સ્પિનોઝા બેનિડિક્ટ
January, 2009
સ્પિનોઝા, બેનિડિક્ટ (જ. 24 નવેમ્બર 1632, ઍમસ્ટરડૅમ, હોલૅન્ડ; અ. 21 ફેબ્રુઆરી 1677, હેગ) : આધુનિક તર્કબુદ્ધિવાદી તત્વચિંતક. આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનના તર્કબુદ્ધિવાદી ચિંતકોમાં ફ્રાન્સમાં રેને ડેકાર્ટ (1596થી 1650), ઍમસ્ટરડૅમમાં સ્પિનોઝા અને જર્મનીમાં લાઇબ્નિઝ(1646થી 1716)નું પ્રદાન નોંધપાત્ર છે.
બેનિડિક્ટ સ્પિનોઝા
તેઓના શ્રીમંત યહૂદી વ્યાપારી પિતા માઇકલ એસ્પિનોઝા ઈ. સ. 1630થી 1650 સુધી સિનેગોગ(યહૂદી ધર્મસ્થાન)ના વૉર્ડન હતા. બાળપણમાં સ્પિનોઝાએ ‘યહૂદી અકાદમી’માં હિબ્રૂમાં ‘તાલમદ’ (યહૂદી ધર્મગ્રંથ), ‘બાઇબલ’ તથા યહૂદી તત્વજ્ઞ મેમૉનિડિસના યહૂદી ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. પરંતુ કંઠસ્થીકરણ અને પુનરાવર્તનયુક્ત હિબ્રૂ ‘સ્કૉલેસ્ટિક’ શિક્ષણની મર્યાદાને કારણે પોતાની જાતને તેમણે સિનેગોગથી અળગી કરી. પછી તેઓ ડચ વિદ્વાન ફ્રેન્ઝ-વાન-દેન-એન્ડે પાસેથી લૅટિન શીખ્યા. તેઓ ડચ, સ્પૅનિશ, પોર્ટુગીઝ, હિબ્રૂ, ફ્રેન્ચ, ઇટાલિયન ભાષા બોલી શકતા અને જર્મન, લૅટિન, ગ્રીક ભાષાઓ જાણતા. લુડવિગ મેયર પાસે તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ કર્યો. ડેકાર્ટ, બ્રુનો, હોબ્સ વગેરેના ગ્રંથોનું વાચન અને ફ્રેન્ઝની સ્કૂલમાં ગણિતશાસ્ત્ર તથા પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ કરવાથી તેમના અભ્યાસનું ક્ષેત્ર ખૂબ વૈવિધ્યસભર બન્યું. ક્રાંતિકારી વિચારોના કારણે 1656માં યહૂદી ધર્મગુરુઓએ તેમનો ધાર્મિક બહિષ્કાર કર્યો.
યુવાનીમાં તેઓ ફ્રેન્ઝની નમણી પુત્રીના પ્રેમમાં પડ્યા, પણ તે યુવતી અન્ય પ્રેમી સાથે જતી રહી. તે પછી સ્પિનોઝા કોઈના પણ પ્રત્યે કટુતા રાખ્યા વગર કે ભયભીત થયા વગર સાદું, સંતોષી, નિર્મોહી, કરકસરયુક્ત, એકાકી, પવિત્ર જીવન જીવ્યા. પોતાના નામ ‘બરુચ’ને સ્થાને લૅટિન સમાનાર્થી ‘બેનિડિક્ટ’ (= ભાગ્યશાળી) નામ ધારણ કરીને મર્યાદિત મિત્રો અને શિષ્યો વચ્ચે આનંદથી રહ્યા. અગાધ બુદ્ધિ, શ્રેષ્ઠ ચારિત્ર્ય, સત્યપ્રેમ, નિ:સ્વાર્થતા જેવા તેમના ગુણો સાચા તત્વજ્ઞનું સૂચન કરે છે. સ્ત્રી અને ધન પ્રત્યે તેમને જરા પણ મોહ ન હતો. ઓરમાન બહેન રેબેકા સામે લડત આપી પોતાની મિલકતનો કાયદેસર હક્ક સ્થાપિત કરી પછી તે મિલકત બહેનને જ આપી દીધી. પોતાનું વિચારસ્વાતંત્ર્ય ન જોખમાય તે માટે હેઇડેલબર્ગ યુનિવર્સિટીના પ્રાધ્યાપકપદના આમંત્રણને નકાર્યું. તેમના પ્રશંસક સાયમન દ વ્રાઇસના વારસદારે 500 ફ્લોરિનનું પેન્શન નક્કી કર્યું ત્યારે 300થી વધારે લેવાની તેમણે ના પાડી. પોતે મિત્રને ત્યાં રહી ચશ્માંના કાચ ઘસીને વેચવાનો વ્યવસાય કુશળતાપૂર્વક કરીને ગુજરાન ચલાવ્યું.
