સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અમેરિકા

January, 2009

સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન, અમેરિકા : ફિઝિકલ એજ્યુકેશનની સંસ્થાઓમાં આ સંસ્થાની ગણના ફક્ત અમેરિકામાં જ નહિ; પરંતુ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે થાય છે.

સ્થાપના : 1885. વાય.એમ.સી.એ. (youngs men’s Christian Association) એ એમના વ્યવસ્થાપકોને જુદા જુદા પ્રકારની તાલીમ આપવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. 1887માં તેમાં શારીરિક શિક્ષણ વિભાગનો ઉમેરો કરવામાં આવ્યો, જેથી આ સંસ્થામાંથી તાલીમ લઈને જનાર તાલીમાર્થીઓ શારીરિક શિક્ષણની પ્રવૃત્તિઓ વાય.એમ.સી.એ.ની સંસ્થાઓમાં કરી શકે. શરૂઆતમાં આ સંસ્થામાં ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ચાલતા હતા; પરંતુ ત્યાર બાદ તેમાં લાંબા ગાળાના અભ્યાસક્રમો શરૂ થયા. 1891થી તો આ સંસ્થાએ ‘વાય.એમ.સી.એ. સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑફ ફિઝિકલ ઍજ્યુકેશન’ તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી હતી.

આ સંસ્થાને વિશ્વસ્તરની સંસ્થા બનાવવામાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો છે – રૉબર્ટ્સ જે. રૉબર્ટ્સ, લુથર એચ. ગુલિક તથા જેમ્સ હફ મક્કર્ડી. રૉબર્ટ્સ જે. રૉબર્ટ્સ આ સંસ્થામાં 1887માં જોડાયા અને ફક્ત ત્રણ વર્ષ (1887થી 1890) રહ્યા હતા; પરંતુ તેઓએ આ ત્રણ વર્ષમાં આ સંસ્થાને આગળ લાવવામાં સઘન પ્રયત્ન કર્યો હતો. લુથર એચ. ગુલિક સ્પ્રિંગફીલ્ડ કૉલેજમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા હતા. તેઓએ આ સંસ્થામાં શારીરિક શિક્ષણની સાથે સાથે સ્વાસ્થ્ય-શિક્ષણ અને વૈદ્યકીય પરીક્ષણ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેઓએ સતત 13 વર્ષ સુધી આ સંસ્થામાં નિષ્ઠાપૂર્વક સેવા આપી અને 1900માં રાજીનામું આપ્યું હતું. સ્પ્રિંગફીલ્ડ કૉલેજને સાચા અર્થમાં વિશ્વસ્તરની કૉલેજ બનાવવામાં સૌથી મોટો ફાળો જેમ્સ હફ મક્કર્ડીનો છે. કારણ કે 1889માં તેઓ આ સંસ્થામાંથી જ તાલીમ લઈ એમ.ડી.ની ડિગ્રી લેવા માટે ન્યૂયૉર્ક ગયા હતા. 1895માં તેઓ સ્પ્રિંગફીલ્ડ કૉલેજમાં શૈક્ષણિક સ્ટાફ તરીકે જોડાયા હતા તથા 1900માં જ્યારે ગુલિકે સંસ્થા છોડી ત્યારે મક્કર્ડીની શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. તેઓએ આ સંસ્થામાં સ્નાતક કક્ષાનો બી.પી.ઈ. અભ્યાસક્રમ તથા 1905માં અનુસ્નાતક કક્ષાનો એમ.પી.ઈ. અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. 1930થી 1950ના ગાળામાં રંજન અને શારીરિક શિક્ષણના અભ્યાસક્રમમાં તેમના માર્ગદર્શનને કારણે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. 1952માં અંડરગ્રૅજ્યુએટ અને ગ્રૅજ્યુએટ માટે શારીરિક શિક્ષણ અને રંજનની સાથે સાથે સ્વાસ્થ્યશિક્ષણનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો હતો. મક્કર્ડીએ વૈદ્યકીય તાલીમ લીધેલ હોવાથી તેઓએ લખેલ ‘ફિઝિયૉલૉજી ઑવ્ એક્સરસાઇઝ’ (Physiology of Exercise) પુસ્તક જગવિખ્યાત બન્યું હતું. આ સંસ્થામાં સતત ચાળીસ વર્ષ સુધી, એટલે કે 1935 સુધી સેવાઓ આપી નિવૃત્ત થયા હતા.

ભૂતકાળમાં જ્યારે ભારતમાં શારીરિક શિક્ષણની ઉચ્ચશિક્ષણ-સ્તરની સગવડ ન હતી ત્યારે ભારતના કેટલાક ખ્યાતનામ શારીરિક શિક્ષણશાસ્ત્રીઓ જેવા કે પદ્મશ્રી ડૉ. પી. એમ. જોસેફ, ગુજરાતના વસંતરાવ કપ્તાન વગેરેએ આ કૉલેજમાં જ શારીરિક શિક્ષણની તાલીમ લીધી હતી. આજે પણ શારીરિક શિક્ષણની તાલીમી સંસ્થા તરીકે સ્પ્રિંગફીલ્ડ કૉલેજ ઑવ્ ફિઝિકલ ઍજ્યુકેશનની વિશ્વકક્ષાએ નામના છે.

પ્રભુદયાલ શર્મા