સ્વચ્છાનિરોપ (corneal grafting) : રોગ કે ઈજાથી નુકસાન પામેલા આંખની કીકીના પારદર્શક આવરણ(સ્વચ્છા)ને સ્થાને દાનરૂપે મળેલી સ્વચ્છા મૂકવી તે. પોપચાંની ફાડમાં આંખના ડોળાના દેખાતા ભાગની વચમાં કીકી આવેલી છે. તેના આવરણને સ્વચ્છા (cornea) કહે છે. તે પારદર્શક છે. નેત્રદાન સમયે આ સ્વચ્છાનું દાન કરવામાં આવે છે. સ્વચ્છાનિરોપની ક્રિયાને શાસ્ત્રીય રીતે સ્વચ્છા-નવરચના (keratoplasty) કહે છે. તેના મુખ્યત્વે 2 પ્રકાર છે – રૂઢિગત (conventional) અથવા વેધક સ્વચ્છા-નવરચના (penetrating keratoplasty) અને અંતછદીય સ્વચ્છા-નવરચના (endothelial keratoplasty).

સ્વચ્છાની રચના અને કાર્ય : તે આંખના ડોળાના આગળના ભાગની મધ્યમાં કીકીની આગળનું પારદર્શક આવરણ છે. તે પ્રકાશનાં કિરણોનું વક્રીભવન કરીને તેમને કીકીમાંના છિદ્ર કનિનિકા(pupil)માં પ્રવેશ અપાવે છે. વળી તે આંખની અંદરની સંરચનાઓનું પણ રક્ષણ કરે છે. તેની જાડાઈ 450થી 610 (સરેરાશ 550) માઇક્રોમિટર હોય છે. મગજમાંથી સીધી નીકળતી 5મી કર્પરી ચેતા (cranial nerve)  ત્રિશાખી ચેતા(trigeminal nerve)માંના ચેતાતંતુઓ સ્વચ્છામાં ઉદભવતી સંવેદનાઓનું મગજ સુધી વહન કરે છે. સ્વચ્છાની બહારના પડમાં પીડા-સંબંધિત અને અંદરના પડમાં દબાણ-સંબંધિત સંવેદના ઝીલે તેવા ચેતાસ્વીકારકો (receptors) આવેલા છે. તેમાં લોહીની નસો, રંગદ્રવ્યો કે શૃંગિન (keratin) ન હોવાને કારણે તે પારદર્શક હોય છે. તેની સંજાલપેશી(stroma)માં શ્વેતલ તંતુઓ (collagen fibres) આવેલા છે, જે એકબીજાને સમાંતર રહીને તેની આખી પહોળાઈને પાર કરે છે. તેમની ગોઠવણી એવી છે કે સ્વચ્છામાંથી 99 % પ્રકાશ પસાર થઈ શકે છે. સ્વચ્છામાં 5 સ્તર (layers) આવેલા છે : (1) અધિચ્છદ (epithelium), (2) બાઉમેનનું સ્તર, (3) સંજાલપેશી (stroma), (4) ડેસ્મેટનું પટલ અથવા અંતછદીય મૂલતલપટલ (endothelial basement membrane) અને (5) અંતછદ (endothelium). સ્વચ્છાનું સૌથી આગળનું (બહારનું) પડ છે અધિચ્છદ (epithelium) અને સૌથી અંદરનું પડ છે અંતછદ (endothelium). બાઉમેન અને ડેસ્મેટના પટલોની વચ્ચે આવેલી સંજાલપેશી સ્વચ્છાનું 90 % દળ બનાવે છે.

સ્વચ્છાનિરોપની ક્રિયાનો ઉપયોગનિર્દેશ (indication) : ઈજા, શીતળા જેવા ચેપ, દુષ્પોષી ક્ષીણતા (dystrophy) વગેરે વિવિધ રોગો અને વિકારોને કારણે સ્વચ્છાને નુકસાન થાય અને તે પછી તેમાં અપારદર્શકતા આવે ત્યારે અંધાપો આવે છે. તેને સ્વચ્છાનિરોપ વડે દૂર કરી શકાય છે. સ્વચ્છામાં છિદ્ર પડે કે તેની સંજાલપેશી કે ડેસ્મેટના પટલમાં કોષ્ઠ ઉદભવે ત્યારે સ્વચ્છાની પુનર્રચના કરવા માટે પણ સ્વચ્છાનિરોપ ઉપયોગી છે. સ્વચ્છામાં શોથજન્ય (inflammatory) વિકાર હોય ત્યારે ક્યારેક સ્વચ્છાનિરોપની જરૂર પડે છે. સ્વચ્છા પર સફેદ ડાઘ પડ્યો હોય તો સૌંદર્યની દૃષ્ટિએ સ્વચ્છાનિરોપની સલાહ અપાય છે.

સ્વચ્છાનિરોપ માટે સામાન્ય રીતે મૃત્યુ પામેલી વ્યક્તિની નેત્રદાન દ્વારા મળેલી સ્વચ્છાનો ઉપયોગ કરાય છે. નેત્રદાન દ્વારા મળેલી આંખમાંથી સ્વચ્છા ઉપરાંત આંખના ડોળાનું બહારનું સફેદ આવરણ (sclera) પણ નિરોપ માટે વાપરી શકાય છે. અવયવદાતા મૃત્યુ પામે ત્યારે જો તેણે દાતા તરીકે, પૂર્વમંજૂરી આપી હોય તો મૃતદાતાના નજીકના સગા પાસેથી સ્વીકૃતિ મેળવીને નેત્રદાન સ્વીકારતી સંસ્થા નેત્રદાન મેળવે છે. નેત્રદાન મૃતદાતાના ઘરે, હૉસ્પિટલમાં કે અન્ય સ્થળે મેળવાય છે. આખી આંખને(નેત્રગોળ, globe અથવા eyeball)ને શબમાંથી કાઢીને નેત્રબૅન્કમાં પ્રક્રિયા કરવા માટે લાવવામાં આવે છે. ક્યારેક સ્વચ્છાને કાપી કાઢીને સંગ્રહ માધ્યમ(storage media)માં મૂકી દેવામાં આવે છે. દાતાનો લોહીનો નમૂનો લઈને તેને HIV, યકૃતશોથ–બી અને સી (hepatitis B and C), સાયટોમેગેલોવિષાણુ વગેરે સૂક્ષ્મજીવોના ચેપ અંગે તપાસ કરી લેવાય છે. રુધિરજૂથ પણ તપાસાય છે. સ્કલેરાને અલગ આલ્કોહૉલના દ્રાવણમાં સંગ્રહાય છે. સ્વચ્છાને સ્લીટ લૅમ્પ વડે તથા સૂક્ષ્મદર્શક વડે તપાસીને તેની સ્થિતિ અને અંતછદીય કોષો(endothelial cells)ની સંખ્યા ગણવામાં આવે છે. તેને આધારે તેમને 0થી 4 કક્ષામાં વહેંચવામાં આવે છે. સંગ્રહ-માધ્યમો અનેક પ્રકારનાં હોય છે.

જે તે સ્વચ્છાનિરોપ કરાવવા ચાહતી વ્યક્તિમાં પૂરતી તપાસ કર્યા પછી સ્થાનિક કે સર્વાંગી નિશ્ચેતના (anaesthesia) આપીને બહેરાશ/બેહોશીની સ્થિતિ ઉત્પન્ન કરાય છે. ત્યાર બાદ રોગગ્રસ્ત સ્વચ્છાને કાપી કાઢી ત્યાં નિરોપને ગોઠવવામાં આવે છે. સળંગ ટાંકા વડે તેને સ્થાપિત કરાય છે. નીચેના ભાગમાં અલગ અલગ ટાંકા પણ લેવાય છે. અગ્રસ્થ ખંડને ફરીથી ચકાસી લેવામાં આવે છે. ટાંકાને 12 વર્ષે દૂર કરાય છે.

સ્વચ્છાનિરોપના પ્રકારો : (1) સ્વચ્છા (cornea), (2) સ્વચ્છાનું અંતછદ (endothelium), (3) કનિનિકાપટલ (iris), (4) નેત્રમણિ (lens), (5) દૃષ્ટિપટલ (retina), (6) વેધક સ્વચ્છાનિરોપ, (7) ટાંકા, (8) સામાન્ય સ્વચ્છા, (9) અંતછદીય સ્વચ્છાનિરોપ

જોખમો અને પરિણામ : સામાન્ય રીતે સ્વચ્છામાં નસો ન હોવાને કારણે 2 મિલી. જેટલું જ લોહી વહે છે. ચેપ લાગવાનું જોખમ સૌથી મહત્વનું છે. તેવું થતું રોકવા ઍન્ટિબાયોટિક ઔષધનો ઉપયોગ કરાય છે. નિરોપ મૂક્યા પછી, ક્યારેક વર્ષો પછી પણ, નિરોપ-અસ્વીકાર (graft-failure) થાય છે. મોટે ભાગે તેનું કારણ ઈજા કે નવો વિકાર હોઈ શકે. બાકીની આંખ બરાબર હોય તો દૃષ્ટિની તીક્ષ્ણતા લગભગ સામાન્ય હોય છે. સામાન્ય રીતે
66 % દર્દીઓમાં 5 વર્ષે પણ દૃષ્ટિ સામાન્ય રહે છે. જો ફરીથી સ્વચ્છાનિરોપની જરૂર પડે તો તે તેના નિષ્ફળ જવાની સંભાવના વધે છે. સફળ નિરોપ પછી પણ દૃષ્ટિની તીક્ષ્ણતા ઓછી રહે તો તેનું મુખ્ય કારણ બિન્દુવક્રતા(astigmatism)નો વિકાર છે. જેમાં સ્વચ્છાની સપાટી સરળ અને સીધી હોવાને બદલે ઊંચીનીચી રહી જાય છે.