તેઓ 1661માં લેઈડન નજીક રહાઇન્સબર્ગ, 1663માં વૂરબર્ગ અને 1670માં હેગ ગયા. અભ્યાસુ વૃત્તિથી તત્વજ્ઞાન માટે આજીવન મથ્યા. દ વિટ બંધુઓ સાથેની મૈત્રી, જર્મન તત્વજ્ઞ લાઇબ્નિઝ સાથેનું મિલન અને લંડન રૉયલ સોસાયટીના મંત્રી ઓલ્ડેનબર્ગ, શરીરવિજ્ઞાની વૉસ, ભૌતિકશાસ્ત્રી હ્યૂજી વગેરે સાથેના પત્રવ્યવહારને લીધે તેમનું જીવન અને ચિન્તન સમૃદ્ધ બન્યું. તેમના જીવનમાં અને સિદ્ધાંતોમાં બૌદ્ધિક અને નૈતિક ઊંડાણ અને સામંજસ્ય હતું. વ્યવસાય અને અભ્યાસમાં અત્યંત પરિશ્રમથી, વારસાગત નિર્બળ ફેફસાંથી તથા શ્વાસમાં રજકણો જવાથી ક્ષયનો ભોગ બનીને 44 વર્ષની ઉંમરે 1677માં તેમનું મૃત્યુ થયું.
સ્પિનોઝાની વિચારસરણીનું અર્થઘટન અને મૂલ્યાંકન વિદ્વાનોએ અલગ અલગ રીતે કરેલું છે. ઘણા અભ્યાસીઓ તેમને નાસ્તિક ગણીને ધર્મના કટ્ટર દુશ્મન જણાવતા, તો વળી કેટલાક ચિંતકો તેમને સાચા અર્થમાં ધાર્મિક ગણતા. સામાન્ય ધર્મપ્રેમી માણસે કલ્પેલા ઈશ્વરના સ્વરૂપ જેવું તેમના દ્વારા નિરૂપિત ઈશ્વરનું સ્વરૂપ નથી. તેમની વિચારણા અમૂર્ત પદો અને શાસ્ત્રીય પરિભાષા દ્વારા વ્યક્ત થયેલી હોવાથી તેમની વિચારણાનું સંક્ષેપમાં નિરૂપણ કરવું પણ સરળ નથી.
તેઓના મત પ્રમાણે તત્વજ્ઞાનનો મુખ્ય હેતુ માણસને મુક્તિનો માર્ગ ચીંધવાનો છે. શાશ્વત અને અનંત તત્વ(ઈશ્વર)ને પ્રાપ્ત કરવામાં અને તે તત્વ પ્રત્યે પ્રેમ કેળવી તેની આરાધના કરવામાં જ આપણું હિત સમાયેલ છે અને આ બૌદ્ધિક પ્રેમ કે પરમાનંદની સ્થિતિ (મોક્ષ) સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે. તેઓની વિચારસરણી બે પુસ્તકોમાં વ્યક્ત થઈ છે, તેમાંનું 1. ‘થિયૉલોજિકો – પોલિટિકલ ટ્રીટાઇઝ’ 1670માં પ્રકાશિત થયું. ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ની ટીકા સાથે રાજકીય સિદ્ધાંતના સંયોજનરૂપ આ પુસ્તકની પ્રસિદ્ધિથી ધર્મવેત્તાઓમાં ખળભળાટ મચ્યો. 