સ્નાયુશિથિલકો (muscle relaxants) : સ્નાયુઓના સતત-સંકોચન (spasm), પીડાકારક સ્નાયુસંકોચનો (muscle cramps), ચેતાપરાવર્તી ક્રિયાઓની અતિશયતા (hyperreflexia) વગેરે ઘટાડવા માટે વપરાતાં ઔષધો. તેના મુખ્ય 2 પ્રકારો છે – ચેતાસ્નાયુરોધકો (neuromuscular blockers) અને કેન્દ્રીય ચેતાતંત્ર પર સક્રિય એવા પ્રતિસતત-સંકોચન ઔષધો (spasmolytic drugs). પ્રથમ પ્રકારના ઔષધો ચેતાતંતુ (nerve fibre) અને સ્નાયુતંતુના સંગમ સ્થાને (neuromuscular junction) કે જ્યાં ચેતાતંતુઓ અને સ્નાયુતંતુઓ જોડાય છે તે સ્થાને રોધકક્રિયા (blockade) દ્વારા ચેતાતંતુમાંના સંદેશા સ્નાયુ સુધી પહોંચવા દેતા નથી.

સોળમી સદીમાં દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ તેમના તીરને ‘ક્યુરારે’ નામના વિષ સાથે વાપરીને તેમના શિકારને લકવાગ્રસ્ત કરતા હતા. તેમાંથી વિકસાવાયેલી ટ્યુબોક્યુરેન નામની દવાએ શસ્ત્રક્રિયાને સરળ બનાવી છે. ચેતાતંતુમાંનો આવેગનો સંદેશો ચેતા-સ્નાયુ-સંગમમાં એસિટાઇલકોલિન દ્વારા સ્નાયુતંતુ સુધી પહોંચે છે. આ એસિટાઇલકોલિનના કાર્યને 2 રીતે રોકી શકાય છે  ટ્યુબોક્યુરેન જેવાં ઔષધો એસિટાઇલકોલિનના સ્વીકારકોને ‘બાંધી’ દઈને તેને કાર્ય કરતાં અટકાવે છે તથા સક્સિનાઇલકોલિન જેવાં ઔષધો સ્નાયુતંતુના વીજવિભવમાં ફેરફાર લાવીને તેને સંકોચાતો અટકાવે છે. આ બંને પ્રકારનાં ઔષધોને ચેતાસ્નાયુરોધકો કહે છે.

પ્રતિસતત-સંકોચન ઔષધો (spasmolytic agents) કેન્દ્રીય ચેતાતંત્રમાં ઉત્તેજનાઓ ઓછી કરતા ગામા એમિનોબ્યૂટેરિક ઍસિડ (GABA) જેવાં આંતરિક નિગ્રહક દ્રવ્યો(endogenous inhibitory substances)ના કાર્યની નકલ કરે છે અથવા તેની ક્ષમતા વધારે છે. તેઓ મોટા મગજના બાહ્યસ્તર – બાહ્યક (cortex), મસ્તિષ્કપ્રકાંડ (brain stem) અને કરોડરજ્જુમાં કાર્ય કરે છે; માટે તેમને કેન્દ્રવિસ્તાર-સક્રિય (centrally acting) ઔષધો પણ કહે છે; પરંતુ તેમાં ડેન્ટ્રોલિન જેવાં ઔષધો અપવાદરૂપ હોય છે, તેથી તેને યથાસ્થાન-સક્રિય (directly acting) ઔષધ પણ કહે છે. ચેતા-સ્નાયુરોધકો શસ્ત્રક્રિયા વખતે બેભાન દર્દીના સ્નાયુઓને શિથિલ કરવા માટે વપરાય છે.

પ્રતિસંતત-સંકોચનનો ઉપયોગ સ્નાયુઓના સતત-સંકોચનથી થતા દુખાવાને ઘટાડવામાં કરાય છે. કૅરિસોપ્રોડોલ, સાઇક્લોબેન્ઝાપ્રિન, મેટાક્ઝેલોન અને મેથોકાર્બેમોલ વગેરે ઔષધો સામાન્ય રીતે નીચલી કમરનો દુખાવો, બોચીનો દુખાવો, સતંતુસ્નાયુપીડ (fibromyalgia), તણાવજન્ય માથાનો દુખાવો, સ્નાયુતંતુપટલીય (myofascial) દુખાવાના સંલક્ષણ વગેરેમાં સ્નાયુઓનું સતત-સંકોચન ઘટાડવામાં ઉપયોગી છે. તેમને પીડાનાશકો (analgesics) તથા પ્રતિખિન્નતા ઔષધો(anti-depressants)ની સાથે આપવાથી ફાયદો રહે છે. આ જૂથની બધી દવાઓ એકસરખી અસરકારકતા ધરાવે છે અને તેમનાથી અંધારાં આવવાં, ઘેન ચડવું વગેરે આડઅસરો થાય છે.

ડેન્ટ્રોલિન અને બૅક્લોફેનની મદદથી ચેતાતંત્રીય રોગો, દા. ત., મસ્તિષ્કઘાત – cerebral palsy; વ્યાપક ચેતાતંતુકાઠિન્ય – multiple sclerosis જેવા રોગોમાં જોવા મળતી સતત-સંકોચનજન્ય અધિસજ્જતા (spasticity) નામની અક્કડતા ઘટાડી શકાય છે.

ડાયાઝેપામ, લોરાઝેપામ જેવા બેન્ઝોડાયાઝેપિન્સ કેન્દ્રીય ચેતાતંત્રમાં GABA – સ્વીકારકો (receptors) સાથે સંકળાઈને સ્નાયુઓને શિથિલ કરે છે; પરંતુ તે સમયે તે ઘેન પણ લાવે છે. બૅક્લોફેન ડાયાઝેપામ જેટલું જ સ્નાયુશિથિલન કરે છે; પરંતુ તેનાથી ઓછું ઘેન ઉદભવે છે. ક્લોનિડિન, રિઝાનિડિન જેવાં ઔષધો સ્નાયુ-શિથિલન સાથે લોહીનું દબાણ ઘટાડે છે.

ડેન્ટ્રોલિન સ્નાયુતંતુનાં ઉત્તેજના-સંકોચનના જોડકા પર અસર કરીને સ્નાયુનું બળ ઘટાડે છે. તેની મુખ્ય આડઅસરોમાં સ્નાયુની નબળાઈ, ઘેન તથા ક્યારેક યકૃતશોથ(hepatitis)નો વિકાર વગેરે સમાવિષ્ટ હોય છે.

શિલીન નં. શુક્લ