિંદુએ પહોંચતાં આગ લાગે છે. છાણિયું ખાતર (જૈવ-ખાતર, compost), વાહિતમલ આપંક (sewage sludge) જેવા પદાર્થોમાં જીવાણ્વિક (bacterial) સક્રિયતાને કારણે ભીના કાગળ, રૂ, ઊન જેવા પદાર્થોમાં ભેજ દ્વારા ઉદ્દીપિત ઉપચયનને કારણે ગરમી વધી જવાથી તેઓ સળગી ઊઠે છે. માછલીના તેલ કે અળસીના તેલ જેવા પદાર્થોમાં સ્વયં ઉપચયન (auto oxidation) થવાથી આંતરિક ઉષ્મા એકત્રિત થાય છે જે આગમાં પરિણમે છે.
કેટલાંક વિશિષ્ટ ઇંધનો અને ઉપચયનકારકો વચ્ચે અલગ પ્રકારનું સ્વત:દહન થાય છે. ઇંધન અને ઉપચાયક (oxidizer) વચ્ચે સંપર્ક થતાં તે સ્વત: પ્રજ્વલિત થાય છે. તેમને હાઇપરગોલિક (hypergolic) કહેવામાં આવે છે. આવા પદાર્થો રૉકેટ-નોદન(rocket propulsion)માં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવાય છે. અન્ય અકળ (exotic) પદાર્થો હવાથી પ્રભાવિત થઈ આપોઆપ સળગી ઊઠે છે. કાર્બ-ધાત્વિક (organometallic) સંયોજનો આવા પદાર્થો છે જેમાં ટ્રાઇઇથાઇલ ઍલ્યુમિનિયમ, ડાઇમિથાઇલ ઝિંક જેવાનો સમાવેશ થાય છે. તેમને જ્વલનશીલ પ્રકૃતિવાળા (pyrophoric in nature) પદાર્થો કહે છે.
સ્વત:દહન એ ઘરમાં તેમજ વ્યવસાયના સ્થળે સુરક્ષા અંગે જોખમ ઊભું કરે છે; દા. ત., કેટલાક તેલ, રંગકો કે ફર્નિચરની પૉલિશ જેવા બાષ્પશીલ પદાર્થો વડે સંસેચિત (impregnated) ચીંથરાંનો નાશ કરવામાં ન આવે કે ધોવામાં ન આવે અથવા ચુસ્ત ઢાંકણવાળા ધાતુના પાત્રમાં રાખવામાં ન આવે તો તેઓ આવું જોખમ ઊભું કરી શકે છે. કોઠારમાં સંઘરવામાં આવેલું સૂકું ઘાસ પણ સંપૂર્ણપણે શુષ્ક હોવું જોઈએ, કારણ કે આર્દ્ર ઘાસમાં સૂક્ષ્મ જીવો દ્વારા ઉપચયન થવાથી તેનું તાપમાન વધતાં આગ લાગવાનો સંભવ રહે છે. ફસલને પણ સામાન્ય રીતે સંગ્રહ કરવા અગાઉ અથવા તે દરમિયાન હવાના બળપ્રેરિત (forced) પરિવહન વડે શુષ્ક બનાવવાથી ઉત્સેચન/આથવણ (fermentation) ક્રિયા અટકી જાય છે અને સ્વત:દહન થતું નથી.
પ્ર. બે. પટેલ