સ્થાનીય ચિકિત્સા (local or topical therapy) : વિષમતા કે વિકારના સ્થળે અપાતી સારવાર. સામાન્ય રીતે ચામડી, આંખ, શ્લેષ્મકલા (mucosa), નાક, કાન વગેરેની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. તે મુખ્યત્વે 2 પ્રકારની છે : ભૌતિક (physical) અને રાસાયણિક. શેક કરવો, બરફ વડે ઠંડક આપવી, મર્દન (massage) કે કસરત કરવી/કરાવવી વગેરે. વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) અથવા ભૌતિક ચિકિત્સા (physical therapy) એક પ્રકારે સ્થાનિક ચિકિત્સા છે. રસાયણોને વિવિધ સ્વરૂપે કે સાધનો વડે સ્થાનિક ચિકિત્સા માટે વપરાય છે. જેમ કે ચામડી કે ઘાવ પર ઔષધનો ભૂકો કે ચૂર્ણ (powder), ચામડી, શ્લેષ્મકલા કે ઘાવ પર જલપેષ અથવા પિષ્ટોદક (paste), લેપ, અંજન કે મલમ (ointment), તૈલલેપ, તૈલાંજન કે તૈલમલમ (cream), ચામડી પર પ્રવાહી ઔષધનો લેપ અથવા જલલેપ કે ઉદકલેપ (lotion), મૂત્રાશયમાં વર્તી (bougie) વડે મુકાતું ઔષધ, યોનિ(vagina)માં યોનિ-ઉપધાનક (pessary) કે જલક્ષેપ (donche), ગુદા-મળાશયમાં ઉપધાનક (suppository) કે બસ્તી કે જલધારા (enema) દ્વારા ઔષધ મુકાય છે. તેવી જ રીતે આંખ અને કાનમાં ટીપાં કે બિન્દુક (drops) સ્વરૂપે તથા અંજન સ્વરૂપે તથા નાકમાં બિન્દુક સ્વરૂપે સ્થાનિક ચિકિત્સા કરાય છે. ક્યારેક અંત:દર્શક વડે પણ શરીરના પોલાણ કે પોલા અવયવોમાં સ્થાનિક ચિકિત્સા કરી શકાય છે. જેમ કે ઇન્જેક્શન દ્વારા અન્નનળીમાંથી લોહી વહેતું હોય તેવી નસોમાં તંતુકાઠિન્ય (sclerosis) કરાય છે. સ્થાનિક નિશ્ચેતના (ચામડી બહેરી કરવી) માટે પણ ચામડી નીચે ઔષધનું ઇન્જેક્શન અપાય છે.
જલદ્રાવ્ય ઔષધ સ્થાનિક ચિકિત્સા માટે હોય તોપણ તે શ્લેષ્મકલા દ્વારા અવશોષાય છે અને વ્યાપક બહુતંત્રીય અસર કરે છે. આંખની કીકીના પારદર્શક આવરણ સ્વચ્છા (cornea) પર લગાવેલું ઔષધ આંખના અગ્રસ્થ ખંડ(anterior chember)માં પ્રવેશીને કનિનિકપટલ (iris) પર સક્રિય રહે છે. ક્યારેક નાકમાં નાંખેલું કે છાંટેલું પ્રવાહી મધ્યકર્ણનળી (eustachian tube) દ્વારા મધ્યકર્ણમાં પહોંચે છે. તૈલીપ્રવાહી શ્વસનમાર્ગમાં પ્રવેશીને ફેફસામાં ન્યુમોનિયા કરે છે.
મળાશયમાં અપાતી બસ્તી 2 પ્રકારની હોય છે. નિકાલકારી (evacuant) જેની મદદથી મળત્યાગ સરળ બને છે અને બીજી સ્થાનિક સારવાર આપતી બસ્તી. દા. ત., મોટા આંતરડામાં ચાંદાં કરતા વ્રણકારી સ્થિરાંત્રશોથ(ulcerative colitis)માં પ્રેડિનસેલોનની બસ્તી.
ચામડીમાં ઇન્જેક્શન આપીને સ્થાનિક પ્રતિક્રિયાને આધારે દર્દીની એલર્જી કે ચેપ સામેની પ્રતિગ્રાહ્યતા (hypersensitivity) અંગે માહિતી મેળવી શકાય છે. કોઈ ચોક્કસ સ્થળે નિશ્ચેતકનું ઇન્જેક્શન આપીને કે તેના મલમને ચોપડીને જે તે સ્થળે સ્થાનિક નિશ્ચેતના મેળવી શકાય છે. એટલે કે જે તે સ્થળનો ભાગ ‘બહેરો’ થઈ જાય છે. આવું દાંત કે અન્ય સ્થાનિક શસ્ત્રક્રિયા પહેલાં કરવા માટે સ્થાનિક નિશ્ચેતકનું ઇન્જેક્શન અપાય છે. ગુદામાર્ગમાં પીડાકારક મસા કે ચીરા હોય ત્યારે મળત્યાગમાં તકલીફ ન પડે તે માટે ત્યાં સ્થાનિક નિશ્ચેતકનો મલમ ચોપડાય છે. કોઈ ધમની શરીરના કોઈ ચોક્કસ ભાગને લોહી પહોંચાડતી હોય તેમાં ઔષધનું ઇન્જેક્શન આપીને જે-તે પેશીમાં સૌથી વધુ અસરકારકતા મેળવી શકાય છે. તેવી રીતે શરીરમાંનાં પોલાણો કે પોલા અવયવોમાં ઔષધ નાંખીને ત્યાં ધારી અસર મેળવાય છે, દા. ત., મૂત્રાશયનું પોલાણ, ફેફસાંની આસપાસના પરિફેફસી કલા(pleura)માંના આવરણમાંનું પોલાણ, પેટમાં આવેલી પરિતનગુહા(peritoneal cavity)નું પોલાણ, કરોડરજ્જુની આસપાસનું પોલાણ વગેરે. જોકે આવી રીતે ઇન્જેક્શન વડે અપાતી સ્થાનિક ઔષધચિકિત્સામાં ઔષધ રુધિરાભિસરણમાં પ્રવેશીને અમુક અંશે સમગ્ર શરીરમાં અસર તથા આડ અસરો કરે છે.
આંખ માટેની મોટા ભાગની ઔષધચિકિત્સા સ્થાનિક પ્રકારની હોય છે. આંખની અંદરની પેશીમાં ઔષધપ્રવેશ પર ઔષધ, તેને લઈ જતા વાહક (ઔષધવાહક) રસાયણ તથા ઔષધસંયોજન(formulation)નાં વિવિધ પરિબળો અસર કરે છે; જેમ કે ઔષધના રાસાયણિક ગુણધર્મો, મેદદ્રાવિતા, પ્રવેશમાર્ગ, ઔષધવાહકના રાસાયણિક તથા ભૌતિક ગુણધર્મો અને શ્યાનતા (viscocity), ઔષધની સાંદ્રતા (concentration), આસૃતિદાબ, અમ્લતા વગેરે.
સ્થાનિક સારવારનો હેતુ મોટા ભાગે ઓછી માત્રામાં વિકારના સ્થળે ઔષધનો સંસર્ગ કરાવીને ઓછામાં ઓછી આડઅસર તથા મહત્તમ લાભકારી અસર થાય તે જોવાનો છે. જોકે સ્થાનિક સારવારનું ઔષધ લોહીમાં પ્રવેશીને ક્યારેક વ્યાપક આડઅસરો પણ કરે એવું બને છે.
શિલીન નં. શુક્લ