સ્પેથોડિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નૉનિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકાની મૂલનિવાસી (native) છે અને તેને શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. ભારતમાં તેની બે જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે.

સ્પેથોડિયા

Spathodia campanulata Beauv. (હિં. રુગતૂરા, તા. પાટડી, તે. પાટડિયા, અં. આફ્રિકન ટ્યૂલિપ ટ્રી, સ્ક્વર્ટ ટ્રી) અનુકૂળ સંજોગોમાં આશરે 22 મી.ની ઊંચાઈ સુધી પહોંચતી વૃક્ષજાતિ છે. ઉદ્યાનો અને વૃક્ષવીથિ(avenue)માં છાયા માટે અને પુષ્પોની સુંદરતા માટે ઉછેરવામાં આવે છે. શુષ્ક વિસ્તારોમાં થોડાંક અઠવાડિયાં માટે તેનાં પર્ણો ખરી જાય છે; પરંતુ ભેજયુક્ત આબોહવામાં તે સદાહરિત (ever-green) રહે છે. ચીન અને ઉત્તર અમેરિકાની ટ્યૂલિપ ટ્રી તરીકે ઓળખાતી જાતિ Liriodendron tulipifera (કુળ – મૅગ્નોલિયેસી) જુદી જ જાતિ છે. કલિકાઓ પાણીથી ભરેલી હોય છે અને તેને દબાવવામાં આવે ત્યારે તે પ્રવાહીની પિચકારી છોડે છે. પર્ણો અસમ પિચ્છાકાર (imparipinnate), સંયુક્ત, ઘેરાં લીલાં અને 30 સેમી.થી 45 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ મોટે ભાગે ઉપવલયાકાર (elliptic) કે અંડાકાર (oval) હોય છે. પુષ્પનિર્માણ જૂન–જુલાઈથી શરૂ થઈ નવેમ્બર–ડિસેમ્બર સુધી થાય છે. પુષ્પો ઘંટાકાર, સિંદૂરી લાલ અથવા નારંગી રંગના અને લટકતી સઘન અગ્રીય કલગી (racemes) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, લંબચોરસ–ભાલાકાર (oblong-lanceolate) હોય છે. બીજ સપક્ષ (winged) હોય છે.

આ વૃક્ષ સુંદરતમ વૃક્ષો પૈકીનું એક છે. તેનો લાંબી અને વિશાળ લોનની સુંદરતા વધારવા માટે ઉપયોગ થાય છે. નદીકિનારે તેને વાવવાથી ભૂક્ષરણ(soil-erosion)નું નિયંત્રણ થાય છે. ઘરડાં વૃક્ષો ભયજનક હોય છે; કારણ કે તેઓ પોલાં બને છે અને ગમે ત્યારે પડી જાય છે. ઊંડી રેતાળ ગોરાડુ કે સારી નિતારવાળી તૈયાર કરેલી મૃદા તેને અનુકૂળ હોય છે. તેની વૃદ્ધિ માટે મૃદા સારી ભેજવાળી હોવી જરૂરી છે; પરંતુ કઠણ મૃદામાં તેની વૃદ્ધિ અવરોધાય છે.

તેનું પ્રસર્જન મૂળ-અંત:ભૂસ્તારી (root-sucker), કટકારોપણ કે બીજ દ્વારા થાય છે. દસેક વર્ષમાં આ વૃક્ષ 9થી 12 મી. સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ વૃક્ષનો મુખ્ય ગેરલાભ એ છે કે તેની શાખાઓ કડાક દઈને તૂટી જાય છે અને જમીન ઉપર પડેલાં દલપત્રો કોહવાવા લાગે છે, તેથી વીથિમાં અને ગુચ્છમાં તેમને 15 મી. જેટલા અંતરે ઉછેરવાં જરૂરી બને છે.

તેનું કાષ્ઠ (વજન, 641 કિગ્રા./ઘમી.) સફેદ, પીળાશ પડતું સફેદ કે બદામી રંગનું; મૃદુ અને સંકુલિત કણયુક્ત (close-grained) હોય છે. તે સુથારીકામ માટે અનુકૂળ હોય છે અને કાગળના માવા માટેનો સ્રોત ગણાય છે. તે અગ્નિનો અવરોધ કરે છે અને લુહારની ધમણમાં વપરાય છે.

બીજ ખાદ્ય ગણવામાં આવે છે. છાલનું ચૂર્ણ બનાવી તેને ચાંદાં પર અને ત્વચાની અન્ય તકલીફોમાં લગાડવામાં આવે છે. તાજી આંતરછાલનો પણ આ માટે ઉપયોગ થાય છે. છાલનો ક્વાથ (decoction) મરડો અને જઠરાંત્રીય (gastro-intestinal) તથા મૂત્રપિંડની તકલીફોમાં અપાય છે. પર્ણોનો આસવ મૂત્રમાર્ગશોથ-(urethritis)માં ઉપયોગમાં લેવામાં આવે છે. ફળની મધ્યમાં આવેલા ભાગમાંથી તૈયાર કરવામાં આવેલો આસવ ઝેરી હોય છે અને આદિવાસીઓ શિકારને ઝેર આપવામાં તેનો ઉપયોગ કરે છે.

પુષ્પો પેલારગોનિડિન ડાઇગ્લાયકોસાઇડ ધરાવે છે. કેટલાક નમૂનાઓમાં અન્ય ગ્લાયકોસાઇડ, મૅલ્વિડિન અલ્પ જથ્થામાં મળી આવ્યો છે. છાલમાં ટેનિન હોય છે. પર્ણોમાં ક્લોરોજેનિક ઍસિડ હોવાનું માલૂમ પડ્યું છે.

  1. milotica ઉપર્યુક્ત જાતિ કરતાં થોડી નાની જાતિ છે. તેનાં પુષ્પો કેસરી પડતાં લાલ હોય છે અને વૃક્ષ 3થી 4 વર્ષનું થાય ત્યારથી પુષ્પનિર્માણ કરે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