સ્યાદ્વાદ : જૈન તત્વજ્ઞાનનો જાણીતો સિદ્ધાન્ત. અનેકાન્તાત્મક અર્થનું કથન સ્યાદ્વાદ છે. વસ્તુ અનેકાન્તાત્મક છે. અહીં ‘અન્ત’ શબ્દનો અર્થ ધર્મ સમજવાનો છે અને ‘અનેક’ શબ્દથી જૈન ચિન્તકને અભિપ્રેત છે અનન્ત. આમ, વસ્તુ અનન્તધર્માત્મક છે. એ કારણે તેમાં પરસ્પરવિરોધી ધર્મો પણ છે જ. તે ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે, તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, તે એક પણ છે અને વિવિધ પણ છે, તે સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પણ છે, ઇત્યાદિ.

જે જ્ઞાન વસ્તુને તેના અનન્ત ધર્મો સાથે સંપૂર્ણપણે જાણે છે તે પૂર્ણ જ્ઞાન છે. તેથી તે પૂર્ણ સત્યને ગ્રહણ કરે છે. આવું જ્ઞાન સર્વજ્ઞ સિવાય કોઈ મનુષ્યને સંભવતું નથી. મનુષ્ય એક કાળે વસ્તુના એક જ ધર્મને, અંશને, પાસાને જાણી શકે છે, તેથી તેનું જ્ઞાન હંમેશાં આંશિક અને સાપેક્ષ જ હોય છે. તેનું જ્ઞાન આંશિક સત્યને જ ગ્રહે છે. તે કાળે તે મનુષ્યનું જે પ્રયોજન હોય, તેનો જે આશય હોય તે પ્રયોજન કે તે આશય તે મનુષ્ય તે કાળે વસ્તુના કયા અંશ ઉપર ધ્યાન આપશે કે જાણશે એનું નિયમન કરશે. મનુષ્યની આ મર્યાદા છે. તત્વચિંતનની વિવિધ ધારાઓ વિરોધી તત્વદર્શનો રજૂ કરે છે, કારણ કે તેઓ જુદા જુદા અંશો/પાસાંઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યક્તિશ: તે ધારાઓ સંપૂર્ણ સત્ય રજૂ કરતી નથી. તે બધી તો પૂર્ણ સત્યના પ્રકાશના ખંડિત ટુકડાઓ છે. તે એકબીજીનું ખંડન કરે છે, કારણ કે તે યાદ રાખતી નથી કે દરેકનું તત્વદર્શન તેણે સ્વીકારેલા દૃષ્ટિબિંદુની અપેક્ષાએ જ અને અમુક પરિસ્થિતિને અધીન જ સત્ય છે, નિરપેક્ષપણે સ્વત: સત્ય નથી.

તેથી મનુષ્યે પોતાના આંશિક અને સાપેક્ષ જ્ઞાનને શબ્દબદ્ધ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. વિધાન કરતી વખતે મનુષ્ય સંપૂર્ણપણે સભાન હોવો જોઈએ કે તેનું જ્ઞાન આંશિક અને સાપેક્ષ છે. તેનું જ્ઞાન આંશિક અને સાપેક્ષ છે એ હકીકતનું પ્રતિબિંબ તે જ્ઞાનની શાબ્દ અભિવ્યક્તિમાં પણ પડવું જોઈએ. તેનું પ્રત્યેક વિધાન એવા શબ્દથી વિશેષિત હોવું જોઈએ એનો અર્થ ‘અમુક અપેક્ષાએ’, ‘અમુક અર્થમાં’, ‘અમુક દૃષ્ટિએ’ એવો થતો હોય. સંસ્કૃતમાં આવો અર્થ આપનારો એક શબ્દ છે ‘स्यात्’. તેને જૈન તાર્કિકોએ પસંદ કર્યો છે. તેથી જૈનોનો સાપેક્ષ વિધાનનો સિદ્ધાન્ત ‘સ્યાદ્વાદ’ કહેવાય છે. અવિશેષિત કથનથી ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. આ સિદ્ધાન્ત પ્રતિપાદન કરે છે કે દરેક વિધાન વસ્તુના જે અંશ/પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી કરવામાં આવ્યું હોય તે અંશ અને તે દૃષ્ટિકોણને અનુલક્ષીને જ સાચું છે. કોઈ પણ વિધાન સ્વત: નિરપેક્ષપણે – જે પરિસ્થિતિમાં વિધાન કરવામાં આવ્યું હોય તેને ગણતરીમાં લીધા વિના, તેનો નિર્દેશ કર્યા વિના – સાચું નથી.