2. તેમના ‘ધી એથિકા’ ગ્રંથના પાંચ ભાગ 1677માં તેમના મિત્ર લુડવિગ મેયરે મરણોત્તર પ્રકાશિત કર્યા. તેના પાંચ ભાગમાં વિશ્વનું વ્યવસ્થિત તત્વજ્ઞાન રજૂ થયું છે. તેના પહેલા ભાગમાં ઈશ્વરના સ્વરૂપની, બીજા ભાગમાં માનવમનનાં મૂળ અને કાર્યોની, ત્રીજા ભાગમાં આવેગોના સ્વરૂપની, ચોથામાં માનવબંધનની અને પાંચમા ભાગમાં બુદ્ધિશક્તિ, માનવસ્વાતંત્ર્ય અને માનવમુક્તિની ચર્ચા છે. આમ ‘ધી એથિકા’માં તત્વવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને નીતિશાસ્ત્ર વ્યક્ત થયું છે. આ ગ્રંથમાં સ્વત:સિદ્ધ સિદ્ધાંતોમાંથી નિગમન તર્ક દ્વારા બધું ચોક્કસ રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
તત્વજ્ઞાનના ક્ષેત્રમાં નિશ્ચિત જ્ઞાનપ્રાપ્તિ માટે ડેકાર્ટ ગાણિતિક પદ્ધતિની હિમાયત કરે છે તેને સ્પિનોઝા અનુસરે છે. ગણિતની તર્કબદ્ધતા અને સુસંગતતા શંકાથી પર છે અને તેના નિષ્કર્ષો સરળ અને સાર્વત્રિક રીતે સ્વીકારાય છે. આ ગાણિતિક કે ભૌમિતિક પદ્ધતિ લાગણીથી પર છે તેથી તેની મદદ વડે પોતાના વિચારોને આવેગો અને પૂર્વગ્રહોથી મુક્ત રીતે, બિનઅંગતપણે રજૂ કરી શકાય છે અને આ પદ્ધતિ સૂત્રાત્મક હોવાથી સંક્ષેપમાં સચોટ રજૂઆત થઈ શકે છે. ડેકાર્ટની નિગમનાત્મક પદ્ધતિ સ્વીકારીને સ્પિનોઝાએ અનેક સ્વત:-સિદ્ધ સૂત્રો અને સિદ્ધાંતોને આધારે તત્વજ્ઞાનમાં, ભૂમિતિની જેમ, લગભગ 250 પ્રમેયો આપ્યાં. આ પદ્ધતિમાં કોઈ પણ પદની વ્યાખ્યા અગત્યની છે. જો વ્યાખ્યા બદલાય તો નિષ્કર્ષ પણ બદલાય.
તેઓના ‘ધી એથિકા’ (અથવા ‘એથિક્સ’) પુસ્તકના પહેલા ભાગમાં દ્રવ્ય, ગુણધર્મો અને પર્યાય(Substance, Atributes & Modes)ના ખ્યાલો રજૂ થયા છે, જે તેમની તત્વમીમાંસાના પાયાના ખ્યાલો છે. દ્રવ્યનો ખ્યાલ કેન્દ્રવર્તી છે. ‘દ્રવ્ય તે છે જે પોતાના અસ્તિત્વ માટે તેમજ જ્ઞાન માટે સ્વતંત્ર છે.’ તેઓના મતે આવું દ્રવ્ય તે ઈશ્વર છે. તે એક છે, અદ્વિતીય છે, નિરપેક્ષ રીતે સ્વતંત્ર છે, અનંત છે, સ્વયંભૂ (પોતે જ પોતાનું કારણ) છે, નિત્ય છે, પરિપૂર્ણ છે, અપરિવર્તનશીલ છે, વ્યક્તિત્વથી પર છે. જો તેને માનવીય વ્યક્તિમત્તા હોય તો તે તેની મર્યાદાસૂચક બની જાય.
‘ગુણધર્મ તે છે જેને બુદ્ધિ દ્રવ્યના હાર્દ તરીકે પ્રત્યક્ષીકૃત કરે છે.’ ઈશ્વર દ્રવ્ય છે અને તે અનંત ગુણધર્મ ધરાવે છે. આમાંના ‘વિચાર’ અને ‘વિસ્તાર’ – આ બે ગુણધર્મોને આપણે જાણીએ છીએ.