ઉપર જણાવેલી પદ્ધતિને વેધક સ્વચ્છા-નવરચના (penetrating keratoplasty, PK) કહે છે. એક નવી પદ્ધતિ  અંતછદીય સ્વચ્છા-નવરચના(endothelial keratoplasty, EK)માં નવું, તંદુરસ્ત અંતછદ(endothelium)નું પાતળું સ્તર નિરોપ માટે વપરાય છે. તે ટાંકા વગર જાતે ચોંટે છે. તેની મદદથી સ્વચ્છાનો આકાર તથા વક્રીભવનક્ષમતા સામાન્ય રહે છે. અંતછદીય સ્વચ્છા-નવરચના(EK)ની પદ્ધતિમાં કેટલાક ફાયદા છે. તેમાં આંખના ડોળાની દીવાલની મજબૂતાઈ જળવાઈ રહે છે તથા સ્વચ્છાનો ઘાટ બરાબર (સામાન્ય) બને છે. તેથી દર્દી પર PK કરતાં EKમાં ઈજાથી આંખની દીવાલ ફાટી જવાની કે અંધાપો આવવાની સંભાવના ઓછી રહે છે. તેને કારણે તેના રોજિંદા જીવનમાં મર્યાદાઓ ઓછી રહે છે. સ્વચ્છાનો ઘાટ બરાબર થવાને કારણે બિન્દુવક્રતા (astigmatism) નામની દૃષ્ટિની ખામી ઓછી થાય છે, ચશ્માં કે સ્પર્શસુદર્શક(contact lens)ની જરૂરિયાત ઘટે છે. વળી EKમાં ટાંકા લેવામાં આવતા નથી માટે તેને લગતી કોઈ પણ સમસ્યા રહેતી નથી; પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તે એક વધારાનું વક્રીભવનકારી આંતરતલ (interface) ઉમેરે છે; પરંતુ તેને કારણે દૃષ્ટિની મોટી ખામી સર્જાતી નથી. આશરે 20 % દર્દીઓમાં આ નિરોપ સ્વચ્છાની અંદરની સપાટી (અંતસ્તલ, inner surface) પર ચોંટતો નથી.

શસ્ત્રક્રિયા પછી દર્દી 2 અઠવાડિયાંમાં કામ કરતો થઈ જાય છે. દોઢથી 2 વર્ષે જ્યારે ટાંકા કઢાય છે ત્યારે સ્વચ્છાનો ઘાટ બદલાય છે અને તેથી નવાં ચશ્માં કે પુન:શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. નિરોપનો અસ્વીકાર ન થાય તે માટે ઔષધચિકિત્સા 1 વર્ષ સુધી અપાય છે. જો નિરોપનો અસ્વીકાર થાય તો દૃષ્ટિ ઝાંખી પડે છે. ઝડપથી તેની સારવાર શરૂ કરવાથી પરિસ્થિતિ સંભાળી શકાય છે.

વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ : સ્વચ્છાનિરોપમાં દાતાના નિરોપનો વારંવાર અસ્વીકાર થાય તો સંશ્લેષિત સ્વચ્છા(synthetic cornea)નો ઉપયોગ વિચારાય છે. ક્યારેક સ્વચ્છાની સપાટી પરના વિકારમાં પ્રકાશચિકિત્સાકીય સ્વચ્છા-ઉચ્છેદન (phototherapeutic keratectomy) નામની શસ્ત્રક્રિયા કરાય છે. આ ઉપરાંત બિન્દુ-વક્રતાના કિસ્સામાં અંત:સંજાલ સ્વચ્છાવલયની સંભાગિકાઓ (intrastromal corneal ring segments) મૂકવાની શસ્ત્રક્રિયા ક્યારેક ઉપયોગી રહે છે. ક્યારેક સ્પર્શસુદર્શક (contact lens) વડે દૃષ્ટિની ખામી દૂર કરીને સ્વચ્છાનિરોપનો વિકલ્પ મેળવાય છે. અતિવેગી લેઝર, રિબોફ્લેવિન અને પારજાંબલી કિરણો, આદિકોષો (stem cells) વગેરેના ઉપયોગ વડે વિવિધ નવી તક્નીકોને વિકસાવવામાં આવી રહી છે.

શિલીન નં. શુક્લ