સ્યૂન અને સ્યૂનશોથ (bursa અને bursitis) : સ્નાયુ તથા સ્નાયુબંધ (tendon) જ્યારે સરકે કે હલનચલન પામે ત્યારે તેમની અને હાડકાં વચ્ચે સાંધા પાસે ઘસારો ન પહોંચે તે માટે પ્રવાહી ભરેલી પોટલી જેવી સંરચના અને તેમાં થતો પીડાકારક સોજાનો વિકાર. સ્યૂન સફેદ તંતુમય પેશીની બનેલી પોટલી છે, જેની અંદર સંધિકલાતરલ (synovial fluid) નામનું પ્રવાહી ભરાયેલું હોય છે અને તેની અંદરની સપાટી પર સંધિકલા(synovial membrane)નું આચ્છાદન (living) હોય છે. જ્યારે તેમાં ઘસારો, ઈજા કે ચેપને કારણે સંક્ષોભન (irritation) થાય ત્યારે તેની દીવાલમાં લોહીનું પરિભ્રમણ વધે છે તથા લોહીના કોષો ભરાય છે અને તેથી તે સૂજે છે અને તેમાં પીડા થાય છે. આ વિકારને સ્યૂનશોથ (bursitis અથવા inflammation of bursa) કહે છે. તે સમયે ત્યાં દુખાવો તથા સ્પર્શવેદના (tenderness) થાય છે એટલે કે તે સ્થળને સ્પર્શ કરવાથી દુખાવો થાય છે. તેની પાસેના સ્નાયુ કે સ્નાયુબંધનું હલનચલન સ્યૂનશોથનો વિકાર વધારે છે. સામાન્ય રીતે સાંધાનું વધુ પડતું હલનચલન કે તે સ્થળ પર આવતું દબાણ સ્યૂનશોથ કરે છે. સૌથી વધુ તે કોણી અને ઢીંચણના સાંધા પાસે જોવા મળે છે. આમવાતાભ સંધિશોથ (rheumatoid arthritis) પ્રકારના શોથકારી વિકારમાં પણ તે જોવા મળે છે. વ્યક્તિને પાછળ પાર્શ્વખૂંધ (scoliosis) હોય અને તેનો કરોડસ્તંભ એક બાજુ વાંકો વળેલો હોય તો ખભાના સાંધા પાસે સ્યૂનશોથ થાય છે. હાડકું, આસપાસની પેશી કે સ્યૂન પોતાને ઘાવકારી ઈજા થાય ત્યારે પણ સ્યૂનશોથ થાય છે.

સ્યૂન અને સ્યૂનશોથ : (1) હાડકું, (2) હાડકાંનો સાંધો, (3) ઢીંચણની ઢાંકણી, (4) સ્નાયુબંધ (tendon), (5) સ્યૂન (bursa), (6) સ્યૂનશોથ (bursitis)

સ્યૂનશોથ થાય ત્યારે જે તે સાંધામાં દુખાવો થાય છે અને તે અક્કડ (stiff) થઈ જાય છે. સામાન્ય રીતે હલનચલનની ક્રિયા કરતી વખતે કે તે પછી દુખાવો થાય છે. ક્યારેક બીજા દિવસે સાંધો અક્કડ થઈ જાય છે. સાંધાને હલનચલનમાંથી આરામ, બિનસ્ટીરોઇડી પ્રતિશોથ, પીડાનાશકો (nonsteroidal antiinflammatory analgesics, NSAIDs) જેવી કે ડાયક્લોફિનેક સોડિયમ તથા આમવાતાભ સંધિશોથ જેવો વિકાર હોય તો તેની સારવાર કરવાથી રાહત મળે છે.

શિલીન નં. શુક્લ