સ્વચ્છાવ્રણ (corneal ulcer) : આંખની કીકીના પારદર્શક આવરણ-(સ્વચ્છા, cornea)માં ચાંદું પડવું તે. બે પોપચાં વચ્ચેની ફાડમાં દેખાતા આંખના ડોળાના સફેદ મધ્ય ભાગમાં શ્યામ, માંજરી કે અન્ય રંગછાંયવાળી કીકી આવેલી છે. તેના પર એક પારદર્શક બહિર્ગોળ આવરણ હોય છે તેને સ્વચ્છા કહે છે. સ્વચ્છાની પાછળ આંખમાંનો અગ્રસ્થ ખંડ હોય છે, જેની પાછળ કનિનિકાપટલ (iris) અને તેની વચ્ચેનું છિદ્ર કનિનિકા (pupil) હોય છે. સ્વચ્છાની બહારની
સ્વચ્છાવ્રણ : (1) કનિનિકા (pupil), (2) સ્વચ્છા (cornea), (3) અગ્રખંડ, (4) કનિનિકા પટલ (iris), (5) પશ્ચસ્થખંડ, (6) દૃષ્ટિપટલ, (7) કોરોઇડ, (8) સ્ક્લેરા, (9) દૃષ્ટિચકતી, (10) દૃષ્ટિચેતા, (11) કીકી–સ્વચ્છામાંથી દેખાતી કનિનિકા અને કનિનિકાપટલ.
બહિર્ગોળ સપાટી પર અધિચ્છદ(epithelium)નું પડ આવેલું હોય છે. જ્યારે તેમાં છેદ ઉદભવે ત્યારે તેને સ્વચ્છા પરનું ચાંદું અથવા સ્વચ્છાવ્રણ કહે છે. તેને વ્રણકારી સ્વચ્છાશોથ (ulcerative keratitis) પણ કહે છે. તેમાં ચેપ લાગે તો તે વધુ તીવ્ર વિકાર બને છે. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશો, કૃષિપ્રધાન અને વિકાસશીલ સમાજમાં વધુ જોવા મળે છે. તેને કારણે કુટુંબ તથા સમાજને ઘણું આર્થિક નુકસાન પણ થાય છે. વિટામિન–એની ઊણપવાળાં બાળકોમાં તેની વધુ સંભાવના રહે છે, જેને કારણે બંને આંખોમાં અંધાપો થવાનો ભય રહે છે. તે ક્યારેક આજીવન હોય છે. સ્વચ્છામાં લોહીની નસો, રંગદ્રવ્યો કે શૃંગિન (keratin) હોતાં નથી તેથી તેમાંથી 99 % પ્રકાશ પસાર થઈ જાય છે. સ્વચ્છામાં પડેલું ચાંદું જો સપાટીગત હોય તો સ્થાનિક કોષોના કોષદ્વિભાજન (mitosis) વડે રુઝાય છે; પરંતુ જો તે ઊંડું હોય તો તેના રુઝાવા માટે લોહીની નસો દ્વારા આવતા શોથપરક કોષો(inflammatory cells)ની જરૂર પડે છે. તે રુઝાવા માંડે ત્યારે તેમાં શ્વેતકોષો અને તંતુબીજકોષો (fibroblasts) દાણાદાર પેશી (granulation tissue) બનાવે છે, જે ક્ષતપૂરક પેશી અથવા રૂઝ પેશી (scar tissue) બનીને ચાંદાને રુઝવે છે.
વનસ્પતિજન્ય પદાર્થથી થતી ઈજા, રસાયણ વડે દાહ કે સ્પર્શ-સુદર્શક (contact lens) કે ચેપ(infection)ને કારણે સ્વચ્છા પર ચાંદું પડે છે. ક્યારેક અંદર તરફ વળતા પાંપણના વાળ (અંતર્વર્તી પલકકેશિતા, entroprion), સ્વચ્છા-દુષ્પોષી ક્ષીણતા (corneal dystrophy), સ્વચ્છા-નેત્રકલારુક્ષતા (keratoconjunctival sicca), દ્વિપંક્તિ (દ્વિપંક્તિતા) પલકકેશિતા (distichia) વગેરે સ્વચ્છાના કે પાંપણના વાળની વિષમતા અને વિકારોમાં સ્વચ્છા પર ચાંદું પડે છે. સ્વચ્છા-નેત્રકલારુક્ષતામાં આંખ સૂકી થઈ જાય છે. દ્વિપંક્તિ પલકકેશિતાના વિકારમાં પાંપણના વાળની 2 હાર હોય છે. જીવાણુઓ, ફૂગ, વિષાણુઓ, પ્રોટોઝુઆ, ક્લેમામડિયા વગેરે સૂક્ષ્મજીવોથી થતા ચેપમાં સ્વચ્છા પર ચાંદું પડે છે. સ્વચ્છાવ્રણ કરનારા પ્રમુખ જીવાણુઓમાં સ્ટેફાયલોકોકસ ઓરિયસ, સ્ટ્રેપ્ટોકોકસ વિરિડાન્સ, ઇ. કોલી, એન્ટેરોકોકાઇ, સ્યૂડોમૉનાસ, નોકાર્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. ફૂગજન્ય ચાંદું ઊંડું અને વધુ તીવ્રતાવાળું હોય છે. એસ્પિરજીલસ, ફ્યૂઝેરિયમ, કૅન્ડિડા તથા રાઇઝોપસ, મ્યૂકોર વગેરે પ્રકારની ફૂગ આવો ચેપ કરે છે. તેમનાથી થતો વિકાર ધીમે ધીમે શરૂ થઈને ધીમે ધીમે વધે છે; જેમાં તકલીફો અનુભવાય તેના કરતાં વધુ ચિહનો જોવા મળે છે. તેમાં નાનાં દૂરોપસ્થ વ્રણ (satellite ulcer) પણ થાય છે, જેઓ મૂળ ચાંદાથી સહેજ દૂર અને નાનાં હોય છે. આંખના અગ્રસ્થ ખંડ(anterior chamber)માં નીચે પરુ ભરાય છે. તેને અધ:પૂયતા (hypopyon) કહે છે. પ્રવિસ્તરી સરલક (herpes simplex), પ્રવિસ્તરી શૃંખલક (herpes zoster), ગ્રંથિકવિષાણુ (adenovirus), મુકુટવિષાણુ (coronavirus) વગેરે વિષાણુઓનો ચેપ સ્વચ્છા પર ચાંદું કરે છે. પ્રવિસ્તારી (herpes) વિષાણુથી થતું ચાંદું વારંવાર થાય છે. ક્યારેક સ્પર્શ-સુદર્શક (contact lens) પહેરનારાને તરણકુંડ(swimming pool)માંથી પ્રોટૉઝુઆ સૂક્ષ્મજીવોનો ચેપ લાગે છે. નેત્રખીલ(trachoma)ને કારણે પણ ક્યારેક સ્વચ્છાવ્રણ થાય છે.
સપાટીગત ચાંદામાં ફક્ત અધિચ્છદ (epithelium) નામના બહારની સપાટી પરના સૌથી ઉપરના સ્તરમાં છેદ હોય છે, જ્યારે ઊંડા ચાંદામાં સ્વચ્છાની સંજાલપેશી (stroma) પણ અસરગ્રસ્ત થાય છે. તે સમયે સ્વચ્છાના સૌથી અંદરના પડ અંતશ્ચછદ-(endothelium)ના અધસ્તલ(basement membrane)ના સ્થાનથી સરકીને કોષ્ઠ બનાવે છે. તેને અધસ્તરીયકોષ્ઠ (descemetocoele) કહે છે. ઊંડા ચાંદામાં ક્યારેક આરપાર છિદ્ર પડે અથવા તે રુઝાય ત્યારે અપારદર્શક તંતુમય પેશીવાળી રૂઝપેશી (scar tissue) બને છે.
ઈજા, નેત્રશુષ્કતા(dry eye)ના વિકારમાં, બહાર ઊપસી આવતા આંખના ડોળાના બહિર્નેત્રતા (exophthalmos) નામના વિકારમાં તથા ચહેરાના સ્નાયુના લકવાના વિકારમાં સ્વચ્છાના બહિર્ગોળની મધ્યમાં ચાંદું પડે છે. અંદર તરફ વળેલી પાંપણવાળો વિકાર અંતર્વર્તી પલકકેશિતા (entropion), સૂકી આંખનો વિકાર તીવ્ર નેત્રશુષ્કતા, પાંપણના વાળની 2 હરોળનો વિકાર દ્વિપંક્તિ (દ્વિપંક્તિતા) પલકકેશિતા (distichia) વગેરે વિકારોમાં સ્વચ્છાના પરિઘ પાસે ચાંદું પડે છે. પ્રતિરક્ષા (immunity) સાથે સંકળાયેલા રોગો આમવાતાભ સંધિશોથ (rheumatoid arthritis), બહુતંત્રીય તંતુકાઠિન્ય (systemic sclerosis) વગેરે રોગોમાં સ્વચ્છાની કિનારી પર ચાંદું પડે છે. તેમાં સ્વચ્છાની કિનારી પર ગોળ ફરતું અને લટકતી કિનારીવાળું પરિધારિકાવ્રણ (circumferential ulcer) અથવા મુરેનનું ચાંદું પડે છે.
સ્વચ્છાના ચાંદાંમાં ચેતાતંતુઓ ખુલ્લા થઈ જતા હોવાથી પુષ્કળ દુખાવો થાય છે, પુષ્કળ આંસુ પડે છે, આંખ ત્રાંસી થાય છે અને દેખાવાનું ઘટે છે. આંખ લાલ થાય છે. અગ્રસ્થ ખંડમાંના પ્રવાહીમાં પ્રોટીન જમા થાય છે અને કનિનિકા સાંકડી થાય છે.
