સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)

January, 2009

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે.

આકૃતિ 1 : કેટલાંક યાયાવર પક્ષીઓના સ્થળાંતરી માર્ગો : (1) લાલકંઠી સક્કરખોરો (ઉત્તર અમેરિકાથી મધ્ય અમેરિકા તરફ), (2) કાળી ચાંચ ફૂત્કી (કૅનેડાથી દક્ષિણ અમેરિકા તરફ), (3) વીટર, ગ્રીનલૅન્ડથી દક્ષિણ યુરોપ અથવા ઉત્તર આફ્રિકા તરફ, (4) બેવિકનો રાજહંસ (સાઇબીરિયાથી ધ્રુવીય ટુંડ્ર-પ્રદેશથી બ્રિટિશ ટાપુ તરફ પ્રયાણ, (5) લાંબી પાંખવાળું જળચારી પક્ષી (shear water), આઠના આંકડા (figure of eight) જેવા પંખીનું માર્ગી સ્થળાંતર, (6) ધ્રુવીય ટર્ન (ધ્રુવથી ધ્રુવ તરફ) આવતાં-જતાં આશરે 25,000 કિલોમીટર અંતર કાપે છે.

તે અવરજવર મુખ્યત્વે ઋતુમાનમાં થતા તીવ્ર ફેરફારોથી બચવા માટે અથવા ખોરાકની અછતને નિવારવા માટે કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તે ઋતુગત અથવા મોસમી હોય છે. કીટકોની એકમાર્ગીય અવરજવરને કે પ્રવાસને સ્થળાંતર ગણે છે; દા. ત., તીડનું સ્થળાંતર, પતંગિયાંઓનું સ્થળાંતર. તે એકમાર્ગીય એટલા માટે ગણવામાં આવે છે કે પુખ્ત કીટક કે તેનાં ડિંભ પોતાના મૂળ સ્થાને ક્યારેય આવતાં નથી. કેટલાક જીવશાસ્ત્રીઓ વિવિધ સ્થળોએ પ્રાણીઓના ફેલાવાથી લાંબા ગાળાના જે ફેરફારો થાય છે તેમને પણ સ્થળાંતરની ગતિવિધિ ગણતા હોય છે; દા. ત., ડાર્વિન્સ ફિન્ચીઝ. આમછતાં મોટા ભાગના જીવશાસ્ત્રીઓ બે સ્થળો વચ્ચેની નિયમિત, લાંબા ગાળાની ઋતુને અનુલક્ષીને થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે; દા. ત., ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેની પક્ષીઓની અવરજવર.

આકૃતિ 2 : યાયાવર પક્ષીઓ : (1) સુરખાબ, (2) ચોટીલી પેણ, (3) કાળી ડોક ઢાંક, (4) ધોંક/ઢોંક, (5) જમાદાર ઢોંક, (6) ચમચો

યાયાવર પક્ષીઓનું સ્થળાંતર મુખ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે : (1) પૂર્ણ ચક્રીય સ્થળાંતર, જેમાં પ્રાણીઓ કે પક્ષીઓ ઋતુગત ફેરફારો મુજબ લાંબા અંતરનો પ્રવાસ ખેડે છે અને નિર્ધારિત કે નિશ્ચિત સ્થળે – પોતાના મૂળ રહેઠાણને સ્થળે પાછાં આવી જતાં હોય છે. આ પ્રવાસ દરમિયાન તેના તે જ માર્ગે અથવા ચક્રીય માર્ગે પ્રાણીઓ કે પક્ષીઓ સ્થળાંતરપ્રેરિત પ્રવાસ પૂરો કરતાં હોય છે. (2) એકમાર્ગીય પ્રવાસ, જેમાં પક્ષીઓ કે પ્રાણીઓ ઋતુમાન પ્રમાણે અને દેહધર્મક્રિયા સાથે સુસંગત હોય તે રીતે સ્થાનાંતર કે સ્થળાંતર કરતાં હોય છે. (3) જાતિનું સાતત્ય ટકાવી રાખવાના હેતુથી વનસ્પતિમાં સ્થળાંતર શક્ય હોતું નથી, છતાં પ્રજનન સાથે સંકળાયેલાં પોતાનાં વિવિધ અંગો જેવાં કે ફૂલ, ફળ, બીજ ઇત્યાદિને મૂળ સ્થાનેથી દૂરનાં વધુ અનુકૂળ સ્થાનો સુધી પહોંચાડવા માટે વનસ્પતિ વિવિધ પ્રકારના નૈસર્ગિક ઉપાયો અપનાવે છે. આને વિક્ષેપણ કે વિસ્તરણ (dispersion) તરીકે ઓળખવામાં આવે છે. આમાં વનસ્પતિનાં વિવિધ અંગોનું યંત્રવત્, એટલે કે આપમેળે થતું સ્થળાંતર (mechanical migration) જોવા મળે છે.

સ્થળાંતર કે સ્થાનાંતરની પ્રક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. કેટલાંક પ્રાણીઓનું સ્થળાંતર મર્યાદિત અંતર દરમિયાન જ થતું હોય છે; દા. ત., દેડકા કે દેડકા જેવાં અન્ય પ્રાણીઓ (toads) પોતાનાં મૂળ સ્થાન અને પ્રજનન-સ્થાન વચ્ચે જ દર વર્ષે સ્થળાંતર કરતાં હોય છે, તો બીજાં કેટલાંક પ્રાણીઓ કે પક્ષીઓ હજારો માઈલના પ્રદેશમાં અવરજવર કરતાં હોય છે. કેટલાંક પક્ષીઓનું સ્થળાંતર આશરે 35,000 કિ.મી.નું અંતર આવરી લે છે. દરિયામાં રહેતા અને તેના પ્રવાહથી તણાતાં કે ઘસડાતાં પ્રાણીઓ રોજ સ્થળાંતર કરતાં હોય છે. દિવસ દરમિયાન તે પાણીના પેટાળમાં હજારો મીટર જેટલી અવરજવર પાણીની અંદર તરીને કરતાં હોય છે, જ્યારે રાતના સમયમાં તે પાણીની ઉપરની સપાટી પર સ્થળાંતર કરતાં હોય છે.

આકૃતિ 3 : યાયાવર પક્ષીઓ : (7) ગુલાબી પેણ, (8) નાની ડૂબકી, (9) ધોળી ડોક ઢોંક, (10) નીલકંઠી, (11) વૈયું (rosy pastor)

કેટલાંક પ્રાણીઓ ઋતુમાન પ્રમાણે અથવા ઋતુકાલાનુસારી સ્થળાંતર કરતાં હોય છે, જે વર્ષમાં બે વાર થતું હોય છે. તાપમાન કે વરસાદમાં થતા ફેરફારોને અનુલક્ષીને જે સ્થળાંતર થાય છે તે ઋતુકાલાનુસારી સ્થળાંતર ગણાય છે. આ સ્થળાંતરના ત્રણ પેટાપ્રકાર છે : (1) વિષુવવૃત્તીય સ્થળાંતર કે ઉત્તર-દક્ષિણ સ્થળાંતર; (2) રેખાંશપ્રેરિત સ્થળાંતર; (3) સ્થાનિક સ્થળાંતર. ચામાચીડિયાં કે વડવાગોળ, દરિયાનાં સીલ પ્રાણીઓ જેવાંનું સ્થળાંતર વિષુવવૃત્તીય પ્રકારનું સ્થળાંતર હોય છે; પરંતુ પહાડી વિસ્તારનાં પ્રાણીઓ રેખાંશપ્રેરિત સ્થળાંતર કરતાં હોય છે; દા. ત., જ્યારે પહાડોના ઉપરના વિસ્તારમાં ખૂબ ઠંડી પડતી હોય ત્યારે કેટલાંક પ્રાણીઓ પર્વતના નીચાણવાળા પ્રદેશો તરફ સ્થળાંતર કરતાં હોય છે, બાકીની ઋતુમાં તેઓ ફરી પહાડોની ટોચના ભાગમાં જતાં રહેતાં હોય છે. મોટા ભાગનાં ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં રહેતાં પ્રાણીઓ અને પક્ષીઓ તથા સસ્તન પ્રાણીઓ માત્ર સ્થાનિક સ્થળાંતર કરતાં હોય છે. સૂકી ઋતુમાં તે ભેજવાળા વિસ્તારમાં જતાં રહે છે, જ્યારે વરસાદની ઋતુની શરૂઆત થાય કે તુરત જ તે તેમના મૂળ વિસ્તારમાં પાછાં આવી જતાં હોય છે.

આકૃતિ 4 : પક્ષીથી ઇતર સ્થળાંતરી પ્રાણીઓ : (1) શાહી પતંગિયાં, (2) (અ) સાલ્મન (આ) વામ (eel), (3) ભેક (toad), (4) કાચબા, (5) વાઇલ્ડ બીસ્ટ્સ (wild beasts)

