સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી મૂડી (fixed capital) અને ચાલુ મિલકતોમાં રોકાણ કરવા માટે ફરતી મૂડી(circulating capital)ની જરૂર પડે છે. યંત્રો, ટ્રૅક્ટરો, મોટર ટ્રકો અને મોટર કાર જેવા ભારે કિંમતના એકમોનું ઉત્પાદન કરવા માટે સ્થાયી મૂડીની પ્રચુર માત્રામાં જરૂર પડે છે. શરૂઆતનાં વર્ષોમાં યોગ્ય પ્રમાણમાં શૅર બહાર પાડીને સ્થાયી મૂડી ઊભી કરવામાં આવી હોય ત્યાર પછીનાં વર્ષોમાં કંપનીના વિસ્તરણ (expansion), વૈવિધ્યીકરણ (diversification) અને આધુનિકીકરણ (modernisation) માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ નવા શૅર બહાર પાડીને અને/અથવા બૉન્ડ તેમજ ડિબેન્ચરો બહાર પાડીને લાંબા ગાળાની મૂડી ઊભી કરવામાં આવે છે. નવી મૂડી ઊભી કરવા માટે ખૂબ જાગૃતિ રાખવી પડે છે; કારણ કે જો કંપનીનું અલ્પમૂડીકરણ (undercapitalisation) થાય તો મજૂરી, પગાર અને ધંધાનાં દેવાં ચૂકવવા માટે તીવ્ર નાણાભીડ અનુભવવી પડે છે અને જો અતિમૂડીકરણ (overcapitalisation) થાય તો ધંધાના ભંડોળ યોગ્ય રીતે વપરાતાં નથી અને મૂડી ઉપર વાજબી વળતર મળતું નથી. ધંધા માટેની મૂડીપ્રાપ્તિ માટે આંતરિક સ્રોત અને બાહ્ય સ્રોત એમ બે પ્રકારના સ્રોત હોય છે. કંપનીનાં શરૂઆતનાં વર્ષોમાં જમીન, મકાન અને યંત્રોની ખરીદી માટે સામાન્ય શૅરો (ordinary shares) બહાર પાડીને આંતરિક સ્રોતની મૂડી ઊભી કરવી સર્વોત્તમ છે, કારણ કે સામાન્ય શૅરમૂડીના શૅરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવાનું ફરજિયાત નથી. વળી પસંદગીના શૅરો (preference shares) બહાર પાડીને પણ આંતરિક સ્રોતની મૂડી ઊભી કરી શકાય છે; કારણ કે કંપની નફો કરે નહિ ત્યાં સુધી પસંદગીના શૅરહોલ્ડરોને પણ ડિવિડન્ડ ચૂકવવાનું ફરજિયાત નથી, પરંતુ જ્યારે કંપની નફો કરે ત્યારે અગાઉનાં વર્ષો માટે પણ ડિવિડન્ડ ચૂકવવાની બાંયધરી આપવી પડે છે. વર્ષો વીત્યાં પછી જ્યારે કંપની સ્થિર થાય અને વિકાસ, વિસ્તરણ અને જૂનાં યંત્રોનાં પ્રતિસ્થાપન (replacement) કરવાનો પ્રસંગ ઊભો થાય તે સમયે આવા વિકાસ, વિસ્તરણ અને પ્રતિસ્થાપન કરવાથી મળવાપાત્ર અધિક નફાનો દર બાહ્ય સ્રોતમાંથી લીધેલ લોન ઉપર ચૂકવવા પાત્ર વ્યાજના દર કરતાં વધારે હોય તો અધિક નફામાંથી જ થોડાં વર્ષોમાં લોનના વ્યાજ અને મુદ્દલની ચુકવણી કરી શકાય છે. તેથી વિકાસ, વિસ્તરણ, વૈવિધ્યીકરણ અને પ્રતિસ્થાપન માટે નવા શૅર બહાર પાડીને લાંબા ગાળાની સ્થાયી મૂડી ઊભી કરવાને બદલે ડિબેન્ચરો બહાર પાડીને અને/અથવા નાણાકીય નિગમમાંથી લોન લેવી વધારે હિતાવહ છે.

કંપનીની સ્થાયી મૂડીની વિભાવના કરતાં ભાગીદારી(partnership)ની સ્થાયી મૂડીની વિભાવના ભિન્ન પ્રકારની છે. ભાગીદારીના દસ્તાવેજની શરતો અનુસાર કેટલીક ભાગીદારીના ચોપડામાં ભાગીદારના મૂડી ખાતામાં તેને મળવાપાત્ર પગાર, તેની મૂડી ઉપરનું વ્યાજ અને ભાગીદારીમાં તેને મળવાપાત્ર નફો જમા કરવામાં આવે છે અને તેણે વર્ષ દરમિયાન અંગત ખર્ચ માટે કરેલો ઉપાડ અને ભાગીદારીમાં તેને ફાળવવાપાત્ર નુકસાન ઉધારવામાં આવે છે. આ પ્રકારની પ્રથામાં ભાગીદારના મૂડી ખાતામાં વારંવાર વધઘટ થાય છે. તેથી તે મૂડીને અસ્થાયી મૂડી (fluctuating capital) કહેવાય છે; પરંતુ ભાગીદારીના દસ્તાવેજની શરતો અન્ય પ્રકારની હોય તો તેમને અનુસાર કેટલીક ભાગીદારીના ચોપડામાં ભાગીદારના મૂડી ખાતા ઉપરાંત તેના નામનું અલગ ઉપાડખાતું ઉધારવામાં આવે છે અને પગાર, વ્યાજ, નફો, નુકસાન અને ઉપાડ તે ખાતામાં જમા-ઉધાર કરવામાં આવે છે. આ બીજા પ્રકારની પ્રથામાં ભાગીદારના મૂડી ખાતામાં તેણે ફાળો આપેલી મૂળ મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી તેથી તે સ્થાયી મૂડી કહેવાય છે.

જયન્તિલાલ પો. જાની