સ્મટ્સ, યાન ક્રિશ્ચિયન (જ. 24 મે 1870, બોવનપ્લાટ્ટસ, કેપ કૉલોની, દક્ષિણ આફ્રિકા; અ. 11 સપ્ટેમ્બર 1950, ઈરેને, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના રાજનીતિજ્ઞ, વડા સેનાપતિ અને વડાપ્રધાન (1919 –24, 1939–48).
ડચ વાંશિકતા ધરાવતા આ બાળકનો ઉછેર ખેતરો અને ખેતીની કામગીરી વચ્ચે થયેલો. પરિણામે પ્રકૃતિપ્રેમ અને ભૂમિપ્રેમ સહજ રીતે કેળવાયેલો. 16ની વયે વિક્ટોરિયા કૉલેજમાં વિજ્ઞાન અને વિનયન – બંને વિદ્યાશાખામાં અભ્યાસ કરી બંનેમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. ઈસ્યે ક્રિગ (Isie Krige) સાથેના પરિચયનો પ્રારંભ થયો, જે કાળક્રમે 1897માં લગ્નમાં પરિણમ્યો અને દૃઢ સાહચર્ય પામ્યા. 1891માં તેમણે સ્કૉલરશિપ મેળવી કેમ્બ્રિજમાં પ્રવેશ લીધો. કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થી તરીકે કારકિર્દી ઘડી. કાયદાશાસ્ત્રના ઊંડા અધ્યયનનો લાભ મેળવી, તત્વજ્ઞાન, કવિતા અને વિજ્ઞાનનો ગહન અભ્યાસ વિકસાવી અવ્વલ દરજ્જાના વિદ્વાન તરીકે પ્રથમ પંક્તિમાં રહ્યા. વોલ્ટ વ્હીટમૅન તેમના પ્રિય કવિ હતા, તેમના પર રચાયેલું સ્મટ્સનું પુસ્તક પ્રકાશકના અભાવે અપ્રકાશિત રહ્યું.
યાન ક્રિશ્ચિયન સ્મટ્સ
1895માં બ્રિટન છોડી કેપટાઉન પાછા ફરીને રાજકારણમાં સક્રિય બન્યા. ટ્રાન્સવાલ, જોહાનિસબર્ગ જેવાં સ્થળોએ ટૂંકો વસવાટ કરવા સાથે દક્ષિણ આફ્રિકાની રાજકીય પ્રવૃત્તિઓ અને 1918 પછી વિશ્વસ્તરે રાજકીય પ્રવૃત્તિઓના કેન્દ્રમાં રહ્યા.
1899માં બોઅર યુદ્ધ આરંભાયું ત્યારે તેમણે સરકારના અધિકારી અને સૈનિક તરીકેની બેવડી ભૂમિકા નિભાવી. પ્રીટોરિયા અને સરહદો વચ્ચેની આ બેવડી જવાબદારીએ તેમને ગેરિલા યુદ્ધશૈલીના કાબેલ સૈનિક બનાવ્યા. પછી તેઓ કુનેહબાજ લશ્કરી નેતા અને જનરલ બન્યા. ત્યાર બાદ ટ્રાન્સવાલ અને દક્ષિણ આફ્રિકા માટે જવાબદાર સરકાર રચવામાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહી. 1906માં બ્રિટને ટ્રાન્સવાલને સ્વશાસન આપ્યું. દરમિયાન દક્ષિણ આફ્રિકાની વસાહતોનું સંગઠન રચવા માટે તેમણે ભારે પરિશ્રમ ઉઠાવ્યો, જેને અંતે 1910માં યુનિયન ઑવ્ સાઉથ આફ્રિકાની રચના થઈ. તે વેળા બોથાના વડાપ્રધાનપદ હેઠળ તેઓ પ્રારંભે ગૃહમંત્રી, પછી ક્રમશ: સંરક્ષણમંત્રી, નાણામંત્રી અને ન્યાયમંત્રી નિમાયા.
1906માં બ્રિટને ટ્રાન્સવાલને સ્વશાસન આપ્યું ત્યારે સ્મટ્સ ત્યાં જનરલ તરીકે હોદ્દા પર હતા. રંગભેદની નીતિ સમગ્ર દક્ષિણ આફ્રિકામાં તેની પરાકાષ્ઠાએ હતી. એ અરસામાં ત્યાં ગાંધીના નેતૃત્વનો પ્રારંભ થયો હતો અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની શરૂઆતનો તબક્કો હતો. પ્રવેશ પરવાના, એશિયાટિક કાયદો અને ‘ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન ઍક્ટ’ (નવા આવનાર પર અંકુશ મૂકનાર ધારો) વારાફરતી રજૂ થયેલા. જેમાં મુખ્ય આશય હિંદીઓના પ્રવેશને અટકાવવાનો રહેતો. આથી ગાંધીજીને પહેલો, બીજો અને ત્રીજો સત્યાગ્રહ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. આ સત્યાગ્રહો વેળા જનરલ સ્મટ્સની પ્રતિભા મજબૂત, એંટવાળા અને વિશ્વાસભંગ કરનાર વ્યક્તિ તરીકે જાણીતી હતી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને સૌથી વધુ હંફાવનાર, બબ્બે વાર દીધેલાં વચનોને ફેરવી તોળનાર જનરલ સ્મટ્સ આમ છતાં શેષ જીવનમાં ગાંધીજીના પ્રશંસક બની રહ્યા.