સ્થળાંતર કરવા માટેનાં મુખ્ય કારણો : (1) અનુકૂળ પર્યાવરણીય ઋતુમાનનો લાભ લેવા; (2) ખોરાકની શોધ કરવા; દા. ત., જે વિસ્તારમાં દુકાળ પડે છે ત્યાં ખાદ્યાન્ન તથા ઢોરો માટેના ઘાસચારાની તીવ્ર અછત સર્જાતી હોય છે. ઇથિયોપિયામાં વીસમી સદીના છેલ્લા 3થી 4 દાયકા દરમિયાન આ પ્રકારનું માનવ-સ્થળાંતર જોવા મળ્યું છે. તેવી જ રીતે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યારે ઘાસચારાની તીવ્ર અછત વરતાય છે ત્યારે ઢોરોને મૃત્યુના મુખમાંથી બચાવવા માટે મોટા પાયા પર તેમનું સ્થળાંતર થતું હોય છે. વીસમી સદીના સાતમા અને આઠમા દાયકામાં આ પ્રકારનાં સ્થળાંતરોનો અનુભવ થયો હતો. (3) પ્રજોત્પત્તિ માટે તથા ઉછેર માટેના અનુકૂળ સંજોગો પ્રાપ્ત કરવા માટે પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ આ પ્રકારનું સ્થળાંતર વ્યાપક અને નિયમિત પ્રમાણમાં કરતાં હોય છે. પક્ષીઓમાં કેટલીક પ્રજાતિઓ એવી છે, જે પ્રજોત્પત્તિ માટે પોતાના મૂળ પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરતી હોય છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નળસરોવરનું ઠેકાણું, કલોલ તાલુકાના થોળ ગામમાં આવેલ તળાવ તથા રાજસ્થાનના ભરતપુર ખાતેનું પક્ષી અભયારણ્ય આ માટે જાણીતાં છે. ફેબ્રુઆરી 2008માં જે પક્ષીગણતરી કરવામાં આવેલી તેમાંથી ઊપસી આવેલી વિગતો મુજબ નળસરોવરમાં 112 પ્રજાતિનાં 2.53 લાખ પક્ષીઓ તથા મહેસાણા જિલ્લાના થોળ ખાતે 77 પ્રજાતિનાં લગભગ 25,000 પક્ષીઓ નોંધાયાં છે. પ્રજોત્પત્તિ બાદ પક્ષીઓ પાછાં પોતાના મૂળ પ્રદેશમાં જતાં રહેતાં હોય છે. (4) દિવસ મોટો થાય ત્યારે દિવસના વધારાના કલાક દરમિયાન ખોરાકની શોધ કરવા કે શિકાર કરવા પક્ષીઓ સ્થળાંતર કરતાં હોય છે એવું જાણવામાં આવ્યું છે.

પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ જ્યારે નિયમિત રીતે સ્થળાંતર કરતાં હોય છે ત્યારે તેમાંથી બે મુખ્ય સમસ્યાઓ ઉદભવતી હોય છે : (1) સ્થળાંતર કરતાં પક્ષીઓ સ્થળાંતર કરવા માટે તથા સ્થળાંતરનો ઉદ્દેશ પૂરો થાય ત્યારે પોતાના મૂળ પ્રદેશમાં પાછાં જવા માટે માર્ગની શોધ કેવી રીતે કરતાં હોય છે ? (2) જે પક્ષીઓ ટોળામાં સ્થળાંતર કરતાં હોય છે તેમના કિસ્સામાં સ્થળાંતર દરમિયાન તેમનાં બચ્ચાંઓ પણ તેમની સાથે હોય છે અને કેટલીક વાર કેટલાંક પક્ષીઓ પોતાના ટોળામાંથી વિખૂટાં પડી જતાં હોય છે અને દિશાભૂલને કારણે અન્ય પ્રદેશોમાં દાખલ થઈ જતાં હોય છે. આ સંજોગોમાં તે તેમના મૂળ ટોળામાં ફરી ભેગાં કેવી રીતે થઈ જતાં
હોય છે ?

સ્થળાંતર માટેના માર્ગની શોધ પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ કેવી રીતે કરે છે તેના જવાબમાં જે પરિબળોનો નિર્દેશ કરી શકાય તેમાં (1) સૂર્ય, ચંદ્ર અને તારાઓની મદદથી માર્ગનું નિર્ધારણ, (2) જમીન પરનાં કેટલાંક દૃશ્ય અને મોટાં ચિહનો (Landscape features); જેવાં કે નદીના પ્રવાહની દિશા, નદી કે દરિયાના કિનારા, પર્વતોનાં શિખરો અને તેમની શૃંખલાઓ ઇત્યાદિ. (3) કેટલાંક પ્રાણીઓ દિવસ દરમિયાન સૂર્ય અને રાત્રીમાં તારાઓના સ્થાનને આધારે પોતાનો માર્ગ નિર્ધારિત કરતાં હોય છે. (4) કેટલાંક પ્રાણીઓ જળાશયોમાંથી નીકળતી સોડમને આધારે, તાપમાનના આધારે કે વાતાવરણમાંના ભેજના પ્રમાણને આધારે માર્ગ નક્કી કરતાં હોય છે. (5) દરિયામાં જન્મેલાં અને રહેતાં પ્રાણીઓ દરિયાના પાણીના પ્રવાહ કે વહેણને આધારે પોતાના સ્થળાંતરનો માર્ગ નિર્ધારિત કરતાં હોય છે; દા. ત., ભરતી-ઓટ ઇત્યાદિ.

પક્ષીઓ કે પ્રાણીઓ જ્યારે પોતાના જૂથમાંથી વિખૂટાં પડી જતાં હોય છે ત્યારે તે પાછાં પોતાના જૂથ સાથે ભેગાં કઈ રીતે થાય છે તે અંગે કરેલાં વિશ્લેષણ કે પ્રયોગોમાંથી હજુ સુધી કોઈ નક્કર જવાબ સાંપડેલ નથી.

વિનોદ સોની, મહાદેવ શિ. દુબળે,

રા. ય. ગુપ્તે, બાળકૃષ્ણ માધવરાવ મૂળે