સ્મિથ, ઝેદી (જ. 1975, લંડન) : બ્રિટિશ મહિલા નવલકથાકાર. મૂળ નામ સેદી સ્મિથ. માતા જમૈકાનાં વતની અને પિતા અંગ્રેજ. 14 વર્ષની ઉંમરે પોતાના નામ Sadieનો સ્પેલિંગ તેમણે Zadie રાખ્યો. નાનપણમાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખતા. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. 1998માં બી.એ.ની ઉપાધિ મેળવી.

ઝેદી સ્મિથ

આ ગાળામાં ‘વ્હાઇટ ટીથ’નાં પ્રથમ 80 પાનાં પરામર્શન માટે એજન્ટને આપ્યાં. પુરસ્કારની રકમ અંગે મતભેદ ઊભો થયો. છેવટે હેમિશ હેમિલ્ટન નામની પ્રકાશન સંસ્થાને તે હસ્તપ્રત સોંપી દીધી. જોકે સ્મિથને તે નવલકથા પૂરી કરતાં સમય લાગ્યો અને અંતે 2000ના વર્ષમાં તે પ્રસિદ્ધ થઈ. તેમાં નૉર્થ-વેસ્ટર્ન લંડન શહેરની વસ્તી વિશેની ખાસિયતો તથા જુદી જુદી રાષ્ટ્રીયતાના સંમિશ્રણ અંગે લેખિકાના વિશદ અભ્યાસની ઝાંખી થતી હોવાથી ઝેદીના ઉજ્જ્વળ ભાવિ અંગે ઠીક ઠીક પ્રશંસા થઈ છે. લેખિકાની વાર્તા કહેવાની કળાએ વાચકોના દિલોદિમાગ પર કબજો કર્યો છે. ખાસ કરીને આ નવલકથામાં વિલ્સ્ડન ઉપનગરમાં રહેતા શ્રમજીવી વર્ગની વાત છે. આ પાત્રોને તેમણે નજીકથી જાણ્યાં-જોયાં છે. આર્કી જૉન્સના આપઘાતના પ્રયત્નથી વાર્તાની શરૂઆત થાય છે. સેમ્યુઅલ ઇકબાલ નામનો બંગાળી મુસ્લિમ બ્રિટનમાં સ્થાયી થવા ખૂબ મહેનત કરે છે. લગભગ પાંચ દશકાના સમયને આવરી લેતી આ કથા કેટલાંક કુટુંબોની ચડતીપડતી અને લાગણીઓના મનોવ્યાપારની વાત કરે છે. ઝેદીમાં આધુનિક ચાર્લ્સ ડિકન્સ દૃષ્ટિગોચર થાય છે. ‘માસ્ટરપીસ થિયેટરે’ તેના પરથી એક ટેલિફિલ્મ પણ બનાવી છે. આ નવલકથાને ‘વ્હાઇટબ્રેડ ફર્સ્ટ નૉવેલ ઍવૉર્ડ(2000)થી નવાજવામાં આવી છે. ‘ધી ઑટોગ્રાફ’(2002)માં હસ્તાક્ષરના સંગ્રાહક એવા એક ચાઇનીઝ યહૂદીની કોઈ નટીની મુલાકાતને આવરી લેતી કથા છે. તેને ‘જ્યૂઈશ ક્વાર્ટર્લી વિંગેટ લિટરરી પ્રાઇઝ’ એનાયત થયું છે. આ નવલકથાના પ્રકાશન બાદ સ્મિથને હાર્વર્ડ યુનિવર્સિટીના ‘રેડક્લિફ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડવાન્સ્ડ સ્ટડી’ની ફેલોશિપ પ્રાપ્ત થઈ છે. તેને ઉપક્રમે ચિંતનાત્મક નિબંધોનું તેમણે સંપાદન કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી