સ્પેન્સર એડમન્ડ
January, 2009
સ્પેન્સર, એડમન્ડ (જ. 1552/1553, લંડન; અ. 13 જાન્યુઆરી 1599, વેસ્ટમિન્સ્ટર, લંડન) : અંગ્રેજ કવિ. ‘ધ ફેરી ક્વીન’ નામના સુદીર્ઘ કાવ્ય અને ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા’ નામના પદ્યબંધથી સુપ્રસિદ્ધ. તેમના જીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે. તેમનો નાતો મિડલૅન્ડ્ઝના સ્પેન્સર (Spencer) પરિવાર સાથે હતો. આ કુટુંબની ત્રણ સન્નારીઓ- કૅરી, કૉમ્પ્ટન અને સ્ટ્રેન્જને ત્રણ કાવ્યો અર્પણ કરેલાં. મર્ચન્ટ ટેલરની પ્રાથમિક શાળામાં ‘ગરીબ વિદ્યાર્થી’ તરીકે સ્પેન્સરના નામનો ઉલ્લેખ થયો છે. આ શાળાના મુખ્ય શિક્ષક રિચર્ડ મલકેસ્ટરનું નામ તે સમયે ખૂબ જાણીતું હતું. એક અઠવાડિયાના 45 કલાક પ્રમાણે સ્પેન્સર અહીં લૅટિન, થોડું હિબ્રૂ, ગ્રીક અને સંગીત શીખ્યા હોય એમ માનવામાં આવે છે. 1569માં પેમ્બ્રોક હૉલ, કેમ્બ્રિજમાં દાખલ થઈ 1573માં સ્નાતકની પદવી અને 1576માં એમ.એ.ની ઉપાધિ મેળવી. પૅટ્રાર્ક અને દુ બેલેના સૉનેટના અંગ્રેજીમાં અનુવાદ કર્યા. 1578માં બિશપ જૉન યંગના સેક્રેટરી થયા. ફિલિપ સિડનીના પરિચયમાં આવ્યા. 1579માં મેક્કાબિયસ ચાઇલ્ડ સાથે તેમનું લગ્ન. તેમણે આયર્લૅન્ડના લૉર્ડ ગ્રે દ વિલ્ટનના સેક્રેટરી તરીકે પણ કાર્ય કર્યું. 1598માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા. તે પહેલાં આયર્લૅન્ડમાં અનેક સ્થાનોએ નોકરી કરી.
1579માં ‘ધ શેફડર્ઝ કૅલેન્ડર’ નામની કાવ્યરચના તેમના નામ વગર પણ ‘સિડનીને અર્પણ’ થયાની નોંધ સાથે પ્રસિદ્ધ થઈ. ‘કમ્પ્લેન્ટ્સ’ (1591) નવ કાવ્યોનો સંગ્રહ છે. ‘ડેફનેડા’ (1591) લેડી હૉવાર્ડના મૃત્યુ નિમિત્તે લખાયેલું કરુણપ્રશસ્તિ કાવ્ય છે. ‘ઍમોરેટ્ટી’ અને ‘એપિથાલેમિયૉન’ (1595) એક જ ગ્રંથમાં પ્રસિદ્ધ થયાં. આ સૉનેટમાળા એલિઝાબેથ બૉયલ સાથેની પ્રણયગાથા છે. કવિ પાછળથી તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા. તેમના પુત્રનું નામ પેરેગીન હતું. કોલિન ક્લાઉટ્સ કમ હોમ અગેઇન’ (1595) આત્મલક્ષી ગોપકાવ્ય છે. ‘ફોર હિમ્સ’ (1596) માનવીય અને દૈવી પ્રેમ વિશેનું ચિંતનકાવ્ય છે. ‘પ્રોથાલેમિયન’ (1596) કેથેરિન અને એલિઝાબેથ ઉભયના વિવાહને નવાજતું કાવ્ય છે. ‘અ વ્યૂ ઑવ્ ધ પ્રેઝન્ટ સ્ટેટ ઑવ્ આયર્લૅન્ડ’ (1598) સંપાદનમાં ગદ્ય લખાણ તરીકે નોંધાયેલું; પરંતુ છેક 1633માં સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ થયેલું. ‘ધ ફેરી ક્વીન’ના પ્રથમ ત્રણ ભાગ અને પાછળથી ત્રણ ભાગ 1590થી 1596 દરમિયાન પ્રસિદ્ધ થયેલા. સંપૂર્ણ કાવ્ય 1609માં સ્પેન્સરના અવસાન બાદ દસ વર્ષ પછી ‘મ્યૂટેબિલિટી કૅન્ટોઝ’ સાથે પ્રકાશિત થયેલું.