‘પર્યાય તે છે જે પોતાના અસ્તિત્વ તેમજ જ્ઞાન માટે અન્ય તત્વ ઉપર અવલંબે છે.’ પર્યાય દ્રવ્યનું રૂપાંતર છે. દ્રવ્ય વિના પર્યાયોનું અસ્તિત્વ શક્ય નથી. બધા જ પર્યાયો પરાવલંબી છે. જગતમાં પરિવર્તન વાસ્તવિક છે અને સર્વ પરિવર્તનો છતાં તેમનું દ્રવ્ય અવિચળ રહે છે. આ જગતની તમામ બાહ્ય વસ્તુઓ અને આપણી ચેતનાની આંતરિક અવસ્થાઓ પર્યાયો છે.
‘ઈશ્વરને જગત સાથે કેવો સંબંધ છે ?’ આ પ્રશ્નના જવાબમાં ડેકાર્ટ ‘ઈશ્વરવાદ’નો મત રજૂ કરે છે, જે મુજબ ઈશ્વર સૃષ્ટિનું બાહ્ય અનુભવાતીત કારણ છે અને તે સૃષ્ટિથી ભિન્ન છે. આ પ્રશ્ન પરત્વે સ્પિનોઝા ‘સર્વેશ્વરવાદ’ રજૂ કરે છે, જે મુજબ ઈશ્વર જગતનું તાર્કિક અધિષ્ઠાન છે. ઈશ્વર સૃષ્ટિમાં છે અને સૃષ્ટિ ઈશ્વરમાં છે. જગતમાં અનિષ્ટ વગેરેની આખરી સત્તા નથી. ઈશ્વર અદ્વિતીય સર્જક (Natura Naturans) છે અને અદ્વિતીય સર્જન (Natura Naturata) પણ છે. દ્રવ્ય = ઈશ્વર = પ્રકૃતિ = વિશ્વ આવી સમજૂતી તેઓ આપે છે. પ્રકૃતિમાં કોઈ પ્રયોજનો નથી, લક્ષ્યો નથી, અંતિમ કારણો નથી એમ તેઓ જણાવે છે.
શરીર અને મનના સંબંધને સમજાવવા માટે ડેકાર્ટ ‘આન્તરક્રિયાવાદ’ રજૂ કરે છે. તે મુજબ શરીર અને મન એકબીજાથી ભિન્ન જ છે, તેમ છતાં બંને એકબીજાને અસર કરે છે. દા. ત., તાવ આવ્યો હોય તો કામ ન સૂઝે અને મન જો ચિંતાતુર હોય તો અલ્સર, એસિડીટી જેવા રોગો થાય. આવી અસરો કેમ થાય છે તેનો કોઈ ખુલાસો મળતો નથી તેમ ડેકાર્ટ જણાવે છે. સ્પિનોઝા ‘સમાંતરવાદ’ દ્વારા મન-શરીર સમસ્યાનો ખુલાસો આપવાનો પ્રયત્ન કરે છે. શરીર વિસ્તારયુક્ત છે અને મન વિચારયુક્ત છે. એક જ દ્રવ્ય ઈશ્વરના આ બંને ગુણધર્મો એકબીજાથી સ્વતંત્ર છે. વિચારના ગુણધર્મનું રૂપાંતર વિચારના પર્યાયોમાં અને વિસ્તારના ગુણધર્મનું રૂપાંતર વિસ્તારના પર્યાયોમાં થાય છે. બંને વચ્ચે કોઈ આંતરસંબંધ નથી, પણ બંને એક જ દ્રવ્ય(ઈશ્વર)નાં પરિણામો છે અને બંને એકબીજાને સમાંતર ચાલે છે તેથી એકબીજા ઉપર અસર કરે છે તેવું જે લાગે છે તે આભાસ છે.
