સ્પેરી, એલ્મર એમ્બ્રૉસ (જ. 1860; અ. 1930, કૉર્ટલૅન્ડ, ન્યૂયૉર્ક) : અમેરિકન વિજ્ઞાની, શોધક અને નિર્માતા (manufacturer). નૌસંચાલન(navigation)માં વપરાતા વિધૂર્ણદર્શી(gyroscope)ની રચના અને વિકાસ માટે તે જાણીતા છે. તેમણે શિકાગોમાં આર્કલૅમ્પ્સ્ ઓહિયો અને ક્લીવલૅન્ડમાં વીજ-રેલમાર્ગો અને ન્યૂયૉર્ક શહેરમાં વિધૂર્ણદર્શીનું નિર્માણ કર્યું હતું.
તેમણે કૉર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ડાઇનેમો સાથે આર્કલૅમ્પ તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે વખતે શેરીઓમાં વપરાતા ગોળાઓ કરતાં આર્કલૅમ્પ વધારે કાર્યક્ષમ હતો. માત્ર 19 વર્ષની વયે શિકાગોમાં આવા ગોળાના નિર્માણ માટે ફૅક્ટરી સ્થાપનાર સ્પેરી પ્રથમ હતા. 40 વર્ષની વયે તેમણે માર્ગસૂચક સંકેતો વિકસાવ્યા અને શક્તિશાળી સર્ચલાઇટ તૈયાર કરી, જેનો પાછળથી લશ્કર અને નૌસેનામાં ઉપયોગ થવા લાગ્યો. તે સાથે તેમણે વિદ્યુતથી ચાલતી ખનન-સામગ્રીનો, ગાડીઓ અને ટ્રામનો વિકાસ કર્યો.
એલ્મર એમ્બ્રૉસ સ્પેરી
વહાણો માટે તેમણે 1911માં વિધૂર્ણદર્શીનો ઉપયોગ કરીને નવો જ કંપાસ તૈયાર કર્યો. વહાણમાં વધારે પડતું લોખંડ ભરવાથી ચુંબકીય કંપાસ અવિશ્વસનીય બની જાય છે; પણ સ્પેરીના વિધૂર્ણકંપાસ (gyrocompass) વડે તમામ મુશ્કેલીઓ દૂર કરી શકાઈ. સ્પેરીએ તેમના દીકરા લૉરેન્સના સહયોગથી એરક્રાફ્ટ માટે વિધૂર્ણદર્શીય સ્થાયીકારક(stabilizer)ની રચના કરી જેનું તેમણે 1914માં સફળતાપૂર્વક નિર્દેશન કર્યું. વિધૂર્ણકંપાસથી તેમણે વિધૂર્ણપાઇલટ (gyropilot) વિકસાવ્યો, જે વહાણનું સુકાન આપોઆપ ફેરવે છે.
જ્યારે યુ.એસ. પ્રથમ વિશ્વયુદ્ધમાં દાખલ થયું ત્યારે સ્પેરીએ ગન-કંટ્રોલ માટે અસંખ્ય મહત્વનાં સાધનો તૈયાર કર્યાં. આ શોધથી ટૉર્પીડો અને બંદૂકની અવધિ(range)માં અસરકારક વધારો થયો. તેમણે વિધૂર્ણદર્શી વડે નિયંત્રિત થઈ શકે તેવો હવાઈ ટૉર્પીડો પણ તૈયાર કર્યો.
સ્પેરીના મૂળ વિધૂર્ણદર્શીના વિકાસ વિના હાલની નૌસંચાલન-વ્યવસ્થા અસંભવ બની હોત. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેનો કેટલાંય લશ્કરી જટિલ ઉપકરણોમાં ઉપયોગ થયો હતો. તેમની શોધો એરક્રાફટ માટે પણ એટલી જ ઉપયોગી નીવડી છે. તેમણે નૌકાદળ અને હવાઈદળને આધુનિક બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
પ્રહલાદ છ. પટેલ