એડમન્ડ સ્પેન્સર
સર વૉલ્ટર રેલેની મદદથી ‘ધ ફેરી ક્વીન’ પ્રસિદ્ધ થયું. કિલ્કોલમૅનમાં 1589માં સ્પેન્સર તેમને મળેલા. રાણી એલિઝાબેથને તે કાવ્ય રૂબરૂ આપવાનું નક્કી થયેલું. ‘કોલિન ક્લાઉટ્સ કમ હોમ અગેઇન’માં આ વાતનો સંદર્ભ મળે છે. 1590માં રાણીને અર્પણ થયેલા ત્રણ ભાગ પ્રસિદ્ધ થયેલા. 1591માં રાણીએ સ્પેન્સરને જીવનભર પેન્શન આપવાનો હુકમ કરેલો.
ટાયરોને 1598માં આયર્લૅન્ડમાં બળવો કરેલો. કિલ્કોલમૅનના મહેલને આગ લગાડવામાં આવી. સ્પેન્સરને કૉર્કમાં રહેવા જવું પડ્યું. ત્યાંથી તે ઇંગ્લૅન્ડ ચાલ્યા ગયેલા. 1599માં વેસ્ટમિન્સ્ટરમાં તેમનું અવસાન થતાં વેસ્ટમિન્સ્ટર એબીમાં દફનાવવામાં આવ્યા. તેમના અવસાન સમયે કેટલાક કવિઓ હાજર રહેલા. તેમણે લખેલી પ્રશસ્તિઓની કલમો તેમના મૃતદેહ સાથે કબરમાં મૂકવામાં આવેલી. 1620માં વેસ્ટમિન્સ્ટર એબીમાં ‘પોતાના સમયના કવિઓના રાજકુમાર’નું બિરુદ પામેલા સ્પેન્સર માટે મેમૉરિયલ રચવામાં આવેલું. 1778માં તેને આરસમાં કંડારવામાં આવેલું. સ્પેન્સરના સમગ્ર સર્જનને 1611માં પ્રસિદ્ધ કરવામાં આવેલું.
વાલ્ડો એફ. મેકનેર અને ફૉસ્ટર પ્રોવોસ્ટે ‘એનોટેટેડ બિબ્લિયૉગ્રાફી ઑવ્ એડમન્ડ સ્પેન્સર’ 1962માં પ્રકાશિત કરેલી. ઈ. એ. ગ્રીનલૉએ 10 ગ્રંથોમાં ‘ધ વર્ક્સ ઑવ્ એડમન્ડ સ્પેન્સર, અ વેરિયોરમ એડિશન’ (1932–1949) પ્રસિદ્ધ કરેલ. ઍલેક્ઝાન્ડર સી. જડ્સને ‘ધ લાઇફ ઑવ્ એડમન્ડ સ્પેન્સર’ (1943; 1966) પ્રસિદ્ધ કરેલ. જેન આપ્ટેકરે પણ ‘ધ પોએટ્રી ઑવ્ ધ ફેરી ક્વીન’ ગ્રંથ 1967માં પ્રકાશિત કરેલો.
વિ. પ્ર. ત્રિવેદી