સ્થાયી તુષારભૂમિ (permafrost) : હિમસંજોગની અસર હેઠળ કાયમી ઠરેલો રહેતો ભૂમિસ્તરવિભાગ. કેટલાંય વર્ષો સુધી જ્યાં તાપમાન 0° સે.થી નીચે રહેતું હોય એવો ભૂમિપ્રદેશ, પછી ભલે તે પ્રદેશ બરફથી જામેલો રહેતો હોય કે ન રહેતો હોય, ત્યાંના ખડકો કે જમીન-પ્રકાર ગમે તે હોય. તુષારભૂમિની ઉપલી તલસપાટી બરફ હોવા–ન હોવાને કારણે લગભગ અનિયમિત હોય છે. ઉત્તર ધ્રુવની બધી બાજુએ દક્ષિણ તરફ તે 2,000થી 3,500 કિમી.ના અંતર સુધી વિસ્તરે છે. એ રીતે જોતાં, પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારનો લગભગ 25 % ભાગ તુષારભૂમિ આવરી લે છે. ધ્રુવની નજીકના વિસ્તારો સળંગ તુષારભૂમિવાળા છે, જ્યાંથી વિષુવવૃત્ત તરફ જતાં તે ક્રમશ: તૂટક અને પછીથી છૂટાછવાયા બની રહે છે. હિમયુગો દરમિયાન તો ઉત્તર ગોળાર્ધમાં તેની સીમા આજે છવાયેલા પ્રદેશો કરતાં સેંકડો કિમી. વધુ વિસ્તરેલી હતી. વિસ્તારભેદે તુષારભૂમિના ત્રણ વિભાગો પાડેલા છે : (1) અખંડિત તુષારભૂમિ – જ્યાં કાયમી હિમસંજોગ રહે છે, હિમગલન થતું જ નથી, ત્યાં સરેરાશ હિમપટની જાડાઈ સપાટીથી 0.5થી 500 મીટરની રહે છે. (2) ખંડિત તુષારભૂમિ – જ્યાં ઠરેલા ભૂમિભાગ ઠર્યા વિનાના વિભાગોથી અલગ પડે છે, ત્યાં સ્તરઠારણની જાડાઈ જુદી જુદી રહે છે, ઉનાળામાં મોટે ભાગે અહીં બરફ ઓગળે છે. (3) છૂટીછવાઈ તુષારભૂમિ – જ્યાં ઠર્યા વિનાના વિભાગો ઠરેલા વિભાગો કરતાં ઘણા મોટા હોય છે.

ઉત્તર ગોળાર્ધમાં અલાસ્કા, કૅનેડા, ગ્રીનલૅન્ડ અને રશિયા(ઉત્તર ભાગ)માં તુષારભૂમિ પથરાયેલી છે.

સ્થાયી તુષારભૂમિ રહેવા માટે સૂર્યાઘાત (insolation), ભૂપૃષ્ઠ પરથી વાતાવરણમાં થતો ઉષ્માઘટાડો અને પૃથ્વીની આંતરિક ગરમીનું પ્રમાણ – આ પરિબળો સંતુલન જાળવતાં હોવાં જોઈએ. ઓછી સાંદ્રતા (humidity) અને સ્વચ્છ આકાશી સંજોગો હેઠળ તે વૃદ્ધિ પામે છે. આવી અનુકૂળતા ટુન્ડ્ર વિસ્તારોમાં વધુ જોવા મળે છે, જ્યાં વાર્ષિક તાપમાન 0° સે.થી નીચે હોય તેમજ વર્ષાનું પ્રમાણ 250 મિમી.થી ઓછું રહેતું હોય.

