સ્મૃતિ–2 : અનુભૂત વિષયનું કે અનુભવજન્ય જ્ઞાનને અનુલક્ષતું, શ્રુતિને અનુસરતું આચારલક્ષી શાસ્ત્ર. યોગશાસ્ત્ર સ્મૃતિને અનુભવજન્ય જ્ઞાન કહે છે. (‘अनुभवजन्यं ज्ञानं तु स्मृति’:). ઋષિઓ સાક્ષાત્કૃતધર્મા હતા. તેમણે તેમનાથી ઊતરતા–અનુભવવિહોણાને અનુભૂત જ્ઞાન આપ્યું. [‘साक्षात्कृतधर्माण: ऋषय: संबभूवु: । तेडवरेभ्य असाक्षात्कृतधर्मेभ्य: उपदेशेन मन्वान् संप्रादु:’ (યાસ્ક નિરુક્ત 1–53)] આમ વેદ, શ્રુતિ અને ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથો કહેવાયા અને તે ધર્મના સ્રોત બન્યા. (‘श्रुतिस्तु वेदो विज्ञेयो धर्मशास्त्रं तु वै स्मृति: ।’) વ્યાવહારિક ધર્મમાં સ્મૃતિનું ભારે મહત્વ છે, કારણ કે ધર્મની નિયમિત વ્યવસ્થા સ્મૃતિગ્રંથો દ્વારા થઈ છે.
વેદાંગોમાં કલ્પ અને કલ્પોમાં ધર્મસૂત્રો અને ગૃહ્યસૂત્રો મુખ્યત્વે સ્મૃતિગ્રંથોના આદિસ્રોત છે. ધર્મશાસ્ત્રમાં સ્મૃતિ એટલે કેવળ મનુ વગેરેએ રચેલા સ્મૃતિગ્રંથો જ નથી; મૂળે તો બધા આચારવિચાર વેદવિદ આચારવાન પુરુષોની સ્મૃતિ છે. પ્રાચીન કાળમાં આચાર-વિચારોનાં વર્ણનો કલ્પગ્રંથો (–શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્રો), મહાભારત, પુરાણો, મનુ વગેરેના સ્મૃતિગ્રંથો અને નીલકંઠ, વીરમિત્ર વગેરેના નિબંધગ્રંથોમાં મળે છે. ગૌતમના મતે ધર્મનું મૂળ વેદ છે. (‘वेदोडखिलो धर्ममूलम् ।’) અને તેને જાણનારા સ્મૃતિશીલોમાં છે. મેધાતિથિના મતે વેદાર્થવેત્તાનાં કર્તવ્યોનું સ્મરણ ધરાવનારા પુરુષો છે; પરંતુ ધીરે ધીરે ધર્મશાસ્ત્રની વિશાળ સામગ્રીએ ‘સ્મૃતિ’ નામે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. સમયે સમયે સમાજમાં આવેલાં પરિવર્તનોને મનુ જેવા આદિસ્મૃતિકારને અનુસરી દેશકાળ અનુસાર અર્થઘટન કરી નવાં સમીકરણો સમાવવામાં આવ્યાં અને મૂળભૂત સામગ્રીને સાચવવાનો આદર્શોન્મુખ પ્રયત્ન પણ થયો છે. કાળક્રમે ગૌતમ ધર્મસૂત્ર અને અપરાર્કના ભાષ્યમાં સ્મૃતિકારોની લાંબી યાદી આપવામાં આવી છે. મનુ, વિષ્ણુ, દક્ષ, અંગિરા, અત્રિ, બૃહસ્પતિ, ઉશનસ્, આપસ્તંબ, ગૌતમ, સંવર્ત, આત્રેય, કાત્યાયન, શંખ, લિખિત, પરાશર, વ્યાસ, શાતાતપ, પ્રચેતા, યાજ્ઞવલ્ક્ય, નારદ વગેરે સ્મૃતિકારોના સન્માનભર્યા ઉલ્લેખો મળે છે. લઘુ, વૃદ્ધ, બૃહત્ જેવા સ્મૃતિ કે સ્મૃતિકારોનાં વિશેષણો સંક્ષેપ કે વિસ્તાર અનુસાર અપાયાં છે. યુગપરિવર્તન અનુસાર નવી નવી સ્મૃતિઓ પણ રચાઈ છે. ક્યારેક સ્મૃતિઓને સાંપ્રદાયિક સ્વરૂપ પણ અપાયું છે.
સ્મૃતિઓના રચનાકાળ વિશે અનેક મતભેદો હોવા છતાં ઈ. પૂ. બીજા સૈકાથી ઈ. સ.ના આઠમા સૈકા સુધીમાં ઘણીખરી સ્મૃતિઓ રચાઈ છે.
સ્મૃતિના વિષયોને વ્યવસ્થિત કર્યાનું શ્રેય યાજ્ઞવલ્ક્યને જાય છે. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત – એવા ત્રણ વિભાગો તેમણે કર્યા છે. આચાર ધર્મમાં સાધારણ ધર્મ, વિશેષ ધર્મ, નિત્ય ધર્મ, નૈમિત્તિક ધર્મ તથા આપદ્ધર્મોનો સમાવેશ થાય છે. આમાં વર્ણ અને આશ્રમોને લગતા ધર્મોનું વિગતે વર્ણન મળે છે. વ્યવહારધર્મમાં રાજધર્મ, શાસનવ્યવસ્થા, શાસનવિધિ આદિ વિષયો અને વિવાદોના વિવિધ વિષયો તેમજ તત્સંબંધિત કાયદાઓની ચર્ચા મળે છે. કાયદાના ઉલ્લંઘન બદલ થતી સજા વિશે પણ ચર્ચા એમાં સમાવિષ્ટ છે.
પ્રાયશ્ચિત્તમાં આચારના ઉલ્લંઘન બદલ પાતક–ઉપપાતક–મહાપાતકને અનુસરી અપરાધો અને તજ્જનિત પાપોમાંથી મુક્ત થવા સ્વયંશિસ્તને અનુલક્ષી પ્રાયશ્ચિત્તીય વ્રતોની ચર્ચા કરવામાં આવી છે. આનુષંગિક રીતે તપ, દાન, વ્રત સ્મૃતિગ્રંથોમાં પરસ્પર સંકળાયેલાં છે. આ સિવાય ધર્મ, સમાજ, રાજ્ય, વ્યક્તિ સાથે સંબંધિત યથાસંભવ બધા વિષયો સ્મૃતિગ્રંથોમાં સમાવિષ્ટ છે.
સ્મૃતિઓના પ્રામાણ્ય વિશે પુરાતનવાદી સ્મૃતિઓના ભાષ્યકારો અને નિબંધકારોના મત વિચાર્ય બને છે. ભારતમાં દક્ષિણના કેટલાક પ્રદેશ અને બંગાળના જીમૂતવાહનનો દાય ભાગ અને અન્યત્ર સર્વત્ર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની વિજ્ઞાનેશ્વરની ટીકા મિતાક્ષરા પ્રમાણભૂત મનાય છે.
શ્રુતિસંમત સ્મૃતિ ગ્રાહ્ય બને છે. સ્મૃતિઓમાં મનુસ્મૃતિ પ્રમાણભૂત છે. કળિયુગમાં પરાશરનો મત ગ્રાહ્ય મનાય છે. યુગધર્મ પ્રમાણે મનુ, યાજ્ઞવલ્ક્ય, નારદ તેમજ પરાશરનું મહત્વ વધારે છે.
દશરથલાલ ગૌ. વેદિયા