સ્યંભદ્વાર : યોગસાધનામાં સુરતિ-નિરતિનો પરિચય થયા પછી ખૂલતું દ્વાર. સામાન્ય અર્થમાં એને સિંભુદ્વાર, સિંહદ્વાર, સ્વયંભૂ દ્વાર પણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બેગમપુરમાં પ્રવેશ કરવા માટે કોઈને કોઈ દ્વારા હોય અને જ્યારે એ રાણીનું અંતઃપુર હોય તો પછી પ્રવેશ દ્વાર તો સિંહદ્વાર જ હોય. સહસ્રારમાં પ્રવેશ કરવા માટે બ્રહ્મરંધ્રને ખોલવું પડે. આથી બ્રહ્મરંધ્રને પણ સિંહદ્વાર માનવામાં આવે છે. કેટલાક વિદ્વાનો સ્યંભમાં સંસ્કૃત શબ્દ સ્વયંભૂ શબ્દની ધ્વનિ હોવાનું કહે છે. અર્થાત્ સ્વયંભૂ એટલે સ્વયં ઉત્પન્ન થનાર. પરંતુ આ ધ્વનિસામ્ય ઉપલક જણાય છે. સિંહદ્વારને મૂલતઃ રુદ્રગ્રંથિનો વાચક શબ્દ ગણવામાં આવે છે. યોગશાસ્ત્રમાં અઝપાગાયત્રી, હંસવિદ્યા કે કુંડલિની જાણીતાં છે. યોગશાસ્ત્રમાં અઝપાસાધન અથવા કુંડલિની સાધનાની બાબતમાં ત્રણ ગ્રંથિઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે – બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથિ. પૂરક પ્રાણાયમ દ્વારા મૂલાધારમાં વાયુ ભરીને પોતાની શક્તિ દ્વારા જ્યારે વાયુને સંકોચીને ઉપર ઉઠાવવાથી પ્રાણ અને અપાનમાં સામ્યાવસ્થા સ્થપાય છે અને મૂલાધારના ત્રિકોણ ચક્રમાં રહેલ અગ્નિ સાથે પ્રાણી અને અપાનનો સંયોગ થવાથી કુંડલિની શક્તિ અધોમુખમાંથી ઊર્ધ્વમુખી થઈને જાગી ઊઠે છે. જાગ્રત કુંડલિનીને ષટ્ચક્રોમાં પ્રવેશ કરાવવા માટે મૂલાધારચક્રના મૂળમાં રહેલ બ્રહ્મગ્રંથિએ જાગ્રત થવું અનિવાર્ય છે. એને ભેદીને કુંડલિની કોઈ અંતરાય વગર મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રોમાં પ્રવેશ કરે છે. હવે આગળ ઉપર જવા માટે અનાહતચક્રની નીચે રહેલા વિષ્ણુચક્રનું ભેદન કરવું આવશ્યક છે કેમકે એને ખોલ્યા વગર હૃદયચક્રમાં પ્રવેશ કરવો અસંભવ છે. તે ભેદીને આગળ જતાં આજ્ઞાચક્રની નીચે રહેલી રુદ્રગ્રંથિને ભેદવી પડે છે. આ સ્યંભદ્વાર ખોલીને એમાં પ્રવેશ કરી આજ્ઞાચક્રમાં પ્રવેશ થાય છે. અહીં પહોંચી યોગી સૂર્ય, ચંદ્ર અને અગ્નિ નામના ત્રણે તેજો કે તેજબિંદુઓને એકમાં મેળવી દે છે જેનાથી મહાતેજ પ્રગટે છે, તેની સાથે તે સહસ્રારસ્થ બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરે છે. એ કૈવલ્ય અવસ્થા છે જેને પરમહંસ અવસ્થા પણ કહેવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