સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy) : મોટા આંતરડામાં નળી નાંખીને તેના પોલાણનું નિદાનલક્ષી નિરીક્ષણ તથા કેટલીક સારવાર કરવી તે. તે આમ એક પ્રકારની અંત:દર્શકીય (endoscopic) તપાસ છે. તેમાં વપરાતા મુખ્ય સાધનને સ્થિરાંત્રદર્શક (colonoscope) કહે છે. તેમાં સાધનો અને પ્રકાશવાહીતંતુઓ (optical fibres), લવચીક (flexible) નળીઓ, પ્રકાશનું સ્રોતમૂળ, તંતુપ્રકાશવાહી (fibreoptic) કૅમેરા કે ટીવી સાથે જોડી શકાય તેવો કૅમેરા વગેરેનો સમાવેશ થાય છે. તેના વડે મોટા આંતરડામાં ચાંદું, ગાંઠ કે પેશીમસો (polyp) હોય તો તેને જોઈ કે દર્શાવી શકાય છે. તેમાંથી જરૂર પડ્યે પેશીનો ટુકડો કાપી કાઢીને તેનું પરીક્ષણ (biopsy) કરી શકાય છે (નિદાનલક્ષી ઉપયોગ) તથા નાનો પેશીમસો હોય તો તેને કાપી કાઢીને દૂર કરી શકાય છે (ચિકિત્સાલક્ષી ઉપયોગ). તે માટે નળીને ગુદા દ્વારા મોટા આંતરડાના પોલાણમાં પ્રવેશાવાય છે.
સંગણિત અનુપ્રસ્થછેદચિત્રણ (computed tomography, CT Scan) અથવા ચુંબકીય અનુનાદીય ચિત્રણ (magnetic resonance imaging, MRI) વડે દ્વિપરિમાણી કે ત્રિપરિમાણી ચિત્રશૃંખલા સર્જીને જાણે મોટા આંતરડાના પોલાણમાં અંદરથી જ નિરીક્ષણ કરતાં હોઈએ અને ચિત્રણ લેવાતું હોય તેવી નિદાન-પરીક્ષણની પદ્ધતિ વિકસી રહી છે. તેને આભાસી સ્થિરાંત્રનિરીક્ષા (virtual colonoscopy) કહે છે. તે હજુ પ્રમાણિત પરીક્ષણ ગણાતું નથી. તે ફક્ત 5 મિમી.થી મોટા દોષવિસ્તાર(lesion)ને દર્શાવતું નિરીક્ષણલક્ષી નિદાનપરીક્ષણ છે. જોકે તેમાં કોઈ સાધનને શરીરમાં પ્રવેશ આપવામાં આવતો ન હોવાથી તેને અનાક્રમક પરીક્ષણ (non-invasive test) કહે છે. મોટા આંતરડામાં નળી નાંખીને કરાતી સામાન્ય સ્થિરાંત્રનિરીક્ષાને દેહાક્રમક કસોટી (invasive test) ગણવામાં આવે છે.
4થી 5 ફૂટ લાંબા મોટા આંતરડા (large bowel) અથવા સ્થિરાંત્ર(colon)ના લગભગ બધા જ ભાગમાં સ્થિરાંત્રદર્શક વડે પહોંચી શકાય છે. મોટા આંતરડાના છેલ્લા 2 ફૂટથી નાના ભાગને તેના આકારને કારણે અવગ્રહાકાર-સ્થિરાંત્ર (sigmoid colon) કહે છે. ફક્ત તેનાં નિદાન અને ચિકિત્સા માટે અવગ્રહાકાર-સ્થિરાંત્ર-દર્શક (sigmoidoscope) હોય છે અને તેની પ્રક્રિયાને અવગ્રહાકાર-સ્થિરાંત્રનિરીક્ષા (sigmoidoscopy) કહે છે.
