સ્વત:વાદ (automatism) : કલામાં પ્રચલિત એક વિચારધારા. આન્દ્રે બ્રેતોં(Andre Breton)એ 1924માં અતિવાસ્તવવાદ–અતિયથાર્થવાદ કે પરાવાસ્તવવાદ(surrealism)ના પ્રચારાર્થે પોતાનું જાહેરનામું બહાર પાડ્યું. આ વિચારધારાની અંતર્ગત સ્વત:વાદ (automatism) વિચારપ્રણાલીને પુષ્ટિ મળી. ‘દાદાવાદ’ના મૃત્યુ પછી આ વાદને અનુસરવાનું કેટલાક કલાકારોએ યથાર્થ માન્યું. ‘દાદાવાદ’માં જે ભંજકવૃત્તિવાળા વિચાર હતા તથા ચીલાચાલુ કલાપ્રણાલીનો નિષેધ કરવો તેવી વૃત્તિ હતી.  પરાવાસ્તવવાદમાં બુદ્ધિવાદને નકારવામાં આવ્યો. રહસ્યવાદને પોષવામાં આવ્યો. અતર્કનો ઉપયોગ વધ્યો અને અચેતન મનની ભૂમિકાનો સ્વીકાર થયો. નિયંત્રણ વિનાનો મનોવ્યાપાર વધ્યો, તેને તાદૃશ કરવાની મનોવૃત્તિને વેગ મળ્યો. સ્વપ્ન જેવી પરિસ્થિતિને સાકાર કરવાનો સ્વીકાર થયો. આ વાદના અનુસંધાનમાં બ્રેતોંએ 1930–1934માં વિગતાલેખન કરી, એક વિશિષ્ટ કલાકાર વર્ગ ઊભો કર્યો, જેમાં સાલ્વાડોર ડાલી (Dali), જ્હૉન મિરો (Miro), માસ્સો આન્દ્રે (Andre), મૅક્સ અર્ન્સ્ટ (Ernst) જેવાઓનો ઉલ્લેખ કરવો રહ્યો.

સ્વત:વાદમાં અર્થહીન આલેખન જોવા મળે. આંખ બંધ કરી, આંતરમન જેમ દોરવણી આપે તેમ કરતા રહેવાનું હોય. ઘણીયે વખત અવાસ્તવિક કલ્પનો ચાલી આવે તો તેનો સ્વીકાર થયેલો જોવા મળે. જાગ્રત મનના બંધન વિના યથેચ્છ કલાવિહાર તેમની પ્રણાલિકા રહી. આંતરમનના ધબકારા ઝીલવા અને પ્રતિધ્વનિત કરવા તેમનો મુખ્ય હેતુ હતો. કલાકારને પોતાના મનમાં ઊભા થતા ‘કૌતુકો’ને વિસ્મયપ્રેરક બનાવી રજૂ કરવામાં પણ એક કલ્પિત કથા (fantacy) બની રહી. આગળ જતાં આ ‘વાદ’ અમૂર્તવાદ(abstract)માં પરિણમ્યો એમ કહીએ તો એ હકીકત છે.

આવા ચિત્રકારોની સાથે આલ્બર્તો જિયોકોમેતિ (Alberto Giacometti) તથા જ્યાં આર્પ (Jean Arp) જેવા શિલ્પકારોએ પોતાની શૈલી બદલી સ્વત:વાદને અનુસરવા લાગ્યા. ચીલાચાલુ અભિવ્યક્તિની શૈલીથી મુક્ત થઈ અનિયંત્રિત મનોવ્યાપારને પ્રોત્સાહન આપ્યું. આલ્બર્તોનું ‘સ્પૂન વુમન’ તથા ‘ઇન્વિઝિબલ ઑબ્જેક્સ’ તથા જ્યાં આર્પનું ‘હ્યૂમન લ્યૂનર સ્પેક્ટલ’ મુક્ત મનોવ્યાપારના નમૂના જેવા છે.

ચિત્રકારોમાં સાલ્વાડોર ડાલીનું ચિત્ર ‘ધ પરસિસ્ટન્સ ઑવ્ મેમરી’માં ઝાડની ડાળી પર સૂકવેલું ઘડિયાળ તથા ટેબલ પર કપડાંની જેમ વાળેલાં ઘડિયાળ જરૂર વિસ્મય ઉપજાવે ! જૉન મિચેનું ‘ધ પોએટ્સ’, માસ્સો આન્દ્રેનું ‘બેટલ ઑવ્ ફિશીસ’, મૅક્સ અર્ન્સ્ટનું ‘ધી હોર્ડ’ ભયંકર કલ્પિત ભૂતોનું સંયોજન છે.

ચિત્રો અને શિલ્પો ઉપરાંત આ અંગે સામયિકો જેમાં વિચારકોના લેખ છપાવા માંડેલા તે ‘લા રેવલ્યૂશન સરરિયાલિસ્ટ’ સૌપ્રથમ 1924માં પૅરિસથી નીકળ્યું. તેમાં અર્ન્સ્ટ, પિકાસો અને માસોંના લેખો આવતા. બ્રેંતો તેના પ્રણેતા હતા. આ પ્રવૃત્તિ 1930 સુધીમાં તો અમેરિકા, જાપાન, સ્કેન્ડિનેવિયા જેવા દેશો સુધી પહોંચી ગયેલી. ફ્રાન્સ તો કેન્દ્રસ્થાને હતું જ. મુખ્યત: આ કલાપ્રવૃત્તિ કૌતુકવાદી, અપાર્થિવ હતી અને તેથી રૂઢિવાદીઓ માટે આઘાતજનક હતી. અમેરિકન કલાકારોએ તેને અનિયંત્રિત સ્વતંત્રતા બક્ષી. આ ‘વાદ’ને અનુસરતાં બે ચલચિત્રો ‘અન-શિએન-આંદાલોઉ’ (Un Chien Andalou) તથા ‘લ એજ દ ઓર’(L’ Age d’ or)નો ઉલ્લેખ કરવા જેવો છે. તાદૃશ હોવાને કારણે સ્વત:વાદી સાહિત્ય કરતાં કલા વધુ લોકભોગ્ય બની.

કનુ નાયક