સ્થળાંતર (માનવીય) : કોઈ એક સ્થાન, પ્રદેશ કે ભૌગોલિક વિસ્તારમાંથી અન્ય સ્થાન, પ્રદેશ કે વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરવાના હેતુથી માણસોની આવનજાવનની પ્રક્રિયા. સ્થળાંતર એટલે સ્થાનફેર, જેનો આશય અન્યત્ર વસવાટ કરવાનો હોય છે. તેનાં આર્થિક, રાજકીય કે સામાજિક કારણો હોઈ શકે છે; દા. ત., રોજગારી કે વધુ સારી રોજગારી મેળવવાનો હેતુ આર્થિક ગણાય. જે પ્રદેશોમાં રાજકીય અસ્થિરતા હોય છે, જે પ્રદેશોમાં રાજકીય કે કોમી સંઘર્ષો સતત ચાલતા હોય છે, જે પ્રદેશોમાં લાંબા સમયથી અશાંતિ ફેલાયેલી હોય છે તે પ્રદેશોમાંથી લોકો જ્યારે હિજરત કરે છે ત્યારે તે પ્રકારનું સ્થળાંતર રાજકીય કારણોને આભારી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આવું ભૌગોલિક સ્થળાંતર સ્વૈચ્છિક હોતું નથી; પરંતુ નાછૂટકે કે ફરજિયાત કરવું પડતું સ્થળાંતર હોય છે, કારણ કે તે જીવનમાં અનેક જાતની અસ્થિરતા અને જોખમો પેદા કરે છે. આ બાબતમાં શરણાર્થીઓનો દાખલો ટાંકી શકાય. પંદરમી સદીના અંતમાં સ્પેનમાંથી યહૂદીઓને તથા મૂર લોકોને હાંકી કાઢવામાં આવેલા; સોળમી અને સત્તરમી સદીમાં ધાર્મિક પજવણીથી બચવા માટે યુરોપમાંથી ઘણા લોકોને હિજરત કરવી પડી હતી; જર્મનીમાં હિટલરના નાઝી શાસનકાળ (1936–1945) દરમિયાન ફરી એક વાર યહૂદીઓને જર્મનીમાંથી હિજરત કરવી પડી હતી. ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થયા પછી સામ્યવાદનો વિરોધ કરનારા પંદર લાખ લોકોનું અન્યત્ર પુન:સ્થાપન કરવું પડ્યું હતું. 1947માં ભારતીય ઉપખંડમાં ભારત–પાકિસ્તાન આ બે સ્વતંત્ર રાજકીય ઘટકો અસ્તિત્વમાં આવ્યા તે અરસામાં એક કરોડ એંશી લાખ લોકોએ બંને વચ્ચેની નવી સરહદો ઓળંગી હતી. યુરોપના ઇતિહાસમાં ત્રીજી અને છઠ્ઠી સદીઓ વચ્ચે ગૉથિક આક્રમણોને કારણે લાખો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું; તેરમી સદીમાં ચંગીઝખાનની યુદ્ધપિપાસાને લીધે પશ્ચિમ દિશા તરફ મોટા પાયા પર લોકોએ સ્થળાંતર કર્યું હતું; ચૌદમી સદીથી 16મી સદી સુધી ઑટોમન ટર્ક્સનાં આક્રમણોને કારણે પણ મોટા પાયા પર લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.

અર્થતંત્રમાં જ્યારે મંદીનાં વલણો દાખલ થાય છે અને તેને લીધે જ્યારે શ્રમિકો પોતાની નિયમિત રોજગારી ગુમાવે છે ત્યારે નવી રોજગારીની શોધમાં તેમને ફરજિયાત સ્થળાંતર કરવું પડે છે. વિશ્વમાં 1929માં મહામંદી આવી ત્યારે આ અનુભવ થયેલો. અમેરિકામાં છેલ્લાં 2–3 વર્ષ(2005–08)થી ફરી મંદીનું મોજું આવ્યું છે, જેને પરિણામે તેનો ભોગ બનેલા શ્રમિકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે; દા. ત., સિલિકૉન વેલીમાંથી થઈ રહેલ સ્થળાંતર. બાંગ્લાદેશમાંથી ભારતમાં હજારોની સંખ્યામાં તે દેશના નાગરિકો પ્રવેશી રહ્યા છે, જેને કારણે શરણાર્થીઓની સમસ્યા ઊભી થઈ છે. ઘણી વાર પોતાનું ધાર્મિક સ્વાતંત્ર્ય કે રાજકીય સ્વાતંત્ર્ય ટકાવી રાખવા માટે લોકો એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરતા હોય છે. ઈરાનના મૂળ વતની પારસી કોમના અનુયાયીઓએ પોતાનું ધાર્મિક સ્વાતંત્ર્ય ટકાવી રાખવા માટે સાતમી સદીમાં ઈરાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હતું. સત્તરમી સદીથી બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સુધીના ગાળામાં છ કરોડ પચાસ લાખ માણસોએ યુરોપમાંથી ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું. કેટલીક વાર ખોરાકની શોધમાં પણ ભૂખથી પીડાયેલા લોકો દુકાળગ્રસ્ત પ્રદેશમાંથી અન્યત્ર સ્થળાંતર કરતા હોય છે. 1944માં બંગાળમાં દુકાળ પડ્યો ત્યારે તથા બીજા વિશ્વયુદ્ધ પછી ઇથિયોપિયામાં જ્યારે અનાજની તીવ્ર તંગી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. કેટલીક વાર સુનામી કે ભૂકંપ જેવી આપત્તિઓને કારણે ભયભીત થયેલા લોકો પોતાના જાનમાલનું રક્ષણ કરવા માટે સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરતા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓના ભયથી કાશ્મીરના મૂળ રહેવાસી પંડિતોને વીસમી સદીના છેલ્લા બે દાયકા દરમિયાન અન્યત્ર હિજરત કરવી પડી છે. આ દાખલો તાજેતરનો છે.

1949માં યહૂદીઓના અધિકૃત રાષ્ટ્ર તરીકે ઇઝરાયલનો જન્મ થતાં યહૂદીઓની તે પૂર્વેની હજારો વર્ષ જૂની સ્થળાંતરની સમસ્યાનો અંત આવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે