સ્પાઇસ ટાપુઓ : વિષુવવૃત્ત નજીક આવેલા ઇન્ડોનેશિયન ટાપુઓનો સમૂહ. આ ટાપુઓમાં ટર્નેટ, ટિડોર, હાલ્માહેરા, અંબોન (અંબોનિયા) અને બાંદાનો સમાવેશ થાય છે. આ ટાપુઓ હવે મોલુકા અથવા માલુકુ નામથી ઓળખાય છે. અહીં મસાલા થતા હોવાથી આ પ્રમાણેનું નામ પડેલું છે. અહીંથી મળતા મસાલાને કારણે યુરોપિયન વેપારીઓ ઇન્ડોનેશિયન વિસ્તારમાં આવવા આકર્ષાયેલા. પોર્ટુગીઝોએ સર્વપ્રથમ 1579માં ટર્નેટ અને ટિડોરમાંથી લવિંગ ખરીદેલાં. પછીથી તેમણે આ બંને ટાપુઓ પર વેપારી વસાહતો પણ સ્થાપેલી. 1579માં બ્રિટિશ ઇજનેર સર ફ્રાન્સિસ ડ્રેકે આ ટાપુઓની મુલાકાત લીધેલી. ટર્નેટ ખાતે તેમણે લવિંગનો થોડો જથ્થો ખરીદેલો. 1600 સુધીમાં ડચ વહાણો મસાલાની શોધમાં આ ટાપુઓ સુધી પહોંચેલાં. 1605માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેની પ્રથમ વસાહત અમ્બોન ખાતે સ્થાપી. 1667માં ટિડોરના સુલતાને ડચ સત્તા સ્વીકારી. 1683માં ટર્નેટ પણ ડચ કાબૂ હેઠળ આવ્યું. ડચ ઇજારાશાહી હેઠળ, લવિંગ અને જાયફળની ખેતી માત્ર બાંદા ટાપુઓ અને અમ્બોન પૂરતી સીમિત હતી. તે પછીથી સ્પાઇસ ટાપુઓ નેધરલૅન્ડ્ઝ ઈસ્ટ ઇન્ડિઝમાં ભેળવી દેવાયા. સ્પાઇસ ટાપુઓનો સમાવેશ ઇન્ડોનેશિયામાં થાય છે.

જાહનવી ભટ્ટ