અહીં ‘સ્યાત્’ એ ‘હોવું’ અર્થવાળા ‘अस्’ ધાતુ(ક્રિયાપદ)નું વિધ્યર્થ કર્તરિ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ નથી. કેટલાક વિદ્વાનો તેને આ રૂપ ગણી સ્યાદ્વાદને સંભવિતતાવાદ કે સંશયવાદ તરીકે ઘટાવવાનો પ્રયત્ન કરે છે. જૈન તાર્કિકો અનુસાર ખરેખર તો અહીં ‘સ્યાત્’ ક્રિયાપદનું રૂપ નથી; પરંતુ અવ્યય છે અને તેનો અર્થ છે ‘અમુક અપેક્ષાએ’, ‘અમુક દૃષ્ટિએ’.

જેમ કોઈ પણ પ્રમાણથી જાણેલા પદાર્થનો બોધ બીજાને કરાવવા માટે પરાર્થ અનુમાન યા પંચાવયવ અનુમાનવાક્યની રચના કરવામાં આવે છે તેવી જ રીતે કોઈ ધર્મને લઈને વિરોધીઓનું જે દ્વન્દ્વ (સત્-અસત્, નિત્ય-અનિત્ય ઇત્યાદિ) ઊભું થાય તે દ્વન્દ્વના વિરોધીઓનો સમન્વય શ્રોતાઓને સમજાવવા માટે સાત ભંગોવાળા વાક્યની રચના કરવામાં આવે છે. આ સાત ભંગો ‘સ્યાત્’-પદાંકિત હોય છે. તેથી તેને સપ્તભંગિ નય કહે છે. સાત ભંગોથી અધિક ભંગો સંભવતા નથી. સત્ ધર્મને લઈને બનતા સત્-અસતના દ્વન્દ્વને અનુલક્ષી નીચે મુજબ સપ્તભંગી બને છે :

(1) અમુક દૃષ્ટિએ (સ્યાત્) ઘટ છે (અર્થાત્ સત્ છે).

(2) અમુક દૃષ્ટિએ (સ્યાત્) ઘટ નથી (અર્થાત્ અસત્ છે).

(3) અમુક દૃષ્ટિએ ઘટ છે અને નથી.

(4) અમુક દૃષ્ટિએ ઘટ અવક્તવ્ય છે.

(5) અમુક દૃષ્ટિએ ઘટ છે અને અવક્તવ્ય છે.

(6) અમુક દૃષ્ટિએ ઘટ નથી અને અવક્તવ્ય છે.

(7) અમુક દૃષ્ટિએ ઘટ છે, નથી અને અવક્તવ્ય છે.

પ્રથમ ભંગનો અર્થ છે — સ્વરૂપની દૃષ્ટિએ ઘટ છે (સત્ છે) અર્થાત્ ઘટ ઘટ રૂપે છે (સત્ છે). બીજા ભંગનો અર્થ છે — પરરૂપની દૃષ્ટિએ ઘટ નથી (અસત્ છે) અર્થાત્ ઘટ પટ આદિ રૂપે નથી (અસત્ છે). ત્રીજો ભંગ સત્ અને અસત્ ધર્મોને ઘટમાં ક્રમથી જણાવે છે. ચોથો ભંગ જણાવે છે કે સત્ અને અસત્ ધર્મોને ઘટમાં યુગપત્ જણાવી શકાતા નથી, તેથી એ અર્થમાં ઘટ અવક્તવ્ય છે. પાંચમો ભંગ ઘટમાં સત્ અને અવક્તવ્ય ધર્મોને ક્રમથી જણાવે છે. છઠ્ઠો ભંગ ઘટમાં અસત્ અને અવક્તવ્ય ધર્મોને ક્રમથી જણાવે છે અને સાતમો ભંગ ઘટમાં સત્, અસત્ અને અવક્તવ્ય ધર્મોને ક્રમથી જણાવે છે.

જે દૃષ્ટિકોણ બીજા દૃષ્ટિકોણોનો નિષેધ કર્યા વિના કેવળ પોતાને રજૂ કરે છે તેને જૈનો ‘નય’ કહે છે. આ નયોના આધાર ઉપર ભંગવાદની (સપ્તભંગિની) સૃષ્ટિ ખડી થાય છે. આમ નયવાદ અને ભંગવાદ અનેકાન્તવાદના સ્તંભો છે. અનેકાન્તવાદ બધા દૃષ્ટિકોણોનો સમન્વય છે અને ‘સ્યાત્’ અવ્યય અનેકાન્તનો દ્યોતક હોઈ સ્યાદ્વાદ અનેકાન્તવાદ છે : ‘स्यादित्यव्ययम् अनेकान्तद्योतकम् तत: स्याद्वदोडनेकान्तवाद: ।’ (સ્યાદ્વાદમંજરી, 5).

નગીન શાહ