સ્નાયુવીજાલેખન (electromyography, EMG) : સ્નાયુમાં સ્થિરસ્થિતિ અને સંકોચન સમયે થતા વીજફેરફારોને નોંધીને નિદાન કરવું તે. તેમાં સ્નાયુનું સંકોચન કરાવતા વીજસંકેતની આલેખના રૂપમાં નોંધ અને ચકાસણીની ક્રિયા કરાય છે. તે માટે વપરાતા સાધનને સ્નાયુવીજાલેખક (electromyograph) કહે છે અને તેના આલેખને સ્નાયુવીજાલેખ (electromyogram) કહે છે. આ પદ્ધતિમાં સ્થિર-સ્થિતિ તથા સંકોચન સમયે સ્નાયુતંતુમાં ઉદભવતા વીજવિભવો-(electrical potentials)ની આલેખના સ્વરૂપે નોંધ લેવામાં આવે છે. સ્નાયુકોષના બહારના આવરણ(સ્નાયુ-તંતુકલા)નો સામાન્ય વીજવિભવ – 70 મિલીવોલ્ટ (mV) હોય છે. EMGમાં નોંધાતો ક્રિયાવિભવ 50 માઇક્રોવોલ્ટ (mV)થી 20 કે 30 mVનો હોય છે. સ્નાયુએકમ 7–20 HZના દરે પુનરાવર્તી ક્રિયાવિભવો ઉત્પન્ન કરે છે. જોકે આ દર સ્નાયુના કદ પર આધાર રાખે છે. સ્નાયુએકમને ઈજા થાય ત્યારે વીજવિભવ 450 અને 780 mVના ગાળામાં હોય છે.

સન 1666માં ફ્રાન્સેસ્કો રેડીએ કરેલા નિદર્શન દ્વારા આ પ્રકારના અભ્યાસનો પ્રારંભ થયો. સન 1849માં ડુબારેયનોડે સ્નાયુસંકોચન વખતે સ્નાયુમાં થતી વીજક્રિયાઓ દર્શાવી, જેને સન 1890માં મેરીએ નોંધી બતાવી. સન 1922માં ગેસર અને એર્લેન્ગરે તેને ઓસિલોસ્કોપ પર દર્શાવી. સન 1960થી સપાટી પરથી દાખલ થઈને નિદાન કરવાની પ્રક્રિયા શરૂ થઈ. તેને સપાટીગત (surface related) દાખલ અથવા SEMG કહે છે. હાર્ડિકે (1966) તેનો પ્રથમ નૈદાનિક ઉપયોગ કર્યો અને ક્રેમ અને સ્ટેગેરે 1980માં તેના નૈદાનિક ઉપયોગને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં પહેલ કરી.

તેનો હાલ ચેતાતંત્ર અને સ્નાયુના રોગોના નિદાનમાં જૈવપ્રતિપોષી (biofeedback) અથવા ઉદ્ક્ષમતા વિજ્ઞાન (ergonomics) અંગેના અભ્યાસો, જૈવ યંત્રશાસ્ત્ર (biomechanics), ચાલક-નિયંત્રણ (motor control), ચેતાસ્નાયુલક્ષી દેહધર્મવિદ્યા (nuero-muscular physiology), અંગવિન્યાસ નિયંત્રણ (posture control), ભૌતિક અથવા વ્યાયામાદિ ચિકિત્સા (physical therapy) વગેરે વિવિધ સંશોધનક્ષેત્રોમાં ઉપયોગ થાય છે.

 

સ્નાયુસંકોચન-સમયે થતી વીજક્રિયા દર્શાવતો ક્રિયાવિભવ(action potential)નો આલેખ

તેને માટેનો સૂચિવીજાગ્ર (needle electrode) ચામડીમાંથી પસાર કરીને સ્નાયુમાં પ્રવેશાવાય છે. તેની મદદથી સ્થિરસ્થિતિમાં સ્નાયુની વીજક્રિયા (electrical activity) નોંધાય છે. કોઈ સ્વયંભૂ વીજક્રિયાઓ થતી હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે. વીજાગ્ર જે સ્થળે મુકાયો હોય ત્યાંની જ વીજસ્થિતિ જાણવા મળતી હોવાથી મોટા સ્નાયુમાં અનેક સ્થળે વીજાગ્ર નાંખીને આલેખન મેળવાય છે. આ પદ્ધતિને સ્નાયુ-અંતર્ગત EMG (intramuscular EMG) કહે છે. તે અમુક અંશે તકલીફ કરે છે.

એક ચેતાતંતુ જે બધા સ્નાયુતંતુઓને ઉત્તેજિત કરે તેમના સમૂહને સ્નાયુ એકમ કહે છે. ચેતાતંતુને ઉત્તેજીને સ્નાયુએકમનો વીજાલેખ મેળવી શકાય છે. આ તબક્કે ચેતાઆવેગ વહનવેગ(nerve conduction velocity)ની તપાસ પણ ઘણી વખતે સાથે સાથે કરી લેવાય છે.

સામાન્ય રીતે સ્થિરસ્થિતિમાં સ્નાયુમાં કોઈ ખાસ વીજક્રિયાઓ (electrical activities) થતી નથી. જ્યારે સ્નાયુને વ્યક્તિ જાતે સંકોચન કરાવે છે ત્યારે તેમાં વીજક્રિયાઓ ઉદભવે છે. જેને આલેખ પત્ર પર ક્રિયાવિભવ (જુઓ આકૃતિ) રૂપે નોંધવામાં આવે છે.

આ પ્રકારના આલેખન વડે ચેતા (nerves) અને સ્નાયુના વિકારો અંગે માહિતી મળે છે. ક્રિયાવિભવ(action potential)નો કાળ, તેનો વિસ્તાર, તેનું કદ (ઊંચાઈ) તથા એકસાથે થતા અનેક સ્નાયુકોષોનાં સંકોચનોથી અનેક ક્રિયાવિભવોના આલેખો વગેરે વિવિધ બાબતોની નોંધ મેળવીને ચેતાલક્ષી કે સ્નાયુલક્ષી રોગનો નિદાનભેદ કરાય છે.

શિલીન નં. શુક્લ