ફાડદીવા(split lamp)ની મદદથી તપાસ કરતાં સ્વચ્છા પર ચાંદું હોવાનું નિદાન કરી શકાય છે. ફ્લોરેસિન રેઝિન વડે તેને અભિરંજિત (staining) કરતાં લીલા રંગનો વિસ્તાર જોવા મળે છે, જે અધિચ્છદમાં ચાંદાનો કેટલો વિસ્તાર થયેલો છે તે દર્શાવે છે. જો દર્દીને અંતસ્તલીય કલા(descemet’s basement membrane)માં કોષ્ઠ થઈ હોય તો તે ઊપસી આવે છે, જે લીલી કિનારીવાળો ગાઢો વિસ્તાર હોય એવું દેખાય છે. ચાંદા પરની પેશીને સહેજ ખોતરીને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં અને તેનું સૂક્ષ્મજૈવિક (microbial) પરીક્ષણ કરતાં કયા પ્રકારના જીવાણુ કે ફૂગથી તે થયું છે તે જાણી શકાય છે.
સારવારમાં જે તે સૂક્ષ્મજીવ સામે સક્રિય પ્રતિજૈવ (antibiotic) ઔષધ અપાય છે. તે માટે સ્થાનિક તેમજ જરૂર પડ્યે મોં, નસ વગેરે અન્ય માર્ગે ઔષધો અપાય છે. વિસ્તારી વિષાણુ(herpes virus)ના ચેપમાં એસાઇક્લોપિરનો તૈલ મલમ વપરાય છે તથા તેને મુખમાર્ગે કે નસમાર્ગે અપાય છે. કનિનિકાને પહોળી રાખવા માટે એટ્રોપિનનો મલમ વપરાય છે. સપાટીગત ચાંદું અઠવાડિયામાં રુઝાય છે. ઊંડા ચાંદા માટે કે અધસ્તલીય કોષ(descemetocoele)ની સારવારમાં નેત્રકલાનિરોપ (conjunctival transplant), મૃદુ સ્પર્શ-સુદર્શક (soft contact lens) તથા જરૂર પડ્યે સ્વચ્છાનિરોપ (corneal graft) વડે સારવાર અપાય છે. નિરોપની સારવારમાં જે તે પેશીનું પ્રત્યારોપણ (transplantation) થાય છે. મૃદુ કોન્ટેક્ટ લેન્સ(સ્પર્શ-સુદર્શક)ને આંખની કીકી પર મૂકીને પહેરવામાં આવે છે. તે એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ બનાવે છે. આ સાથે યોગ્ય પોષણ, પ્રોટીન અને વિટામિન–સીવાળો આહાર અપાય છે. વિટામિન–એની ઊણપ હોય તો સ્વચ્છા મૃદુલ (પોચી) થાય છે. તેને સ્વચ્છામૃદુલતા (keratomalacia) કહે છે. તેમાં પણ ક્યારેક ચાંદું પડે છે. તેમાં ચાંદાની સારવાર સાથે વિટામિન –એ પણ આપવામાં આવે છે. સ્વચ્છા પર ચાંદું હોય ત્યારે કોર્ટિકોસ્ટિરૉઇડ અને સ્થાનિક નિશ્ચેતકો (local anaesthetic drugs) અપાતા નથી; કેમ કે તે અનુક્રમે અન્ય પ્રકારના ચેપ કરે છે અને રુઝાવામાં અડચણ ઊભી કરે છે.
હઠીલું સ્વચ્છાવ્રણ (refractory corneal ulcer) : અપૂરતી રૂઝ આવે કે ફરી ફરીને ચાંદું પડે તેવી સ્થિતિને અવજ્ઞાકારી સ્વચ્છાવ્રણ કહે છે. તેમને સુષુપ્ત (indolent) વ્રણ પણ કહે છે. તેના મૂળ કારણમાં સ્વચ્છાની મૂલતલકલા(basement membrane)માં કોઈ ક્ષતિ હોય છે. તે મધુપ્રમેહના કે પ્રતિરક્ષા(immunity)ની ઊણપવાળા રોગીઓમાં જોવા મળે છે. સમય જતાં બીજી આંખ પણ અસરગ્રસ્ત થાય છે. ઍન્ટિબાયૉટિક, એટ્રોપિન તથા પીડાનાશકો વડે સારવાર કરાય છે. જરૂર પડ્યે સ્વચ્છાનિરોપની સારવાર અપાય છે.
સ્યૂડોમૉનાસ પ્રકારના જીવાણુના ચેપમાં સ્વચ્છાની સંજાલપેશી (stroma) જાણે ઓગળી જતી હોય તેવી રીતે નાશ પામે તો તેવી સ્થિતિને દ્રવણકારી વ્રણ (melting ulcer) કહે છે. ક્યારેક તેવું અન્ય જીવાણુઓ કે ફૂગના ચેપમાં પણ થાય છે. સ્વચ્છાની સંજાલપેશી 24 કલાકમાં જ નાશ પામે છે. ઍન્ટિબાયૉટિક, એસેટિલસિસ્ટિન અને જરૂર પડ્યે સ્વચ્છાનિરોપ વડે સારવાર કરાય છે.
શિલીન નં. શુક્લ