સ્પાર્ક પ્લગ (spark plug)
January, 2009
સ્પાર્ક પ્લગ (spark plug) : અંતર્દહન (internal combustion) એન્જિનના સિલિંડરના શીર્ષ(head)માં બેસાડવામાં આવતો એક ઘટક. તે એકબીજાથી (હવા વડે) અલગ રહેલા બે વીજધ્રુવો ધરાવે છે જેમની વચ્ચે તણખો ઝરે છે, જે દહનકક્ષામાંનાં ઈંધણ અને હવાના મિશ્રણને સળગાવે છે. સ્પાર્ક પ્લગ એન્જિન સાથે ભૂસંપર્કિત (grounded) પોલાદનું બાહ્ય કવચ (shell) અને તેમાં ચુસ્ત રીતે બંધ (sealed) પૉર્સેલિન જેવું સિરેમિક વિસંવાહક (insulator) ધરાવે છે (આકૃતિ). આ વિસંવાહકમાંથી એક કેન્દ્રવર્તી (central) વીજધ્રુવ પસાર થાય છે. આ વીજધ્રુવના ઉપરના ભાગમાં એક બાહ્ય સંપર્ક (contact) હોય છે.
સ્પાર્ક પ્લગ
મધ્યમાં રહેલો વીજધ્રુવ પૉર્સેલિનના નીચેના ભાગમાંથી થોડો બહાર આવે છે. પ્લગને પાના (spanner) વડે સિલિંડરની ઉપર ચુસ્ત રીતે બેસાડવામાં આવે છે. આ માટે પ્લગ ઉપર જરૂરી આંટા આવેલા હોય છે. પ્લગના નીચેના ભાગમાં આંટાઓની નીચે બાહ્ય કવચ સાથે ભૂસંપર્કિત વીજધ્રુવ તરીકે ધાતુનો ચીપિયો બેસાડેલો હોય છે. આ ચીપિયો એવી રીતે બેસાડેલો હોય છે કે તેની અને કેન્દ્રવર્તી વીજધ્રુવ વચ્ચે હવા-અંતરાલ (air-gap) તરીકે ઓળખાતી થોડીક જગ્યા રહે. બે વીજધ્રુવ વચ્ચે ભારે વોલ્ટેજનો વીજપ્રવાહ પસાર કરતાં અંતરાલ વચ્ચે વીજપ્રવાહ ઊછળે છે અને તણખો ઝરે છે. આને લીધે એન્જિનના સિલિંડરમાંનું દહનશીલ ભરણ (charge) પ્રજ્વલિત થાય છે. સ્પાર્ક પ્લગ સિલિંડરના શીર્ષમાં એવી રીતે બેસાડવામાં આવે છે કે જેથી હવા-અંતરાલ દહનકક્ષમાં થોડી અંદર ઊતરે. સિલિંડરના શીર્ષ અને સ્પાર્ક પ્લગની વચ્ચે ચૂવાણ (leakage) રોકવા વૉશર વાપરવામાં આવે છે. વીજપરિપથ માટે જરૂરી શક્તિ (power) 6 અથવા 12 વોલ્ટની બૅટરી વડે આપવામાં આવે છે.
વીજધ્રુવો ક્ષારણ ન અનુભવે તેવી નિકલ અને ક્રોમ મિશ્રધાતુના બનેલા હોય છે. કેટલાક વીજધ્રુવો ગોલ્ડ-પ્લેટિનમ અથવા પ્લેટિનમની ટોચ (tip) ધરાવે છે, તો કેટલાક સ્પાર્ક પ્લગમાંનો કેન્દ્રવર્તી વીજધ્રુવ રેડિયો-આવૃત્તિ અવરોધ (interference) અટકાવવા રેઝિસ્ટર (resistor) પણ ધરાવે છે. પ્લગના જે ભાગો વાયુઓ તરફ ઉદભાસિત (exposed) હોય તે એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે કે તે એવાં ઊંચાં તાપમાનોએ કામ કરે છે કે જેથી વિદ્યુતીય રીતે વાહક એવા નિક્ષેપો જમા થતા અટકાવે, પણ તણખો ઝરે તે અગાઉ ઇંધન સળગી ઊઠે નહિ તેટલાં નીચાં હોય.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