સ્મિથ, માર્ગરેટ (જ. 16 જુલાઈ 1942, એલબરી, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનાં અગ્રણી મહિલા ટેનિસ-ખેલાડી. તેમણે ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની 62 ચૅમ્પિયનશિપમાં વિજેતા બનવાનો વિક્રમ નોંધાવ્યો. તેઓ 24 સિંગલ્સ(11 ઑસ્ટ્રેલિયન, 5 યુ.એસ., 5 ફ્રેન્ચ, 3 વિમ્બલ્ડન)નાં તથા 19 વિમેન્સ ડબલ્સનાં (8 યુ.એસ., 5 વિમ્બલ્ડન, 4 ફ્રેન્ચ, 2 ઑસ્ટ્રેલિયન) વિજેતા બન્યાં. આ ઉપરાંત તેઓ ઇટાલિયન, જર્મન તથા સાઉથ આફ્રિકન ચૅમ્પિયનશિપમાં 26 મહત્વનાં વિજયપદકોનાં વિજેતા બન્યાં. તેમાં 9 સિંગલ્સ, 8 વીમેન્સ ડબલ્સ તથા 9 મિક્સ્ડ ડબલ્સનો સમાવેશ થાય છે.

માર્ગરેટ સ્મિથ

તેમની સફળતાઓનો આવો અસાધારણ વિક્રમ, કોઈ પણ મહિલા કે પુરુષ ખેલાડીએ હાંસલ કરેલા કોઈ પણ રેકર્ડને વટાવી જાય છે. અનેક નિર્ણાયકો તેમને સર્વકાલીન (all-time) શ્રેષ્ઠ ખેલાડી લેખે છે. તેઓ ઉત્તમ શક્તિ ધરાવતાં હતાં અને તેમની ‘સર્વિસ’ અત્યંત જોશીલી હતી અને તેમનાં ‘વૉલી’માં ખૂબ તાકાત રહેતી; તેમની આ વિશેષતાને પરિણામે મહિલાઓની આ રમતમાં એક નવા પરિમાણનો ઉમેરો થયો. 1977માં તેઓ નિવૃત્ત થયાં; તેમની સિદ્ધિઓ બદલ તેમને ‘મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી