સ્પિનિફૅક્ષ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની એક પ્રજાતિ. આશરે ત્રણ જાતિઓ ધરાવે છે અને મોટે ભાગે પૂર્વએશિયા, ઇન્ડોમલાયા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિકના વિસ્તારોમાં વિતરણ પામેલી છે. ગુજરાતના દરિયાકિનારે રેતીમાં થતી spinifex littorans (Burm f.) Merr. દ્વિગૃહી (dioecious) આછી ભૂખરી, પ્રતિવક્રિત (recurved) અને ભૂપ્રસારી ક્ષુપ જાતિ છે. તે જે વિસ્તારમાં થાય ત્યાં પ્રવેશી ન શકાય તેવાં ઝુંડ બનાવે છે. પર્ણો 6થી 15 સેમી. લાંબાં, કઠણ, નીલહરિત અને અગ્રભાગે કાંટા જેવાં હોય છે. નરશુકિકા (spikelet) અસંખ્ય, લીસી અને આછા પીળા રંગની હોય છે. તુષનિપત્રો (glumes) 4, અંડાકાર, ટોચેથી અણીદાર, 7થી 9 શિરાઓવાળાં હોય છે. પુષ્પીય તુષનિપત્રો (floral glumes) અસમાન હોય છે. માદા શુકિકા લાંબા કાંટા જેવાં ભાલાકાર, અનેક શિરાઓવાળાં 4 તુષનિપત્રો ધરાવે છે. નીચેનાં પુષ્પીય તુષનિપત્રો ખાલી હોય છે. ઉપરનાં પુષ્પ તુષનિપત્રો એક માદા પુષ્પ ધરાવે છે. ફળ ધાન્યફળ (caryopsis) પ્રકારનું અને ગદાકાર (clavate) હોય છે તથા ટોચ પર લાંબી પરાગવાહિની ધરાવે છે.

તે સમુદ્રતટજીવી (littoral) રેતબંધક (sand binder) ઘાસ છે.

મીનુ પરબીઆ

દીનાઝ પરબીઆ