જ્ઞાનમીમાંસામાં સ્પિનોઝા જ્ઞાનની ત્રણ કક્ષાઓ (levels, grades, stages) દર્શાવે છે : 1. સંવેદન અને કલ્પના તેના દ્વારા સીમિત જ્ઞાન મળે છે અને તે અભિપ્રાયાત્મક હોય છે. આ જ્ઞાન દૈનિક જીવનમાં ઉપયોગી છે, પણ તેનાથી સાચું જ્ઞાન ન મળે. 2. બૌદ્ધિક જ્ઞાન (કે તર્ક) તે કલ્પનાથી આગળ જાય છે અને તેનાથી વૈજ્ઞાનિક જ્ઞાન મળે છે, તેનાથી સ્પષ્ટ અને નિશ્ચિત વિચારો મળે છે, તેમાં સાબિતી અપાય છે. 3. અંત:સ્ફુરણા (કે અંતર્દર્શન) તે શ્રેષ્ઠ જ્ઞાન છે. આ કક્ષાએ આપણે પહોંચીએ છીએ ત્યારે ઈશ્વર વિશે વધુ ને વધુ સભાન બનીએ છીએ અને વધારે પૂર્ણ તથા સુખી બનીએ છીએ. તેનાથી અનિવાર્યપણે ઈશ્વર પ્રત્યેનો બૌદ્ધિક પ્રેમ નિષ્પન્ન થાય છે. અંત:સ્ફુરણાથી સ્વયંસિદ્ધ સત્યો મેળવીને તેમાંથી નિગમન-પદ્ધતિ દ્વારા તારણો મેળવવાની ડેકાર્ટની પદ્ધતિને સ્પિનોઝા અનુસરે છે.
મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓ બુદ્ધિ, સંકલ્પ અને આવેગો વિશે રજૂઆત કરે છે. મન કે આત્મા જ્યારે વિચારોને જાણે છે ત્યારે તે બુદ્ધિ છે; જ્યારે તે સાચા-ખોટાને સ્વીકારે કે ઇન્કારે છે ત્યારે તે સંકલ્પ કે ઇચ્છા છે. આવેગો આપણી અજ્ઞાનતા અને અસ્પષ્ટતાને લીધે છે. તે માનવ-સ્વભાવની ક્ષતિઓ નથી, પણ તેના આવશ્યક ગુણો છે. ઇચ્છા, આનંદ અને શોક – આ ત્રણ મૂળભૂત આવેગો છે. આનંદ ઓછી પૂર્ણતાથી વધુ પૂર્ણતા તરફનું સંક્રમણ છે.
નીતિશાસ્ત્રમાં તેઓ મૌલિક વિચારો રજૂ કરતાં જણાવે છે કે મનનું પરમ શ્રેય ઈશ્વરજ્ઞાનમાં છે અને મનનો પરમ સદગુણ પણ ઈશ્વરજ્ઞાન છે. સૉક્રેટિસની જેમ તેમના ચિંતનમાં પણ સદગુણ અને જ્ઞાનનું તાદાત્મ્ય છે. આપણે નિષ્ક્રિય હોઈએ ત્યારે પ્રમાદી અને નિર્બળ હોઈએ છીએ અને સક્રિય હોઈએ ત્યારે સબળ અને સદગુણી હોઈએ છીએ. તેઓના મતે દેહદમન કે સંસારત્યાગ જરૂરી નથી. સંકલ્પ-સ્વાતંત્ર્યનો તેઓ નિષેધ કરે છે. હાસ્ય, મજાક, આનંદ, પ્રેમને તેઓ જીવનમાં જરૂરી માને છે.
માનવબંધન અને માનવમુક્તિ એ તેમના ‘એથિક્સ’ ગ્રંથના છેલ્લા બે ભાગોના વિષયો છે. આવેગોનું નિયમન કરવાની ખામી અને તેને અવરોધવાની શક્તિની ખામી એ બંધનની અવસ્થા છે. બીજા શબ્દોમાં, આવેગોના પ્રવાહમાં તણાતા રહેવું અને આપણા સાચા ધ્યેય અંગેનું અજ્ઞાન ઘટાવવું એ બે બંધન માટે કારણભૂત છે. સ્પષ્ટ અને નિશ્ચિત વિચારક્રિયા દ્વારા આ બંધનની અવસ્થામાંથી આપણી જાતને મુક્ત કરી શકાય છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિની બે બાજુઓ છે : 1. આવેગોમાંથી છુટકારો અને 2. અસ્પષ્ટ અને ખોટા વિચારોમાંથી છુટકારો. આ બંને વસ્તુ એક જ છે. તેમના મતે જ્ઞાનનું સુખ એ જ સાચું સુખ છે.