જ્યાં હિમજન્ય સંજોગોનું અસ્તિત્વ ન હતું એવા અખંડિત તુષારભૂમિવાળા વિસ્તારમાં તેના થરની જાડાઈ મહત્તમ જોવા મળી છે. દા. ત., રશિયાના ઉત્તર યાકુત્સ્કાયામાં વધુમાં વધુ 1,600 મીટરની જાડાઈ હોવાનું નોંધાયું છે. ઉત્તર અલાસ્કા અને કૅનેડામાં સરેરાશ મહત્તમ જાડાઈ 300–500 મીટરની તેમજ ઉત્તર સાઇબીરિયામાં તે 400થી 600 મીટરની છે. એ જ રીતે, અલાસ્કા અને કૅનેડાના ખંડિત વિભાગમાં તેની જાડાઈનો સામાન્ય ગાળો 50થી 150 મીટરનો અને છૂટીછવાઈ તુષારભૂમિવાળા વિસ્તારમાં 30 મીટરથી ઓછો જણાયો છે. સાઇબીરિયાની ખંડિત તુષારભૂમિમાં તે 200થી 300 મીટરનો છે.

વર્ષ દરમિયાન જ્યાં ખાસ ફેરફાર થતો નથી એવા આશરે 10થી 30 મીટરની જાડાઈવાળા તુષારભૂમિના વિસ્તારોમાં વાતાવરણનું તાપમાન આ પ્રમાણે રહે છે : અખંડિત તુષારભૂમિના પ્રદેશોમાં તાપમાન 5° સે.થી નીચે રહે છે; ખંડિત તુષારભૂમિના પ્રદેશોમાં તાપમાન 1° સે. અને 5° સે.ની વચ્ચે અને છૂટીછવાઈ તુષારભૂમિના પ્રદેશોમાં 1° સે.થી ઉપરનું તાપમાન રહે છે. સ્થળ અને સમય મુજબ તાપમાનનો ગાળો ઊંડાઈ અને ક્ષિતિજ સમાંતરતા મુજબ બદલાતો રહે છે. જુદી જુદી ઊંડાઈ મુજબના આ પ્રમાણેના આંકડાઓ ભૂસ્તરીય અતીતની આબોહવાના ફેરફારો તેમજ ઘટનાઓનો ખ્યાલ આપે છે.

ખડકછિદ્રોમાં ભરાઈ રહેતા હિમકણો તુષારભૂમિનું મહત્વનું ઘટક છે. તેમના ભૌતિક ગુણધર્મો હિમપ્રમાણ, ખડકપ્રકાર અને જમીન મુજબ બદલાતા રહે છે. તુષારભૂમિનો બરફ ભિન્ન ભિન્ન કદ(0.1 મિમી.થી 70 સેમી. વ્યાસના સ્ફટિકો)માં મળે છે. ખડકફાટોમાં તે ખાલી જગાઓના આકાર મુજબ ડાઇક, સ્તર, અનિયમિત જથ્થા કે ફાચર સ્વરૂપે જોવા મળે છે; પરંતુ તેમાં ઋતુભેદે ફેરફાર થતો રહે છે. પૃથ્વીની સપાટી પરના તાપમાનની સમતુલામાં થતા ફેરફારો મુજબ સ્થાયી તુષારભૂમિનો વિકાસ પણ બદલાયા કરે છે. હજારો વર્ષ પહેલાં તુષારભૂમિ ઘણા પ્રમાણમાં વિકસેલી, અત્યારે સમતુલા જળવાઈ રહેલી જણાય છે. તાપમાનના વધવા સાથે ભૂગર્ભજળનું સંચલન થાય છે, તુષારભૂમિની વૃદ્ધિથી ભૂગર્ભજળ સંચલનમાં ઘટાડો થાય છે. તુષારભૂમિના વિસ્તારોમાં દટાયેલાં જીવનસ્વરૂપો જળવાઈ રહે છે; પણ વનસ્પતિનો વિકાસ રુંધાય છે, ધુમ્મસ ઝાકળ વધે છે, ઇજનેરી બાબતોમાં અને વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થાય છે.

ગિરીશભાઈ પંડ્યા