સ્વગતોક્તિ : કોઈ અન્યને ઉદ્દેશીને નહિ પરંતુ વ્યક્તિએ પોતાની જાત સાથે જ કરેલી વાતચીત અથવા મનોમન કરેલા ઉદગારનું પ્રગટ વાચિક રૂપ. આવી સ્વગતોક્તિરૂપ અભિવ્યક્તિ કાવ્ય, વાર્તા, નાટક વગેરે સર્વ પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં મળે છે; પરંતુ સામાન્યત: તે નાટ્યાંતર્ગત વિશિષ્ટ ઉક્તિપ્રકાર તરીકે ઉલ્લેખાય છે. નાટકમાં પણ સામાન્ય પરિસ્થિતિજન્ય કે તખ્તાપરક વહેવારુ અને છૂટકત્રુટક ઉદગારોને નહિ, પણ ચૈતસિક સંચલનોના કેવળ સ્વગત – મનોમન ઉદગારના પ્રગટ વાક્-સ્વરૂપને જ સ્વગતોક્તિ ગણવામાં આવે તેવી અપેક્ષા હોય છે. એકપાત્રીય રીતે સ્વગતોક્તિનું સ્વતંત્ર અભિનયન પણ પ્રાયોગિક રૂપે થાય છે; પરંતુ મુખ્યત્વે તે નાટ્યાંતર્ગત અંશ હોય છે. વિશ્વનું નાટ્યસાહિત્ય અનેક ઉત્કૃષ્ટ સ્વગતોક્તિઓથી સમૃદ્ધ છે, જેનું એક ઉત્તમ ઉદાહરણ છે ‘હેમ્લેટ’ની ‘ટુ બી ઑર નૉટ ટુ બી’થી આરંભાતી ઉક્તિ. ગુજરાતી નાટકોમાં પણ ‘રાઈનો પર્વત’, ‘ધરા-ગુર્જરી’, ‘શાહાનશાહ અકબરશાહ’, ‘ઇન્દુકુમાર’ વગેરેમાં સરસ સ્વગતોક્તિઓ મળે છે. ક. મા. મુનશીના નાટક ‘બે ખરાબ જણ’માંની મોહન મેડિકોની સ્વગતોક્તિ તેની રચનાની વિચક્ષણતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે.

‘સ્વગતોક્તિ’ લગભગ તેના જેવા જ અન્ય ઉક્તિપ્રકાર ‘એકોક્તિ’થી એ રીતે જુદી પડે છે કે ‘એકોક્તિ’માં ઉદગાતા એક જ હોય છે, પણ તેનાં ઉચ્ચારણ અન્યને ઉદ્દેશીને કરાયેલાં હોય છે એટલે અન્ય શ્રોતાની તેમાં ઉપસ્થિતિ અપેક્ષિત હોય છે, જ્યારે સ્વગતોક્તિમાં મનોભૂમિકામાં જ રહેલી અને વાસ્તવમાં વણઉચ્ચારાયેલી વાણીને નાટ્યહેતુથી શ્રાવ્ય રૂપે પ્રગટ કરવામાં આવી હોય છે.

મહાકાવ્યોના કેટલાક ખંડો, નવલકથાના અંશો તેમજ કેટલાંક કાવ્યોમાં પણ તેમનું નાટ્યાત્મક સ્વગતોક્તિ રૂપે પ્રસ્તુતીકરણ થઈ શકવાની ક્ષમતા રહેલી હોય છે. ‘ઇલિયડ’માંની કેટલીક ઉક્તિઓ, ‘લા મિઝરેબલ’માંની જ્યાં વાલ્જ્યાંની ઉક્તિ અથવા ગુજરાતીમાં ‘સરસ્વતીચંદ્ર’માં કુમુદની ઉક્તિઓ જેવા ખંડો ઉદાહરણ રૂપે જોઈ શકાય –ભજવી શકાય.

માનવચિત્તનાં વૈચારિક, ઊર્મિશીલ, આવેગાત્મક કે સંઘર્ષાત્મક સંચલનોની વાસ્તવિક સ્વરૂપે અવાચ્યતાને વાણી રૂપે પ્રગટ કરીને તે અન્યને અવગત કરાવવાની નાટ્યાવશક્યતા સિદ્ધ કરી આપનાર સ્વગતોક્તિ અઘરી પણ અગત્યની, વાચિક અભિનયલક્ષી નાટ્યરીતિ છે.

વિનોદ અધ્વર્યુ