યહૂદી કે ખ્રિસ્તી ધર્મની પરંપરા પ્રમાણે સ્વીકારવામાં આવેલો ઈશ્વર વિશેનો વિચાર સ્પિનોઝાને માન્ય ન હતો. ન્યૂયૉર્કથી પ્રકાશિત થયેલાં કેરન આર્મસ્ટ્રૉંગના પુસ્તક ‘A History of God’(1993)માં ઈશ્વર વિશેના વિચારમાં જે અસાધારણ વૈવિધ્ય છે તેનું રસપ્રદ નિરૂપણ થયું છે. ધર્મસંબદ્ધ ચિન્તકો, ધર્મસુધારકો, ગૂઢાનુભવવાદીઓ (mystics) અને ધર્મોથી મુક્ત થઈને કેવળ તર્કબુદ્ધિથી ઈશ્વરનો વિચાર રજૂ કરનારા ચિન્તકો વચ્ચે ઈશ્વરના સ્વરૂપ વિશે, ઈશ્વરના કાર્ય કે ઉપદેશ વિશે કે ઈશ્વરના જગત કે મનુષ્ય સમાજના સંબંધ વિશે કોઈ જ સહમતિ જોવા મળતી નથી. પાપીઓને સજા કરતો અને ભક્તોને મદદ કરતો ઈશ્વર જે લોકો સ્વીકારે છે તેમને ઍરિસ્ટોટલ કે સ્પિનોઝા જેવા તત્વચિન્તકે રજૂ કરેલા ઈશ્વરવિચારમાં રસ પડતો નથી. મોટા ભાગના સંપ્રદાયબદ્ધ લોકો પોતપોતાના ધર્મના સ્વીકૃત પવિત્ર ગ્રંથોમાં નિરૂપાયેલા ઈશ્વરના સ્વરૂપનો, તેમના ગુણધર્મનો અને તેમનાં કાર્યોનો વિચાર શ્રદ્ધાથી સ્વીકારી લે છે. તેથી તત્વચિન્તકો જે ઈશ્વરને સાબિત કરે છે તે ઈશ્વર સહુના ધર્મવિશિષ્ટ ઈશ્વરવિચાર સાથે મેળ ખાય તો જ સ્વીકાર્ય બને છે. ઈશ્વરની તાર્કિક સાબિતી આપનારા ચિન્તકોનો જો મોટા ભાગના સંપ્રદાયબદ્ધ ધાર્મિક લોકો ઉપર કોઈ પ્રભાવ પડતો ન હોય, તો એ તો સ્પષ્ટ જ છે કે નિત્શે, સાર્ત્ર કે બર્ટ્રાન્ડ રસેલ જેવા ચિન્તકોના નિરીશ્વરવાદનો તો તેવા લોકો ઉપર ખાસ કોઈ પ્રભાવ પડે જ નહિ. ઍૅરિસ્ટોટલ કે સ્પિનોઝાના ઈશ્વરના સ્વીકારનો કે નિત્શે, રસેલ કે સાર્ત્રના ઈશ્વરના અસ્વીકારનો દિવ્યવાણી-આશ્રિત કે પવિત્ર ગ્રંથમાં શ્રદ્ધાને આધારે ઈશ્વરને સ્વીકારતા લોકો ઉપર ખાસ પ્રભાવ પડતો જ નથી, કારણ કે ઈશ્વરને કેવળ શ્રદ્ધાનો વિષય માનીને તર્કબુદ્ધિને બાજુએ મૂકવાનું સહુને પોતાની ધાર્મિક આસ્થાના કાયમી રક્ષણની દૃષ્ટિએ અનુકૂળ આવે છે.
કેરન આર્મસ્ટ્રાગે આ સંદર્ભમાં નોંધ્યું છે કે ઍમસ્ટરડૅમના ‘સિનેગોગ’(યહૂદી દેવળ)માં 1656માં સ્પિનોઝાને વિધિસર યહૂદી ધર્મની બહાર મૂકવામાં આવ્યા હતા. તેમને ‘એક્સકમ્યુનિકેટ’ (excommunicate) કરતું ફરમાન વંચાઈ ગયું ત્યાર પછી તે યહૂદી દેવળના દીવા બુઝાવીને અંધારું કરી દેવામાં આવ્યું હતું; કારણ કે ઈશ્વરવિહોણા જગતમાં સ્પિનોઝાનો આત્મા તેમની દૃષ્ટિએ તો અંધકારમાં જ ભટકે છે. તર્કબુદ્ધિથી સર્વેશ્વરવાદના સમર્થનમાં રજૂઆતો કરનારા સ્પિનોઝાનો પણ આ રીતે બહિષ્કાર થયો તે યાદ રાખવા જેવું છે.
માલતી શાહ