સ્થિરાંત્રનિરીક્ષા કરવાનાં કારણો : ગુદામાર્ગે લોહી પડવું; મળત્યાગની હાજતમાં કારણ દર્શાવી ન શકાય તેવો ફેરફાર થવો; તેમાં મસા, ગાંઠ, ચાંદું કે કૅન્સર હોવાની શંકા હોવી વગેરે સ્થિતિઓમાં સ્થિરાંત્રનિરીક્ષા કરાય છે. કોઈ પણ ઉંમરે, પણ ખાસ કરીને મોટી ઉંમરે લોહીના હીમોગ્લોબિનમાં ઝડપથી ઘટાડો થાય (પાંડુતા – anaemia – થવી) ત્યારે પણ સ્થિરાંત્રનિરીક્ષા કરીને મોટા આંતરડામાંના કોઈ દોષવિસ્તાર (lesion) (દા. ત., ચાંદું કે ગાંઠમાંથી લોહી પડે છે કે નહિ તે) નક્કી કરાય છે.
સ્થિરાંત્રનિરીક્ષા : (અ) સ્થિરાંત્ર (colon) – ચિત્રાત્મક રજૂઆત, (આ) સ્થિરાંત્રનિરીક્ષા – ચિત્રાત્મક રજૂઆત, (ઇ) દર્દી પર કરાતું પરીક્ષણ. (1) ગુદા, (2) મળાશય, (3) સ્થિરાંત્રદર્શક (colonoscope), (4) અવગ્રહાકાર સ્થિરાંત્ર (sigmoidoscope), (5) અંધાંત્ર (caecum), (6) ટીવી સાથે જોડાતો કેબલ, (7) ટીવી મૉનિટર, (8) સ્થિરાંત્રદર્શકમાંથી ફેંકાતા પ્રકાશનું દ્વાર, (9) ચિકિત્સા કે પેશીપરીક્ષણ માટેનું સાધન.
મોટે ભાગે સ્થિરાંત્રનિરીક્ષા વડે મોટા આંતરડામાંનો શોથકારી વિકાર (inflammatory disorder) કે કૅન્સરનું નિદાન કરી શકાય છે. પીડાકારક સોજાના વિકારને શોથ (inflammation) કહે છે અને જ્યારે તે મોટા આંતરડામાં થાય ત્યારે તેને શોથકારી સ્થિરાંત્રવિકાર (inflammatory bowel disorder) કહે છે.
શ્યામ રંગનો મળ, મળમાં લોહી કે મળની તપાસ કરીને છૂપી રીતે લોહી વહી જતું હોય તો જરૂર પડ્યે સ્થિરાંત્રનિરીક્ષા કરાય છે. મળમાં નરી આંખે ન દેખી શકાય પણ ફક્ત કસોટી દ્વારા જ લોહી વહી રહ્યું છે, તેવું દર્શાવાય તો તેને મળમાં ગુપ્તરુધિર (occult blood) જાય છે તેવું કહેવાય છે. પશ્ચિમના માંસાહારી (ઓછાં શાકભાજી કે રેસાવાળા ખોરાકવાળા) લોકોમાં સ્થિરાંત્ર-કૅન્સરનું પ્રમાણ વધુ છે. તે ઘણું ઘાતક પણ છે અને તેની સફળ અસરકારક સારવાર પણ ઉપલબ્ધ છે. તેથી શક્ય હોય તેટલા વહેલા તબક્કામાં તેનું નિદાન કરવામાં સ્થિરાંત્રનિરીક્ષા ઉપયોગી છે. તે માટે જ્યાં તેનો વ્યાપ વધારે છે તેવા વિસ્તારોમાં બધા જ લોકોમાં આ કસોટી કરીને સ્થિરાંત્ર-કૅન્સરને શોધી કઢાય છે. આને વિચાલનીય (screening) પ્રક્રિયા કહે છે. મળમાં લોહી જવાનાં અન્ય ઘણાં કારણો પણ છે; જેમ કે હરસ, વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis), ક્રોહનનો રોગ, અંધનાલિશોથ (diverticulitis), સ્થિરાંત્ર પેશીમસા વગેરે. સ્થિરાંત્રમાંના પેશીમસાને સ્થિરાંત્રદર્શક વડે કાપી કાઢી શકાય છે. તેને પેશીમસોચ્છેદન (polypectomy) કહે છે.