‘મારું જીવન એ જ મારી વાણી’ના લેખક નારાયણ દેસાઈના મતે ‘બંનેમાં કેટલાક ગુણો સરખા હતા. બંને બૅરિસ્ટર હતા, બંનેએ જોહાનિસબર્ગની કોર્ટમાં સનદ લીધી હતી. બંને યુદ્ધમાં પરાક્રમી અને ગમે તેટલી વિપત્તિમાં પણ હિંમત ન હારે તેવા હતા. બંનેનાં કામ પાછળ ધાર્મિક પ્રેરણા હતી. માત્ર એક ઈશ્વરે જ એમને કાળાઓ અને રંગીન લોકો પર રાજ્ય કરવા મોકલેલા છે એમ માનતા અને બીજા ઈશ્વરના દરબારમાં સૌનું સમાન સ્થાન માનતા હતા. બંને વિચક્ષણ બુદ્ધિશાળી હતા; પણ એકના મનોરથ રાજકારણનાં શિખરો સર કરવાનાં તો બીજાના નૈતિક-આધ્યાત્મિક શિખરો ચડવાનાં હતા. સ્મટ્સ આગળ ઉપર બબ્બે વાર વાટાઘાટોમાં બોલીને ફરી ગયા હતા. ગાંધી બે વાર છેતરાયા છતાં ત્રીજી વાર વિશ્વાસ મૂકવા તૈયાર હતા.’ આવા ગાંધીસ્મટ્સ વચ્ચે થયેલી સમજૂતીથી અલબત્ત દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સર્વ પ્રશ્નો ઊકલ્યા નહોતા.
પંદર-સોળ વર્ષ બાદ ગોળમેજી પરિષદ વખતે સ્મટ્સ જ્યારે ગાંધીજીને મળ્યા ત્યારે તેઓ બંને મિત્રો બની ગયા હતા. 35 વર્ષ પછી એક સંગ્રહમાં તેમણે ગાંધીની રાજનૈતિક પદ્ધતિ નામના એક નિબંધમાં લખ્યું : ‘મારે નસીબે એક એવા માણસની સામે આવી જવું પડ્યું હતું કે જેને વિશે તે વેળા મારા મનમાં વધુમાં વધુ આદરભાવ હતો. મારે સાફ સાફ કબૂલ કરવું જોઈએ કે એની તે વખતની પ્રવૃત્તિઓ મારી તો આકરી કસોટી કરનારી જ હતી…..’
ગાંધી જેલમાં હતા ત્યારે એમને સારુ કેટલાંક પુસ્તકો જનરલ સ્મટ્સે મોકલ્યાં હતાં. એવી જ રીતે ગાંધીજીએ જેલમાંથી હાથે સીવેલી ચપ્પલોની જોડ જનરલ માટે મોકલી હતી. ગાંધીજીના મરણ બાદ ચપ્પલોની આ જોડ જનરલ સ્મટ્સે જોહાનિસબર્ગના રાષ્ટ્રીય સંગ્રહાલયને અર્પણ કરેલી. આ અંગે તેમણે જણાવેલું કે થોડાં વર્ષો તો હું ઉનાળાના દિવસોમાં એ વાપરતો; પરંતુ પાછળથી મને લાગ્યું કે આ માણસના પેંગડામાં પગ ઘાલવાની મારી લાયકાત નથી, એથી ચપ્પલની આ જોડી જનરલ સ્મટ્સે સાચવીને પછીની પેઢીઓ સારુ મૂકી રાખી. સ્મટ્સના મતે આ ભેટ એકલા તેમના કુટુંબનો જ નહિ પણ આખી માનવજાતનો વારસો હતી. તેમણે તે જોડ જોહાનિસબર્ગના રાષ્ટ્રીય સંગ્રહાલયને આપી દીધી. જનરલ સ્મટ્સની આ નિખાલસ કબૂલાત અનન્ય અને નોંધપાત્ર છે.
પહેલા વિશ્વયુદ્ધ(1914–18)માં તેઓ ગ્રેટ બ્રિટન વતી લડ્યા એટલું જ નહીં; પણ બ્રિટિશ સરકારની યુદ્ધ કેબિનેટના સભ્ય રહ્યા. અંતે લીગ ઑવ્ નૅશન્સની રચના માટે યોજાયેલી પૅરિસ શાંતિ પરિષદમાં લીગનું ખતપત્ર તૈયાર કરનાર સક્રિય સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી. 1919માં વડાપ્રધાન બોથાનું અવસાન થતાં તેઓ દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન બન્યા. 1924ની ચૂંટણીમાં તેઓ પરાજિત થયા. 1933ની સંયુક્ત (coalition) સરકારમાં તેઓ દ્વિતીય સ્થાને રહ્યા અને નાઝી જર્મની વિરુદ્ધ બ્રિટનને મદદ કરી. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન બ્રિટિશ ફીલ્ડ માર્શલ તરીકે કામગીરી બજાવી. 1939માં દક્ષિણ આફ્રિકાના ફરીથી વડાપ્રધાન બન્યા. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે યુનાઇટેડ નેશન્સનું ખતપત્ર ઘડનાર તેઓ અગ્રણી જવાબદાર નેતા હતા. આંતરરાષ્ટ્રીય રાજકારણનો પ્રખર અભ્યાસ તેમને અહીં ઘણો ઉપયોગી પુરવાર થયો. તેમનાં તત્વજ્ઞાન અંગેનાં લખાણો અને અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો ભારે દાદ મેળવતાં. દક્ષિણ આફ્રિકાના શ્યામવર્ણના નાગરિકો માટે તેમણે વધુ ઉદારનીતિની હિમાયત કરી હતી. 1948માં નૅશનાલિસ્ટ પક્ષે તેમના પક્ષને પરાજિત કરતાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને રાજકીય કારકિર્દીથી દૂર રહેવાનું પસંદ કર્યું.
રક્ષા મ. વ્યાસ