પ્રક્રિયા : દર્દીને સ્થિરાંત્રનિરીક્ષા કરતાં પહેલાં 1થી 3 દિવસ બસ્તી તથા જુલાબ અપાય છે, જેથી તેના મોટા આંતરડામાંથી બધો જ મળ સાફ થઈ જાય. તેને જરૂર પડ્યે ઓછા રેસાવાળો ખોરાક લેવાનું કહેવાય છે; દા. ત., સફરજનનો રસ, લીંબુ-સોડા, પાણી વગેરે. દર્દીના શરીરમાં પ્રવાહી ન ઘટે તે ખાસ જોવાય છે. દર્દીની શારીરિક અને લોહીની તપાસ કરીને તેને અન્ય રોગ – ખાસ કરીને લોહી વહેવાનો વિકાર – નથી તે જોઈ લેવાય છે. તેને અસ્પિરિન કે અન્ય લોહીને ગંઠાવાનું ઘટાડતી દવા બંધ કરવા કહેવાય છે. આટલી પૂર્વતૈયારી પછી દર્દીને મિડેઝોલામ કે ફેન્ટાનિલના નસમાર્ગી ઇન્જેક્શન વડે ઘેનમાં નાંખવામાં આવે છે. કેટલાક અંત:નિરીક્ષજ્ઞો (endoscopists) નાઇટ્રસ ઑક્સાઇડ કે પ્રોમોફોલ પણ વાપરે છે.
સૌપ્રથમ ગુદામાં આંગળી મૂકીને ગુદા-દ્વારરક્ષક(anal sphicter)ની સંકોચન-સજ્જતા (tone) અને પ્રક્રિયાની પૂર્વતૈયારીની પર્યાપ્તતા જાણી લેવાય છે. ત્યાર પછી ગુદાછિદ્ર દ્વારા અંત:દર્શકને સાવચેતીપૂર્વક 10 મિનિટ જેટલા સમયમાં 95 % કિસ્સામાં મોટા આંતરડાના બીજા છેડા અંધાંત્ર (caecum) સુધી પહોંચાડાય છે. અંત:દર્શકને સહેજ આગળપાછળ કરી, દર્દીની સ્થિતિમાં થોડો ફેરફાર કરીને ધીમે ધીમે તેને આગળ લઈ જવાય છે. ત્યાર બાદ 20થી 25 મિનિટના સમયગાળામાં અંત:દર્શકને પાછો કાઢી લેવાનું કરવામાં આવે છે અને સ્થિરાંત્રના પોલાણ તથા તેની દીવાલનું નિરીક્ષણ કરાય છે. શંકાસ્પદ વિસ્તારનું લેઝર કિરણો વડે વિદહન (cauterization) કરાય છે તથા / કે પેશીપરીક્ષણ(biopsy)-નો ટુકડો લેવા માટે કે પેશીમસાને કાપી કાઢવા માટે જે તે દોષવિસ્તારમાં નાની શસ્ત્રક્રિયા કરાય છે. પરીક્ષણ પત્યા પછી 30થી 60 મિનિટમાં દર્દી ફરીથી પૂર્ણ સભાનતા પામે છે અને ત્યારે તેને જવા દેવાય છે.
પરીક્ષણ-પ્રક્રિયા વડે મોટા આંતરડામાં હવા ભરાય છે અને તે ક્યારેક દર્દીને પાછળથી થોડા સમય માટે તકલીફ કરે છે. આશરે 0.35 % દર્દીઓમાં જોખમી આનુષંગિક તકલીફો થાય છે, જેમાં મોટા આંતરડામાં કાણું પડવું, રુધિરસ્રાવ થવો વગેરે થાય છે. ક્યારેક દર્દીને ઘેનમાં નાંખતા નિશ્ચેતક ઔષધ(anaesthetic agent)ને કારણે હૃદય-ફેફસાંના વિકારો થઈ આવે છે. જો પૂર્વતૈયારીમાં મુખ માર્ગે સોડિયમ ફૉસ્ફેટ અપાયું હોય તો તે ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા સર્જે છે. તેને ફૉસ્ફેટ-મૂત્રપિંડરુગ્ણતા (phosphate nephropathy) કહે છે.
શિલીન નં. શુક્લ